મધ્યપ્રદેશ સરકારે મોટો નિર્ણય લેતા ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ને ટેક્સ ફ્રી કરી દીધી છે. મંગળવારે સીએમ ડૉ. મોહન યાદવે AUAP દ્વારા આયોજિત સેમિનારમાં ફિલ્મને ટેક્સ ફ્રી કરવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું છે કે તમામ ધારાસભ્યો અને સાંસદ સાબરમતી ફિલ્મ જોવા જશે. આ પહેલા વડાપ્રધાન મોદીએ ફિલ્મના વખાણ કર્યા હતા.
ધ સાબરમતી રિપોર્ટ ધીરજ સરના દ્વારા દિગ્દર્શિત અને મુખ્ય ભૂમિકામાં વિક્રાંત મેસી અભિનિત ફિલ્મ તેના શરૂઆતના સપ્તાહના અંતે બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરી રહી છે. 2002માં ગુજરાતના ગોધરામાં સાબરમતી એક્સપ્રેસમાં લાગેલી આગની દુ:ખદ ઘટના પર આધારિત આ ફિલ્મમાં રિદ્ધિ ડોગરા અને રાશિ ખન્ના પણ છે.
મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવે ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ની પ્રશંસા કરી હતી અને તેને ઈતિહાસનું એક અંધકારમય પ્રકરણ સમજવાનું માધ્યમ ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે આ ફિલ્મ સત્યને ઉજાગર કરે છે. રાજનીતિ તેની જગ્યાએ છે પરંતુ મતોની રાજનીતિ માટે આટલી ગંદી રમત રમવી અત્યંત શરમજનક હતી અને આ મુશ્કેલ સમયમાં ધીરજ રાખીને ગુજરાત અને દેશનું સન્માન બચાવ્યું. તમને જણાવી દઈએ કે આ પહેલા વડાપ્રદાન નરેન્દ્ર મોદીએ પણ આ ફિલ્મના વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે સત્ય ઉજાગર થઈ રહ્યું છે.