ગોધરા: ગોધરાના જાફરાબાદ વિસ્તારમાં આવેલ કોમન પ્લોટમાં ગેરકાયદે કબ્જો કરવામાં આવતા ગોધરા એ ડીવીઝન પોલીસે એક વ્યક્તિ સામે લેન્ડ ગ્રેબિંગ એકટ મુજબનો ગુનો દાખલ કરી ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે. બનાવ અંગેની માહિતી અનુસાર કોમન પ્લોટનો ઉપયોગ વૃત્તાલય વિહારામ સોસાયટીના રહીશો કરતા હતા જે કોમન પ્લોટમાં આરોપી પોતાનું પતરાવાળુ રહેણાંક મકાન બનાવી રહેતો હોય અને કબ્જો પરત ન કરતા તેની સામે ગુનો નોંધાયો છે. ગોધરા શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે શહેરના અંકલેશ્વર મહાદેવ વિસ્તારમાં રહેતા મણીભાઈ શનાભાઈ પટેલે નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું હતું કે જાફરાબાદ વિસ્તારમાં બનાવવામાં આવેલ વૃત્તાલય વિહારામ સોસાયટીમાં આવેલ કોમન પ્લોટ જે સરકાર હસ્તક હોય.
જે કોમન પ્લોટ નું ક્ષેત્રફળ ૧૧૧૫.૧૭ ચો.મી હોય જે કોમન પ્લોટ નો ઉપયોગ વૃત્તાલય વિહારામ સોસાયટીના રહીશો કરતા હોય જે કોમન પ્લોટ પૈકીની પુર્વ દિશા તરફ આઈ.ટી.આઈના કમ્પાઉન્ડ પાસે કોમન પ્લોટની જગ્યામાં ચીમન મસુરભાઈ દંતાણી રહે, વૃત્તાલય વિહારામ સોસાયટીનાઓએ ગેરકાયદે કબ્જો કરી તેઓનું પતરા વાળુ રહેણાંક મકાન બનાવી રહેતા હોય જેથી મણીભાઈ તથા અન્ય સ્થાનિકોએ ચીમનને સોસાયટીના જમીનમાં આવેલ કોમન પ્લોટમાં કરેલ કબ્જો પરત સોંપી દેવા માટે અવારનવાર જાણ કરવા છતાં સોસાયટીના કોમન પ્લોટમાં કરેલ કબ્જો પરત નહીં કરતા ફરીયાદી મણીભાઈ પટેલે સરકાર ના લેન્ડ ગ્રેબિંગ એકટના કાયદા મુજબ જીલ્લા કલેકટરને અરજી કરતા સુનાવણીના અંતે ફરીયાદ દાખલ કરવાનો હુકમ કરતા શહેરએ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે, ગોધરાના જાફરાબાદ વિસ્તારમાં આવેલ કોમન પ્લોટમાં ગેરકાયદે કબ્જો કરવામાં આવતા પોલીસે જમીન પચાવી પાડવા અંગેનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.