Entertainment

કિયારાના ક્યારામાં ફિલ્મો હાઉસ‘ફૂલ’

કિયારા અડવાણી પરદા પર જોવો ગમે એવો ચહેરો છે. તેના ચહેરા પર હંમેશ એક સ્મિત રહે છે અને જયારે પાત્રમાં ગંભીરતા લાવવાની હોય તો ખૂબ સહજપણે એ ભાવ પર ઊતરી આવે છે. કિયારા કયારેય દાવો નથી કરતી. હું અમુક પ્રકારની ફિલ્મો કરવા આવી છે. ફિલ્મોમાં જે આવે તેનામાં મહત્ત્વાકાંક્ષા તો હોય અને હોવી જ જોઇએ પણ કિયારા ઝનૂની બનતી નથી. ‘કબીર સીંઘ’ ફિલ્મથી બધાની નજર તેની તરફ ગઇ અને ‘ગુડ ન્યૂસ’, ‘શેરશાહ’થી તો તેની ઇમેજ જ બદલાઇ ગઇ. અલબત્ત હજુ ય તેની સફળ ફિલ્મોની સંખ્યા નિષ્ફળ ફિલ્મોથી ઘણી ઓછી છે પણ તે હવે સ્વીકારાઈ ચૂકી છે. હમણાં તે ‘ભુલભુલૈયા-2’ માં પણ આવી હતી અને ‘ગોવિંદા નામ મેરા’ સાથે તૈયાર છે.

કિયારા કોઇની સાથે જોડી ફિકસ કરવામાં માનતી નથી એટલે આ વખતે તેનો હીરો વિકી કૌશલ છે. ‘સત્ય પ્રેમકી કથા’ માં તે કાર્તિક આર્યનની બનીને આવશે. આ ઉપરાંત ‘આરસી ૧૫’ છે પણ તે તેલુગુમાં છે. તે એકદમ યોજનાબધ્ધ રહીને કામ નથી કરતી. અત્યારે તે કારકિર્દીના એવા તબકકામાં છે જેમાં અખતરા કરવા જોઇએ. તેલુગુમાં તો તેની ત્રીજી ફિલ્મ આવશે. અગાઉ ‘ભારત એન નેનુ’ અને ‘વિનય વિધેયા રામા’ માં તે હતી. એકમાં મહેશ બાબુ તો બીજામાં રામચરણ તેનો હીરો હતો. હવે સાઉથની ફિલ્મમાં કામ કરનારા માટે હોલીવુડ જેવું જ મહત્ત્વ થઇ ગયું છે. આમ કરવાથી બિગ બેનરની બિગ ફિલ્મ માટે તે સાયકોલોજીકલી તૈયાર થઇ ગઇ છે.

મોટા દિગ્દર્શક, મોટા સ્ટાર સાથે કામ કરવા માટે એક જુદા પ્રકારની તત્પરતા હોવી જોઇએ. કિયારા કોઇ ચોકકસ સ્ટાર યા બેનરનો આધાર લીધા વિના આગળ વધી રહી છે. સિધ્ધાર્થ મલ્હોત્રા સાથે તેની પ્રેમ કહાણી જરૂર છે પણ સિધ્ધાર્થ સાથે વધારે ફિલ્મમાં કામ કરીને પોતે અસલામત છે એવી લાગણીથી દૂર રહે છે. અત્યારના સમયમાં પ્રેક્ષકો થિયેટરોમાં જવા હજુ પણ જાતે તૈયાર નથી તેની ચિંતા જરૂર સતાવે છે પણ તે પોતાને મળેલી ભૂમિકામાં જ ઓતપ્રોત રહે છે.

ફિલ્મનું બજાર અભિનેતા – અભિનેત્રી માટે નથી, તે નિર્માતા – દિગ્દર્શકે વિચારવાનો મુદ્દો છે. પ્રોડકટ સારી બને તો પ્રેક્ષકો મળી રહેશે. તે મોટા કે નાના બેનર વચ્ચે ભેદ નથી પાડતી છતાં તેને મોટા બેનર માટે જ વધારે પસંદ કરવામાં આવે છે એ પણ નકકી છે. તે સિંધી હિન્દુ બિઝનેસમેનની દીકરી એટલે પ્રોફેશનાલિઝમને પણ સમજે છે. તે મારી આવી ફિલ્મમાં કામ કરવું છે એવા ઇરાદાઓ પ્રગટ નથી કરતી. કઇ ફિલ્મના કોના માટે કેવી પુરવાર થાય તે કોઇ નકકી કરી શકતું નથી. કિયારા પોતાની ફિલ્મો સફળ થાય તો ખુશ થાય છે પણ તેમાં કોઇ શરત નથી. •

Most Popular

To Top