ફિફા વર્લ્ડકપમાં ભાગ લેવા માટે લગભગ બધી ટીમો કતાર પહોંચી ગઇ છે. ફૂટબોલનો મહાકુંભ 20મી નવેમ્બરથી શરૂ થઇ રહ્યો છે ત્યારે આ ફિફા વર્લ્ડકપ લિયોનલ મેસી, ક્રિસ્ટીયાનો રોનાલ્ડો નેમાર જેવા દિગ્ગજ ખેલાડીઓ પોતાની ટીમ માટે પ્રદર્શન કરતા જોવા મળશે. આ ફિફા વર્લ્ડ કપ કેટલાક ખેલાડીઓ માટે છેલ્લો વર્લ્ડ કપ પણ હોઈ શકે છે. કેટલાક ખેલાડીઓ ઉંમર અને ઈજાના કારણે નિવૃત્ત થઈ શકે છે. આ રમતના બે મહાન ખેલાડી લિયોનેલ મેસી અને ક્રિસ્ટિયાનો રોનાલ્ડો તેમની કારકિર્દીના પાંચમા વિશ્વ કપમાં ભાગ લેશે. આશા છે કે આ બંને સ્ટાર ખેલાડીઓ તેમનો છેલ્લો વર્લ્ડ કપ રમશે.
આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ લેનારાઓની યાદીમાં લુકા મોડ્રિક, લુઈસ સુઆરેઝ જેવા સ્ટાર્સના નામ પણ સામેલ થઈ શકે છે. વિશ્વના ફૂટબોલ દિગ્ગજો લિયોનેલ મેસી અને ક્રિસ્ટિયાનો રોનાલ્ડો સહિત ઘણા સ્ટાર ખેલાડીઓ મેદાન પર પોતાની કળા બતાવવા આતુર છે. આ દરમિયાન ઘણા રેકોર્ડ તૂટવાની સાથે કેટલાક નવા રેકોર્ડ પણ સ્થાપિત થશે. કતારમાં રમાનારા આ ફિફા વર્લ્ડકપ દરમિયાન ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને લિયોનેલ મેસી એવા ખેલાડીઓની યાદીમાં સામેલ થશે જેમણે પાંચ ફિફા વર્લ્ડકપમાં ભાગ લીધો છે. આ અગાઉ મેક્સિકોના એન્ટોનિયો, જર્મનીના લોથર મેથિયાસ, મેક્સિકોના રાફેલ માર્ક્વેઝ અને ઇટાલીના જિયાનલુઇગી બુફોન પાંચ-પાંચ વર્લ્ડકપ રમી ચૂક્યા છે અને હવે તેમાં મેસી અને રોનાલ્ડોના નામ સામેલ થશે.
જો વાત મેસીની કરીએ તો આર્જેન્ટિનાનો સ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસી ફોરવર્ડ પોઝિશન પર રમે છે. તેણે પોતાનો પહેલો વર્લ્ડ કપ 2006માં રમ્યો હતો. મેસી સાત વખત ફૂટબોલની રમતનો સૌથી મોટો ગણાતો બેલોન ડી’ઓર એવોર્ડ જીતી ચૂક્યો છે, જો કે તે હજુ સુધી આર્જેન્ટીનાને ફિફા વર્લ્ડકપ જીતાડી શક્યો નથી. તેણે આર્જેન્ટિના માટે 162 મેચમાં 86 ગોલ કર્યા છે અને 51 ગોલ કરવામાં મદદ કરી છે. બની શકે કે આ વર્લ્ડ કપ તેનો છેલ્લો વર્લ્ડ કપ હોય, ત્યારબાદ તે સંન્યાસ લઈ શકે છે.
