મુંબઈ: (Mumbai) સની દેઓલની ‘ગદર 2’ (Gadar-2) શુક્રવારે બોક્સ ઓફિસ પર ધમાકો કરવા જઈ રહી છે. ફિલ્મે એડવાન્સ બુકિંગ દ્વારા બુધવાર રાત સુધી લગભગ 10 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. છેલ્લા 24 કલાકમાં ફિલ્મની (Film) 1.10 લાખ ટિકિટો વેચાઈ ગઈ છે. 22 વર્ષ બાદ ‘ગદરઃ એક પ્રેમ કથા’ની આ સિક્વલ ફિલ્મ અને સની દેઓલના કમબેકને લઈને ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બીજી તરફ અક્ષય કુમારની ‘OMG 2’ એડવાન્સ બુકિંગમાં બહુ સારું પ્રદર્શન કરી રહી નથી. આ ફિલ્મ હજુ સુધી 1 લાખ ટિકિટ પણ વેચી શકી નથી. જણાવી દઈએ કે આ બંને ફિલ્મો આવતીકાલે એટલેકે શુક્રવારે એક સાથે સિનેમાઘરોમાં રિલીઝ થશે.
અનિલ શર્મા દ્વારા દિગ્દર્શિત ‘ગદર 2’ એ બોક્સ ઓફિસ માટે મોટી આશાની કિરણ માનવામાં આવી રહી છે. આ ફિલ્મનું પોસ્ટર રિલીઝ થયું છે ત્યારથી સની દેઓલના એક્શનને જોવા દર્શકોમાં ઉત્સાહ છે. આ પછી ફિલ્મના ટીઝર, ટ્રેલર અને ગીતોએ બધાને આકર્ષિત કર્યા છે. અહેવાલ મુજબ, ‘ગદર 2’ માટે સમગ્ર દેશમાં બુધવારે રાત સુધી 3,91,975 ટિકિટોનું એડવાન્સ બુકિંગ થઈ ગયું છે. ખાસ વાત એ છે કે આમાંથી 1.10 લાખ ટિકિટો બુધવારે જ વેચાઈ હતી.
પહેલા દિવસના આ એડવાન્સ બુકિંગમાં દિલ્હી-NCRમાં 38% સીટો ભરાઈ ગઈ છે. જ્યારે ચેન્નાઈ, જયપુરમાં આ આંકડો 45%થી વધુ છે. રાજસ્થાનના અલવરમાં 95-100% બેઠકો અગાઉથી બુક થઈ ગઈ છે જ્યારે યુપીના અલીગઢમાં, શરૂઆતના દિવસ માટે લગભગ 70% સીટો પહેલેથી જ ભરાઈ ગઈ છે. જણાવી દઈએ કે સની દેઓલ, અમીષા પટેલ, ઉત્કર્ષ શર્મા, સિમરત કૌર અને મનીષ વાધવા અભિનીત ફિલ્મ ‘ગદર 2’ દેશભરમાં 3500 થી વધુ સ્ક્રીન્સ પર રિલીઝ થઈ રહી છે. લગભગ ત્રણ કલાકની આ ફિલ્મ માટે એડવાન્સ બુકિંગની સ્થિતિને જોતા લાગે છે કે આ ફિલ્મ શરૂઆતના દિવસે 40-45 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કરશે. જો કે આ ફિલ્મ શાહરૂખ ખાનની ‘પઠાણ’ના રેકોર્ડને તોડી શકશે કે કેમ તેની ઉપર બધાની નજર છે. ‘ગદર 2’ રવિવાર સુધીના પ્રથમ સપ્તાહમાં લગભગ 100 કરોડ રૂપિયા સરળતાથી પાર કરી જશે તેવી ચર્ચા છે.
ગદર-2ની એડવાન્સ બુકિંગને જોતા અક્ષય કુમારની ‘OMG 2’ની ટીમ ટેન્શનમાં છે. રિપોર્ટ અનુસાર બુધવાર રાત સુધી આ ફિલ્મ માટે 55,048 ટિકિટોનું એડવાન્સ બુકિંગ થઈ ગયું છે. આ રીતે સેક્સ એજ્યુકેશનના મુદ્દા પર બનેલી આ ફિલ્મે 1.68 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. આ ફિલ્મમાં પંકજ ત્રિપાઠી અને યામી ગૌતમ સાથે અરુણ ગોવિલ પણ છે. સેન્સર બોર્ડે ફિલ્મને ‘A’ સર્ટિફિકેટ આપ્યું છે. જો ફિલ્મને દર્શકો પસંદ કરે તો વીકેન્ડ સુધીમાં તેની કમાણીમાં જોરદાર વધારો થઈ શકે છે. અક્ષય કુમારની છેલ્લી 5 ફિલ્મો બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ફ્લોપ રહી છે. આવી સ્થિતિમાં તેને એક હિટની જરૂર છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ‘OMG 2’ દર્શકોને તેની અગાઉની ફિલ્મ ‘OMG’ની જેમ જ પસંદ આવશે.