SURAT

સુરતના જાણીતા સખીયા ક્લીનીક સાથે મોટી છેતરપિંડી, જેની પર ભરોસો કર્યો તેને જ દગો દીધો!

સુરત: લાલ દરવાજામાં સખીયા સ્કિન ક્લિનીક લિમીટેડની ઓફિસમાં એકાઉન્ટન્ટ એક્ઝિક્યુટિવ તરીકે ફરજ બજાવતી મહિલાએ રૂ.80.46 લાખની ઉચાપત કરી હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે.

  • મહિલા એક્ઝિ. એકાઉન્ટન્ટ સખીયા સ્કિન ક્લિનિકને 80.46 લાખનો ચૂનો ચોપડી ગઈ
  • લાલ દરવાજાના સખીયા સ્કિન ક્લિનિકમાં કામ કરતી પ્રાચી સોલંકીએ નાણાં બેંકમાં જમા કરાવવાના હતા
  • 2024-25ના ઓડિટમાં ભોપાળું બહાર આવ્યું તો છેતરપિંડીની કબૂલાત કરી લીધી, પરંતુ માત્ર 8.50 લાખ જ જમા કરાવ્યા

વરાછા યોગીચોક શિવદર્શન સોસાયટી વિભાગ-૨માં રહેતા અને લાલ દરવાજા આયુશ ડોકટર હાઉસમાં સખીયા સ્કિન ક્લિનીક લિમીટેડ ઓફિસમાં છેલ્લા પંદર વર્ષથી એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા જીગ્નેશ મગનભાઈ કાનાણીએ મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં ક્લિનીકમાં એકાઉન્ટન્ટ એક્ઝિક્યુટિવ તરીકે નોકરી કરતી પ્રાચીબેન ગેઈન સોલંકી (રહે. ડાહી ફળીયું, રૂદરપુરા) સામે ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદમાં જણાવ્યું છે કે જુલાઈ 2018માં પ્રાંચી સોલંકી હેડ ઓફિસમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરીમાં જોડાઈ હતી. પ્રાચીએ ડિરેકટરોનો વિશ્વાસ હાંસલ કરતા કંપનીએ તેને સપ્ટેમ્બર 2023ના રોજ હેડ ઓફિસમાં એકાઉન્ટન્ટ એક્ઝિક્યુટીવ તરીકેનો હોદ્દો આપ્યો હતો. પ્રાચી ઈન્ફિનિટી ટાવરની બ્રાન્ચ અને સર્જરી શાખામાંથી આવતી રોકડની ગણતરી કરી બેન્કમાં જમા કરાવવાની તેમજ બેન્કનો હિસાબ, પાર્ટીના ચેક બનાવવા, ડી.ટી.એસ.ની એન્ટ્રીઓ, દેવાદાર-લેણદારોના હિસાબો રાખવાની કામગીરી સંભાળતી હતી.

પ્રાચી સોલંકીએ નોકરી દરમિયાન 1 એપ્રિલ 2024થી 31 માર્ચ 2025 સુધીમાં ઈન્ફિનિટી ટાવરની ક્લિનીક બ્રાન્ચના 48,06,581, સર્જરી શાખાના 26,87,604 અને ભટાર શાખાના 14,02,594 મળી કુલ રૂ.88,96,779/- ઈન્ફિનિટી ટાવરના ક્લિનીકમાં જમા કરાવ્યા ન હતા. કંપનીના એપ્રિલ 2025ના ઓડિટમાં પ્રાચી સોલંકીનું ભોપાળું બહાર આવ્યું હતું.

કંપની દ્વારા પ્રાચી સોલંકીને પુછતા તેણે ઉચાપત કરી હોવાની કબૂલાત કરી રૂ.8,50,000 કંપનીમાં જમા કરાવ્યા હતા, જ્યારે બાકીના રૂ.80,46,779/- જમા કરાવ્યા નહોતા. બનાવ અંગે મહિધરપુરા પોલીસે જીગ્નેશ કાનાણીની ફરિયાદના આધારે પ્રાચીબેન સોલંકી સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top