આણંદ: ખંભાતના સૈયદવાડા ખાતે રહેતી મુસ્લિમ યુવતીએ ખંભાતના જ હિન્દુ યુવક સાથે લગ્ન કર્યા હતા. જોકે, આ લગ્નથી મુસ્લિમ યુવતીના પરિવારજનો નારાજ હોવાથી તેઓ મારી નાખવાની ધમકી આપી રહ્યા છે. આ ધમકીઓથી ગભરાયેલી યુવતીએ તેના પરિવાર તરફથી ઓનર કિલીંગ થાય તે પહેલાં પગલાં ભરવા જિલ્લા પોલીસ વડાને અરજ કરી છે.
ખંભાતના ફરમીનબાનું સૈયદ 17 જૂન 2021ના રોજ શહેરના જ ઉત્કર્ષ પ્રદીપકુમાર પુરાણી સાથે કાયદેસરના લગ્ન કર્યા હતા. આ લગ્ન બાદ ફરમીનબાનુંના પિતા ફુરકાન સૈયદ તથા તેના મામા એઝાઝ સૈયદ (રહે. પાંચ હાટડી), તૌકિર સૈયદ (રહે. સૈયદવાડો), માથા ભારે શખ્સ ફિરોઝ પઠાણ ઉર્ફે ફન્ટર, સોહિલ ઉર્ફે કાંટો ઉર્ફે ચોર (રહે. ખંભાત) અને સદ્દામ સૈયદ ઉર્ફે મારૂફ ઉર્ફે ચપ્પલ, હમ્દાનઅલી, તૌસીફ સૈયદ, જમશેદ પઠાણ વિગેરે ઉત્કર્ષ પુરાણી અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી છે.
આથી ફરમીનબાનુએ એસપીને રજૂઆત કરી તેના પરિવારજનો ઉત્કર્ષને મારી નાખવાની પેરવી કરી રહ્યાનો ભય વ્યક્ત કર્યો છે. આથી તેમની અટક કરવા માંગણી કરી છે. ફરમીને વધુમાં જણાવ્યું હતું કે આ લોકોના ડરથી અમે ખંભાત છોડી દીધું છે અને સલામત સ્થળે આશરો લીધો છે. આ ઉપરાંત તેણે પોતાના પતિ અને તેના પરિવારજનોને રક્ષણ આપવા પણ માંગણી કરી છે.