SURAT

મિલકત વેરો ભરવાનો બાકી હોય તો આ યોજના તમારા માટે છે, સુરત પાલિકાએ જોરદાર સ્કીમ લોન્ચ કરી

સુરત: ચાલુ નાણાકીય વર્ષમાં રેવન્યુ આવકમાં રેકોર્ડ કરવા જઇ રહેલા સુરત મનપાના તંત્રએ જુના બાકી વેરાનું ભરણું વધે તે માટે ફરી એક વખત વેરામાં વ્યાજ માફીની સ્કીમ મુકી છે. ગત વરસે આ સ્કીમને કારણે મનપામાં જૂના વેરાનો બાકીનો મોટો હિસ્સો ભરાઇ જતા લાભ થયો હતો. ત્યારે ભાજપ શાસકોએ બજેટને મંજૂર કરતી વખતે ચાલુ નાણાંકિય વર્ષમાં પણ વ્યાજ માફીની સ્કીમ આપી છે તેને સફળ બનાવવા મનપા કમિશનરે તમામ ઝોનના આકારણી વિભાગને સાબદો કરી દીધો છે. સરકારી વિભાગોના બાકી વેરાની વિગતો પણ મંગાવાઇ છે કેમકે સરકારી મિલકતોમાં મોટા ભાગે વેરામાં વ્યાજ કયા હેડ નીચે ભરવું તે સમસ્યા હતી તે હવે સોલ્વ થઇ જશે.

  • મનપાના તંત્ર દ્વારા દરેક ઝોનમાં ટોપ 100-100 ડિફોલ્ટરની યાદી તૈયાર કરી તેનું ફોલોઅપ શરૂ કરાયું
  • સરકારી વિભાગોના બાકી વેરાની વિગતો પણ મંગાવાઇ
  • આજથી જુનો વેરો ભરો અને મિલકતવેરામાં વ્યાજ માફીની સ્કીમનો લાભ લો: કમિશનર
  • મંગળવારથી વ્યાજ વેરા માફી યોજના માટે સોફ્ટવેર કાર્યરત થઇ જવાનું હોવાથી રહેણાંકમાં 100 ટકા અને બિન રહેણાંકમાં 50 ટકા સુધીના વ્યાજમાં માફી મળશે

મનપા કમિશનર શાલિની અગ્રવાલે અધિકારીઓ સાથે બેઠક કરીને વ્યાજ માફી સિવાયની મૂળ રકમ અને વ્યાજની રકમના આંકડા ઝોન વાઇઝ મંગાવ્યા છે. તેમજ દરેક ઝોનના 100-100 ટોપ ડિફોલ્ટરોની યાદી તૈયાર કરીને તેનું સ્ટ્રોંગ ફોલોઅપ શરૂ કરાયું છે. દરમિયાન મંગળવારથી વ્યાજ વેરા માફી યોજના માટે સોફ્ટવેર કાર્યરત થઇ જવાનું હોવાથી રહેણાંકમાં 100 ટકા અને બિન રહેણાંકમાં 50 ટકા સુધીના વ્યાજમાં માફી મળશે.

100 ટકા અને 50 ટકા માફી કેવી રીતે મળશે?
ચાલુ નાણાંકિય વર્ષમાં વર્ષોથી વેરો ભરવાનો બાકી હોય તેવી રહેણાંક મિલકતોના રૂા. 577 કરોડ બાકી છે. જે પૈકી 150 કરોડ તો માત્ર વ્યાજ છે. જ્યારે બિન રહેણાંકમાં 208 કરોડના બાકી વેરા પૈકી 48 કરોડ વ્યાજની રકમ થાય છે. વ્યાજ માફી યોજનાનો લાભ લેવામાં આવે તો વ્યાજ મુક્તિથી લોકોને મોટી રાહત મળશે. રહેણાંક મિલકતો માટે તારીખ 31મી માર્ચ 2022 સુધીની વ્યાજપાત્ર રકમ પરના વ્યાજ, વોરંટ ફી, નોટીસ ફી અને પેનલ્ટીમાં 100 ટકા રાહત મળશે. જ્યારે બિનરહેણાંકમાં 50 ટકા રાહત મળશે. તમામ જાહેર રજાઓ (ધૂળેટી સિવાય) તેમજ બીજા અને ચોથા શનિવારના દિવસે પણ વેરો ભરપાઇ થઇ શકે તે માટે તમામ સિવિક સેન્ટરો સવારે 10.30 કલાકથી બપોરના 3.30 કલાક સુધી ચાલુ રહેશે. પાલિકાની વેબસાઇટ પરથી ઓનલાઇન વેરો ભરી શકાશે.

Most Popular

To Top