વલસાડ: વલસાડનું એક ગામ એવું છે જ્યાં છેલ્લાં ત્રણ મહિનાથી લોકો ડરી ડરીને જીવી રહ્યાં છે. અહીં રહેણાંક વિસ્તારમાં ગમે ત્યારે હિંસક દીપડો દોડી આવતો હોય લોકો ઘરની બહાર નીકળતા પણ ગભરાઈ રહ્યાં છે. અનેકોવાર દીપડાને પાંજરે પુરવાની માંગણી કરવા છતાં વન વિભાગ તરફથી કોઈ એક્શન લેવામાં નહીં આવતા ગ્રામજનોને હવે શું કરવું તે સમજાતું નથી.
- વલસાડના પારનેરા ગામમાં દીપડાના આંટાફેરાથી ભય ફેલાયો
- ગામના મુખ્ય ચોક પર દીપડાની અવરજવરથી લોકો ડર્યા
- છેલ્લાં 3 મહિનાથી ગ્રામજનો ડરમાં જીવવા મજબૂર બન્યા
- રાત્રિના સમયે લોકો ઘરની બહાર નીકળવાનું ટાળવા લાગ્યા
- જાણ કરવા છતાં વન વિભાગે કોઈ એક્શન નહીં લીધા હોવાનો ગ્રામજનોનો આક્ષેપ
પ્રાપ્ત માહિતી અનુસાર છેલ્લાં વલસાડના પારનેરા ગામના લોકો દીપડાથી ડરી ડરીને જીવવા મજબૂર બન્યા છે. અહીં છેલ્લાં ત્રણ મહિનાથી રહેણાંક વિસ્તારમાં દીપડાના આંટાફેરા વધ્યા છે. પારનેરા ગામ સહિત આજુબાજુના ગામમાં દીપડાએ પશુઓની મારણ કર્યાની ઘટનામાં પણ ચિંતાજનક હદે વધારો થયો છે.
પારનેરાના ગામના જયહિંદ ચોકમાં અનેકોવાર દીપડો દેખાયો છે. આ ચોક પર ગ્રામજનોની સતત અવરજવર રહેતી હોય છે, ત્યારે આ ચોકમાં જ દીપડો અવારનવાર દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે. લોકો રાત્રી દરમિયાન બહાર નીકળવાથી ડરી રહ્યા છે. દીપડો પશુપાલકોના પશુઓનું તથા રખડતા ઢોરનું મારણ કરી રહ્યો હોવાથી પશુપાલકો પણ ડરમાં જીવી રહ્યાં છે.
દીપડો ગામના બાળકો અને લોકોને શિકાર બનાવે તે પહેલાં દીપડાને પાંજરે પુરવા માટે સ્થાનિક રહીશો દ્વારા વારંવાર વન વિભાગ ને રજુઆત કરવામાં આવી છે, તેમ છતાં ફોરેસ્ટ વિભાગ દીપડાને પાંજરે પુરવા નિષ્ફળ રહી છે. છેલ્લા ત્રણ મહિનાથી દીપડો રહેણાંક વિસ્તારમાં ફરી રહ્યો છે તેમ છતાં ફોરેસ્ટ વિભાગ દીપડાને પકડવા માટે નિષ્ફળ રહી છે સાથે સ્થાનિકો ના જણાવ્યા મુજબ ગામમાં મુકવામાં આવેલ પાંજરું યોગ્ય જગ્યાએ ન મુકવાના કારણે દીપડો પાંજરે પુરાયો નથી ત્યારે ગામ જનો દ્રારા ફોરેસ્ટને દીપડા ને વહેલી તકે પકડવામાં આવે તેવી માંગ ઉઠી છે.