જાપાનના વયોવૃધ્ધ કવિ યોન નાગુચી તેમની ઉંમર ૭૦ પાર પણ લખાણોમાં યુવાનો જેવી તાજગી અને તેમના વિચારોની આ તાજગીને લીધે દુનિયાભરમાં તેઓ મશહુર…તેમનાં લખાણોથી પ્રેરિત અને પ્રભાવિત થઈને એક યુવાન અમેરિકન વાચક અને પત્રકાર તેમને મળવા ખાસ જપાન આવ્યા. અમેરિકન વાચક અને પત્રકાર કવિના લખાણથી ખૂબ જ પ્રભાવિત હતા. તેમને કવિને મળવાની ઘણી ઉત્કંઠા હતી અને અનેક પ્રશ્નો પૂછવા હતા.૭૨ વર્ષના કવિ યોન ટટ્ટાર ચાલે તેમને મળવા આવ્યા, સ્વાગત કર્યું અને તરત કહ્યું, ‘અત્યારે મારો ચાલવાનો સમય છે. તમને વાંધો ન હોય તો મારી સાથે ચાલો. લટાર મારતાં મારતાં વાતો પણ થશે.’
અમેરિકન વાચક અને પત્રકાર પોતાના કેમેરા અને રેકોર્ડર સાથે સજ્જ થઇ કવિ સાથે ચાલવા લાગ્યા.એક પછી એક પ્રશ્નો પૂછવા લાગ્યા.કવિએ દરેક પ્રશ્નના વિગતવાર ઉત્તર આપ્યા.અમેરિકન પત્રકારે પૂછ્યું, ‘તમે હમણાં જ કહ્યું તમે તમારાં બધાં કામ જાતે કરો છો.તમારાં લખાણ પણ જાતે જ લખો છો.રોજ દસથી બાર કલાક લખો છો તો શું આટલા બધા પરિશ્રમથી તમે થાકતા નથી? આટલો બધો પરિશ્રમ તમે કઈ રીતે કરી શકો છો?’ કવિ હસ્યા અને બોલ્યા, ‘દોસ્ત, હું થાકતો જ નથી એટલે સતત પરિશ્રમ કરી શકું છું.મને તો કયારેય મેં પરિશ્રમ કર્યો છે તેવો ખ્યાલ સુધ્ધાં આવતો નથી અને એટલે થાકનો અનુભવ થતો નથી.’ પત્રકારે કહ્યું, ‘શું વાત કરો છો અત્યારે આપણે વાતો કરતા કરતા લગભગ ૧૫ માઈલ ચાલ્યા છીએ શું તમે થાકી નથી ગયા?’
કવિ બોલ્યા, ‘અચ્છા ૧૫ માઈલ ચાલ્યા ..મને તો અત્યારે તમે કહ્યું ત્યારે ખબર પડી.હું કોઇ પણ કાર્ય કરું છું તે હું કાર્ય કરું છું અને મારે તે પૂરું કરવાનું છે તેના ભાર સાથે કરતો નથી.હું હંમેશા મનથી નાનકડા બાળક જેવો બની રહું છું. આગળ ડગલે ને પગલે શું નવું આવશે એ જાણવામાં અને જોવામાં મને ખૂબ જ રસ હોય છે.ભારરહિત રહીને જે કામ કરીએ તેનો થાક નથી લાગતો.શું તમે કયારેય કોઈ નાના બાળકને થાકતા જોયું છે.જીવનમાં કશું સાબિત કરવા કે કશું મેળવી લેવા ..પદ પ્રતિષ્ઠા પૈસા મેળવવા કામ કરો તો તેનો ભાર લાગે અને એટલે થાક વર્તાય, પણ કંઈ મેળવવા માટે માત્ર મનના આનદ માટે કૈંક નવું જાણવા શીખવા કામ કરતા રહો તેનો થાક લાગતો નથી અને એટલે હું ક્યારેય થાકતો નથી.’ કવિએ પત્રકારને સુંદર જવાબ આપ્યો.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.