મેસીના મેદાન પરના કટ્ટર પ્રતિદ્વંદી તરીકેની ઓળખ ધરાવતા પોર્ટુગલના ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની જો વાત કરવામાં આવે તો ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પણ મેસીની જેમ ફોરવર્ડ પોઝિશન પર રમે છે. તેણે પણ પોતાનો પ્રથમ ફિફા વર્લ્ડ કપ 2006માં રમ્યો હતો. 37 વર્ષીય રોનાલ્ડો પણ મેસીની જેમ જ તેનો પાંચમો વર્લ્ડ કપ રમશે અને તે પણ પોતાના દેશ પોર્ટુગલને મેસીની જેમ હજુ સુધી વર્લ્ડકપ જીતાડી શક્યો નથી. રોનાલ્ડોએ પોર્ટુગલ માટે 189 મેચોમાં 117 ગોલ કર્યા છે અને 42 ગોલમાં મદદ કરી છે. રોનાલ્ડો આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી છે. વધતી ઉંમરના કારણે આ વર્લ્ડકપ તેનો પણ છેલ્લો વર્લ્ડકપ બની શકે છે. રોનાલ્ડો તેને જીત સાથે સમાપ્ત કરવા માંગે છે.
હવે વાત કરીએ ક્રોએશિયાના લુકા મોડરિચની તો તેને ફૂટબોલ જગતમાં મિડફિલ્ડ વિઝાર્ડ તરીકે ઓળખવામાં આવે છે. 2018ના ફિફા વર્લ્ડકપમાં ક્રોએશિયાની ટીમ ફાઇનલમાં પહોંચી તેની પાછળ મોડરિચની મોટી અને મહત્વની ભૂમિકા રહી હતી. ફાઇનલમાં જોકે ક્રોએશિયાનો ફ્રાન્સ સામે પરાજય થયો અને પ્રથમ વખત વર્લ્ડકપ જીતવાનું તેનું સપનું ચકનાચૂર થઈ ગયું. મોડરિચને ટુર્નામેન્ટનો શ્રેષ્ઠ ખેલાડી અને ગોલ્ડન બોલનો વિજેતા જાહેર કરવામાં આવ્યો હતો. 37 વર્ષીય લુકાએ 2006માં પ્રથમ ફિફા વર્લ્ડકપ રમ્યો હતો અને તેના માટે પણ કદાચ કતારમાં છેલ્લો વર્લ્ડકપ હોઇ શકે છે. ઉરુગ્વનો લુઇસ સુઆરેઝ વધુ એક એવો સ્ટાર ખેલાડી છે કે જે પણ પોતાનો અંતિમ વર્લ્ડકપ રમશે. ઉરુગ્વે તરફથી લુઈસ સુઆરેઝ ફોરવર્ડ પોઝિશનમાં રમે છે. સુઆરેઝ 2022 વર્લ્ડકપ પછી આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી પણ નિવૃત્તિ લઈ શકે છે. તે 134 મેચમાં 56 ગોલ સાથે ટીમનો ટોપ સ્કોરર છે.
તેઓ પોતાના સમયનો શ્રેષ્ઠ સ્ટ્રોક પ્લેયર છે. 35 વર્ષીય સુઆરેઝ ઉંમરને કારણે પોતાનો છેલ્લો વર્લ્ડકપ રમશે. આ ઉપરાંત જો અલગ કોઇ ખેલાડીની વાત કરવાની હોય તો તેમાં જર્મનીના ગોલકીપર મેન્યુઅલ ન્યુઅરનો પણ તેમાં સમાવેશ કરવો પડે. ઉપર જણાવ્યા તે તમામ મિડ ફિલ્ડ ખેલાડીઓ ગણાય છે, જ્યારે મેન્યુઅલનો તેમાં એટલા માટે ઉમેરો કરવો પડે છે કે તે એક ચુસ્ત અને મુસ્તેદ ગોલકીપર છે. મેન્યુઅલ ન્યુઅર 36 વર્ષનો થઈ ગયો છે. તેણે 2014 ફિફા વર્લ્ડકપની ફાઇનલમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને તે સમયે તેને બેસ્ટ ગોલકીપરનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. કતારમાં રમાતો વર્લ્ડકપ તેના માટે પણ છેલ્લો વર્લ્ડકપ હોઇ શકે છે અને તે પછી તે પોતાના ગ્લવ્ઝને ખીંટીએ ટાંગી શકે છે.