સુરત : ગુનેગારોમાં પોલીસનો કોઇ જ ડર નહીં હોય તેવો માહોલ સુરત જેવા ધમધમતા શહેરમાં સર્જાયો છે. તાજેતરમાં જ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોલીસને જે દંડો આપ્યો છે તેનો છૂટથી ઉપયોગ કરવાની વાત જાહેરમાં જ કરી છે. પરંતુ સુરત પોલીસની વાત કરીએ તો તેમને દંડો ચલાવતા જ નથી આવડતો તેવી હાલત રોજે રોજ બનતી ઘટના પરથી સાબિત થાય છે.
સુરત પોલીસ જાણે REEL બનાવવામાં જ મસ્ત હોય તેવું લાગે છે. મંગળવારે ઉધના વિસ્તારમાં ઘરની છોકરીઓને બહાર કાઢવામાં પણ ડર લાગે તેવી ઘટના પ્રકાશમાં આવી છે. માત્ર પાંચ મિનીટના ટૂંકાગાળામાં જ એક યુવાને ત્રણ બાળકીની છાતી પર હાથ ફેરવી છેડતી કરી છે.
- ઉધનામાં જાહેરમાં પાંચ જ મિનીટમાં ત્રણ બાળકીઓની છેડતીથી ભય
- પોલીસ કહે છે બાળકીઓ સાથે શારિરીક ચેડા કરનાર તે સાયકો હોવાની શકયતા
- બ્રાન્ચોનું ધ્યાન હપ્તાખોરી ઉપર હોવાના કારણે ગુનેગારો બેફામ બન્યા
- આરોપીના વરઘોડા કાઢવામાં માહિર સુરત પોલીસની છાપ નખ વગરના વાઘ જેવી થઇ ગઇ છે
આ ફૂટેજ વાયરલ થતાં સુરત પોલીસ પર કાળી ટીલી લાગી ગઇ છે. પોલીસ આરોપીઓના વરઘોડા કાઢે છે પરંતુ તેનાથી તેમને કોઇ ફેર નથી પડતો પરંતુ આજે જે ઘટનાનો વીડિયો વાયરલ છે તેનાથી સુરતની પ્રજા થરથર કાંપવા લાગી છે તે સનાતન સત્ય છે.
સુરતના ઉધના વિસ્તારમાં આવેલી એક સોસાયટીની શેરીમાંથી પસાર થતો એક યુવક પહેલા મોપેડ પર બેસેલી એક છોકરીની છેડતી કરે છે, સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે દેખાય છે કે એક મોપેડ પર બેસેલી નાની બાળકી પાસે આરોપી આવીને તેને પકડવાનો પ્રયાસ કરે છે, પરંતુ તે બાળકી ત્યાંથી નાસી જાય છે.
ત્યારબાદ, સામેથી આવતી બે દીકરીઓને જુએ છે અને તેમાંથી એક દીકરીને પાછળથી પકડી લે છે. દીકરી જેમ તેમ કરીને પોતાને છોડાવી લે છે અને પોતાની અન્ય બહેનપણી સાથે નાસી જાય છે. આમ જાહેરમાં પાંચ ફૂટના અંતરે જ બબ્બે છોકરીની છેડતી થયાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં આરોપી સામે રોષની લાગણી વરસી રહી છે. તો બીજી તરફ મહિલાઓની સુરક્ષાને લઈ પણ ગંભીર સવાલ ઊઠ્યા છે.
3 કિશોરી સાથે થયેલી શારિરીક છેડતીના કિસ્સામા સ્થાનિક રહેવાસી શેખ મોહમદ ફારૂક દ્વારા ઉધના પોલીસ સ્ટેશનમા ફરિયાદ આપવામાં આ્રવી છે. ઉધનાની અમન સોસાયટી વિભાગ 1મા આ ઘટના બની હોવાની વિગત જાણવા મળી છે.
પાંચ ટીમ બનાવવામાં આવી છે : ડીસીપી
ઉધના વિસ્તારમાં 8 ડિસેમ્બર 2024ના રોજ બનેલી આ ઘટનામાં, એક અજાણ્યા ઈસમે સોસાયટીમાં ઘૂસી બે છોકરીઓની છેડતી કરી હતી. સોસાયટીના પ્રમુખ દ્વારા આ અંગે પોલીસને લેખિત ફરિયાદ કરવામાં આવી હતી. તેમની અરજીમાં જણાવવામાં આવ્યું છે કે, આરોપીએ છોકરીઓ સાથે છેડતી કરી અને તેમને ઉપાડી જવાની કોશિશ કરી હતી.
સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે દેખાય છે કે આ વ્યક્તિ નીડર રીતે સોસાયટીમાં આવી રહ્યો છે અને ફરે છે, જે હચમચાવી દેનાર ઘટના છે. આ અંગે ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું કે, “અમને નાની દીકરીઓ સાથે છેડતી કરતો એક વ્યક્તિના સીસીટીવી ફૂટેજ મળ્યો છે. આ અંગે તરત જ પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.
આરોપીની ઓળખ માટે પાંચ અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે. અમે સીસીટીવી ફૂટેજ અને અન્ય વિગતોના આધારે આરોપીની ધરપકડના પ્રયાસમાં છીએ.આ ઘટના 8 ડિસેમ્બર 2024ના રોજ બની હતી. સોસાયટીના પ્રમુખે ત્યારે તાકીદે પોલીસને જાણ કરી ન હતી, પણ હવે લેખિત ફરિયાદ આપવામાં આવી છે. મહિલાઓ અને બાળકીઓની સુરક્ષા માટે કટિબદ્ધ રહીને પોલીસે આ પ્રકરણમાં જવાબદાર વ્યક્તિને ઝડપી પગલાં લેશે.