જમ્મુ કાશ્મીરમાં (Jammu Kashmir) સતત સુરક્ષા દળોનું આતંકવાદીઓ (Army Operation Against Terrorist) વિરૂદ્ધનું ઓપરેશન ચાલુ છે. આજે બુધવારે શોપિયાં ખાતે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ દરમિયાન જવાનોએ 2 આતંકવાદીઓને ઠાર કરી દીધા હતા. જોકે આ એન્કાઉન્ટરમાં (Encounter) 3 જવાન પણ ઘાયલ થયા છે. તેમાંથી એક જવાને હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.
શોપિયાં એન્કાઉન્ટરમાં જે 2 આતંકવાદીઓ માર્યા ગયા છે તેમાંથી એક આતંકવાદીની ઓળખ આદિલ વાની તરીકે થઈ છે. તે જુલાઈ 2020માં આતંકવાદી સંગઠનો સાથે જોડાયો હતો. તેણે પુલવામા ખાતે ઉત્તર પ્રદેશના સહારનપુરના મૂળ નિવાસી પ્રવાસી મજૂરની હત્યા કરી હતી. આદિલ TRFનો જિલ્લા કમાન્ડર હતો.
જમ્મુ-કાશ્મીર પોલીસના જણાવ્યા મુજબ, સુરક્ષા દળો અને જમ્મુ-કાશ્મીર પોલીસની સંયુક્ત ટીમ શંકાસ્પદ સ્થળ તરફ આગળ વધતાં આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર શરૂ કર્યો હતો, ત્યારબાદ એન્કાઉન્ટર શરૂ થયું હતું અને તેમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. જેની ઓળખણ હજી સુધી થઈ નથી. પોલીસ કોશિશ કરી રહી છે. આંતકવાદીની ઓળખાણ કરી પૂરા નેટવર્કની માહિતી મેળવવા અને તેને જાહેર કરવાનો પ્રયાસ કરી રહી છે
કાશ્મીરના IGP એ જણાવ્યું કે, જમ્મુ કાશ્મીરમાં છેલ્લા 15 દિવસમાં આતંકવાદીઓ વિરૂદ્ધ 10 જેટલી અથડામણો થઈ છે. આ એન્કાઉન્ટર્સમાં અત્યાર સુધીમાં 15 આતંકવાદીઓ માર્યા ગયા છે. આ તરફ સુરક્ષા દળોએ પૂંચના જંગલોમાં પણ આતંકવાદીઓને ઘેરી લીધા છે. ત્યાં છેલ્લા 10 દિવસથી એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. જવાનોએ જંગલમાં 4-6 આતંકવાદીઓને ઘેરી લીધા છે. જાણવા મળ્યા મુજબ સુરક્ષા દળો કોઈ પણ સમયે આતંકવાદીઓ પર અંતિમ હુમલો કરી શકે છે.
જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળોનું આતંકવાદીઓ વિરૂદ્ધનું ઓપરેશન સતત ચાલુ છે. તેવામાં છેલ્લા કેટલાક દિવસોથી ઉશ્કેરાયેલા આતંકવાદીઓએ સામાન્ય નાગરિકો પર હુમલો કરવાનું શરૂ કરી દીધું છે. થોડા સમય પહેલા આતંકવાદીઓએ બિહાર અને ઉત્તર પ્રદેશના મજૂરોની હત્યા કરી દીધી હતી.