અંજાર(Anjar): કચ્છના (Kutch) અંજારમાં ચોંકાવનારી ઘટના બની છે. અહીંની એક સ્ટીલ ફેક્ટરીમાં (Steel Factory) ભીષણ આગ (Fire) ફાટી નીકળી છે. ભઠ્ઠી ઉભરાતા આગ લાગી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. આગ ફેક્ટરીમાં ફેલાતા કેટલાંક કામદારો દાઝી ગયા હોવાનું જાણવા મળ્યું છે. ફેક્ટરીમાં સળગતા કામદારોનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
- કચ્છના અંજારમાં મોટી દુર્ઘટના
- મોડી રાત્રે કેમો સ્ટીલ ફેક્ટરીમાં આગ લાગી
- સ્ટીલ પીગળાવતી વખતે ભઠ્ઠી ઉભરાતા આગ લાગી
- આગમાં 10થી વધુ કામદારો દાઝ્યા, 4ના મોત
પ્રાપ્ત માહિતી અનુસાર અંજારમાં આવેલી કેમો સ્ટીલ કંપનીમાં મોટી દુર્ઘટના બની છે. ફેક્ટરીની ભઠ્ઠી ઉભરાઈ જતા 10 કામદારો ગંભીર રીતે દાઝી ગયા હતા. સ્ટીલ પિગળાવતી વખતે ઘટના બની હતી. આગને પગલે ફેક્ટરીમાં દોડધામ મચી ગઈ હતી. કામદારો જીવ બચાવવા આમતેમ દોડવા લાગ્યા હતા. કેટલાંક કામદારો સળગતી હાલતમાં દોડ્યા હતા. કેટલાંક કામદારોએ ઊંચાઈ પરથી નીચે કૂદકો મારી દીધો હતો. આ સમગ્ર દ્રશ્યો કેમેરામાં કંડારાઈ ગયા હતા, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
દાઝી ગયેલા 7 કામદારોને આદિપુર ડિવાઈન લાઈફ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 7 કામદારોની હાલત અત્યંત નાજુક હોઈ તેઓને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. 5 કામદારના મોત નિપજ્યાં છે.
મોડી રાત્રે બનેલી આ ઘટનાને લીધે ફાયર બ્રિગેડ દોડતું થઈ ગયું હતું. આખી રાત આગ ઠારવાના પ્રયાસો થયા હતા. સવારે ફાયરે આગ પર કાબુ મેળવવામાં સફળતા મેળવી હતી. કંપનીમાં સેફ્ટીના સાધનોનો અભાવ હોવાનું જાણવા મળ્યું છે.