જાપાને (Japan) બુધવારે કતરમાં ફીફા વર્લ્ડ કપ 2022ના (Fifa World Cup 2022) ગ્રુપ સ્ટેજની મેચમાં જર્મની સામે ઐતિહાસિક પ્રથમ જીત નોંધાવી હતી. જેની દર્શકોએ ભરપૂર ઉજવણી કરી હતી. જો કે વિશ્વના સૌથી ઉત્તમ ખેલાડીઓ તરીકે જાણીતી જાપાનની ટીમે ફરી એકવાર પોતાના અદ્ભુત વ્યવહારથી સોશિયલ મીડિયા (Social Media) યુઝર્સના દિલ જીતી લીધા છે. જીતનો આનંદ માણવાને બદલે વિનર ટીમે જર્મનીને હરાવ્યા પછી તેના લોકર રૂમને સાફ (Cleaning) કર્યો હતો. અને તેને બેદાગ એકદમ ચકચકાટ કરી દીધો હતો.
લોકર રૂમની તસવીર શેર કરતા FIFAએ લખ્યું, “મેચના દિવસે #FIFAWorldCupમાં જર્મની સામેની ઐતિહાસિક જીત પછી, જાપાનના ચાહકો સ્ટેડિયમમાં તેમનો કચરો સાફ કરે છે, જ્યારે @jfa_samuraiblue ખલિફા ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં જાપાનની ટીમ તેમના ચેન્જિંગ રૂમને સાફ કરે છે.
ટ્વીટર પર દર્શાવેલ ફોટામાં રૂમની મધ્યમાં કાઉન્ટર પર ટુવાલ, પાણીની બોટલો અને બચેલા ખોરાકના કન્ટેનર સરસ રીતે મૂકવામાં આવ્યા છે. એટલું જ નહીં જાપાની ટીમે એક નોંધ પણ છોડી દીધી જેમાં જાપાનીઝ અને અરબીમાં “આભાર” લખવામાં આવ્યું હતું – સારી છાપ માટે થોડા ફોલ્ડ કરેલા કાગળની ક્રેન્સ સાથે.
ટીમ તો ટીમ, ચાહકોએ પણ દિલ જીતી લીધું
FIFA વર્લ્ડ કપ 2022માં બુધવારે જાપાને જર્મની પર જીત મેળવી હતી. અને જાપાની ચાહકો તેમની ટીમની જીતથી ખૂબ જ ખુશ હતા. પરંતુ તેમએ આ ઉજવણી પહેલા પણ કંઈક એવું કાર્ય કર્યું જેનાથી માત્ર જાપાનનું જ નહીં પરંતુ સમગ્ર વિશ્વનું દિલ જીતી લીધું. જાપાનના ચાહકોએ કતારમાં બતાવ્યું કે જાપાનીઓ ગમે ત્યાં રહે પણ તેઓ તેમની રીતભાત અને સારી ટેવોને ક્યારેય ભૂલતા નથી. મેચ પુરી થયા બાદ જાપાની ચાહકોએ સ્ટેડિયમની બહાર નીકળતા પહેલા કચરો એકઠો કરીને સ્ટેડિયમની સફાઈ કરી હતી. આ દરમિયાન તેની કેટલીક તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
ફિફા વર્લ્ડ કપ-2022માં ચાર વખતની ચેમ્પિયન જર્મનીને હરાવીને 24મા ક્રમની જાપાની ફૂટબોલ ટીમે લોકર રૂમની સફાઈ કરી હતી. FIFAના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટે કેપ્શન સાથે એક તસવીર શેર કરી હતી. જેમાં લખ્યું હતું, “ઐતિહાસિક જીત પછી…જાપાનના ચાહકો સ્ટેડિયમમાં કચરો સાફ કરે છે.”
આ પહેલા પણ કર્યું છે આવું સરસ કામ
તમને જણાવી દઈએ કે જાપાનીઓએ ચાર વર્ષ પહેલા રશિયામાં વર્લ્ડ કપમાં પણ આવું જ કર્યું હતું. ખાસ કરીને છેલ્લા 16માં બેલ્જિયમ સામે 3-2થી હાર્યા બાદ. અને ત્યારબાદ 2022ની ટૂર્નામેન્ટની પ્રથમ મેચ રવિવારે યજમાન કતર અને એક્વાડોર વચ્ચે રમાઈ હતી. જાપાની સમર્થકોએ તે દિવસે પણ આવું જ કર્યું જે દિવસે તેની ટીમ રમી ન હતી.