SURAT : તાજેતરમાં જ યોજાયેલી ચૂંટણી ( ELECTION) માં જે રીતે જાહેર સભાઓ અને રેલીઓમાં તાયફા થયા હતાં તેના કારણે શહેરમાં ફરીવાર કોરોના ( CORONA) નું સંક્રમણ વધી રહ્યું છે. સામાન્ય લોકો પાસે માસ્કના ( MASK) નામે 1000 – 1000 રૂપિયા ઉઘરાવતી શહેર પોલીસ અને અધિકારીઓએ તે સમયે આંખ પર પાટા બાંધી દીધા હતા. શહેરના મ્યુનિસિપલ કમિશનર એવું કહી રહ્યાં છે કે, શહેરીજનોએ સામાજિક અમે ધાર્મિક કાર્યક્રમમાં એસઓપીનું પાલન નહીં કર્યું તેના કારણે આ સ્થિતિ સર્જાઇ છે ત્યારે સોંસરતો સવાલ એ છે કે, એસઓપીનું પાલન કરાવવાની જવાબદારી કોની છે. ચાલો આ બાબત તો ભૂતકાળ છે પરંતુ હાલમાં પણ શહેરની બેંકો, હોસ્પિટલો, સિનેમાઘરો અને મોલમાં એસઓપીનું કોઇ જ પાલન થતું નથી અને આ બાબત ગુજરાતમિત્ર ( GUJRATMITRA ) એ કરેલા સ્ટિંગ ઓપરેશનમાં બહાર આવી છે.
તમામ સ્થળોએ સેનિટાઇઝરનો કે નિયમ પાલનનો અમલ માત્ર કાગળ પર દેખાડવા માટે જ થઇ રહ્યો છે. લોકોને તો આ બાબત દેખાઇ જ છે પરંતુ, પાલિકાના અધિકારીઓને કેમ દેખાતી નથી તેવો પ્રશ્ન આખા શહેરમાંથી ઉઠી રહ્યો છે. ગુજરાતમિત્રની ટીમે રાહુલ રાજ મોલ ( RAHUL RAJ MALL) , પીવીઆર સિનેમા ( PVR CINEMA) , સિવિલ હોસ્પિટલ ( CIVIL HOSPITAL) , સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા ( SBI) , યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાં તપાસ કરી તો અહીં કોવિડની કોઇ ચકાસણી ન હતી. માત્ર સેનિટાઇઝ બોટલ મૂકવામાં આવી હતી.
રાહુલ રાજ મોલ અને પીવીઆર સિનેમા-રજિસ્ટર્ડ કરો અને અંદર જાવ
રાહુલ રાજ મોલમાં રોજના બેથી પાંચ હજાર માણસો આવે છે. ત્યારે અહીં કોવિડની કોઇ ચકાસણી ન હતી. માત્ર સેનિટાઇઝિંગની બોટલ પડી હતી. તે સિવાય સહી કરી અંદર સરળતાથી પ્રવેશ મળતો હતો. આમ, રાહુલ રાજ મોલમાં કોઇ રોકનાર કે ટોકનાર ન હતું.
નવી સિવિલ હોસ્પિટલમાં કોવિડ ભુલાઇ ગયો
નવી સિવિલ હોસ્પિટલમાં કોઇ રોકનાર કે ટોકનાર નથી. સિક્યુરિટી ઓફિસર કોઇને પણ રોકતા નથી. એકમાત્ર ઉચ્ચ અધિકારીઓની કેબિન સિવાય સરળતાથી કોઇ પણ ચેકિંગ વગર ઇચ્છો ત્યારે તે વોર્ડમાં તમને પ્રવેશ મળી શકે છે. આમ, નવી સિવિલ સત્તાધીશો જ જો કોવિડ ભૂલી ગયા હોય તો બાકીના લોકોને તો આપણે શું કહી શકીએ. કોવિડની કોઇ કેર સિવિલ સત્તાધીશો સામાન્ય લોકો માટે લેતા નથી. તેના કારણે દરદીઓ ઉપરાંત સ્ટાફ પણ કોવિડના જોખમમાં આવી ગયો છે.
સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, સહરા દરવાજા
સૌથી વધારે ધમધમતી આ બેંકમાં કોઇ સિક્યુરિટી ન હતી. ઉપરાંત કોઇ ચકાસણી કરનાર પણ ન હતું. આવી જ હાલત યુનિયન બેક દિલ્હી ગેટની હતી. અહીં કોઇ પણ પ્રકારની ચકાસણી નહીં હોવાનું માલૂમ પડ્યું હતું.
સ્મીમેરમાં કોવિડનું ટેમ્પ્રેચર લેનાર કોઈ ન હતું
સ્મીમેર હોસ્પિટલમાં હાલત કફોડી છે. તેમાં માર્શલ કોઇને રોકતા નથી. આ ઉપરાંત કોવિડનું ટેમ્પ્રેચર કોઇ લેનાર ન હતું કે કોઇ પૂછનાર પણ ન હતું. સ્મીમેરમાં આવતા હજારો લોકોના જાનમાલ ભગવાન ભરોસે હોવાનું ચિત્ર ઉપસ્યું છે.