Madhya Gujarat

બોરસદથી ધુવારણના માર્ગ પર‌ જાનહાનિ થવાની દહેશત

આણંદ : બોરસદ તાલુકા અને ખંભાત તાલુકાના ગામોને જોડતા ધુવારણ માર્ગ પર વડેલી ગામ પાસે રેલ્વે ઓવરબ્રિજ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવેલ હતી. પરંતુ છેલ્લા પાંચ માસથી ઓવરબ્રિજ બનાવવાની કામગીરી ખોરંભે પડી હોવાથી આ માર્ગે પસાર થતા વાહન ચાલકો અને આસપાસના ગામના નાગરિકો ને ભારે હાડમારી વેઠવી પડી રહી છે.

 રેલવે ઓવરબ્રિજ બનાવવાની કામગીરી દરમિયાન રોડ આસપાસ ખોદકામ કરવામાં આવ્યું હતું. ઠેર-ઠેર ખોદકામ કરવામાં આવ્યું હોવાથી અકસ્માતની દહેશત ઉભી થવા પામી છે. ખોદકામ કરાયું છે તે સ્થળે સંબંધિત વિભાગ દ્વારા કોઈ જાણકારી કે સાવચેતી રાખવાની દરકાર કરવામાં આવી નથી. જેથી અજાણ્યા વાહનચાલકો અને નાગરિકો માટે ખુબ જ ભયજનક સ્થિતિ સર્જાઈ છે. માર્ગ પરથી પસાર થવા દરમિયાન દરેકને જોખમી સ્થિતિ અનુભવવી પડી રહી છે.

આગામી દિવસોમાં વરસાદી માહોલમાં વધુ પડતા વરસાદી પાણીના ભરાવાને કારણે ખોદકામ કરાયું છે તે જગ્યાએ પાણીની સપાટી બાબતે જાણકારી ના મળવા ના સંજોગોમાં મોટી જાનહાનિ નકારી શકાય તેમ નથી. તેથી સંબંધિત વિભાગની ઘોર બેદરકારી સામે ભારે આક્રોશની લાગણી ઉઠવા પામી છે. ૩૫ કરતા વધુ ગામોમાં અવર જવર માટે ખુબ જ મહત્વનો ગણાતા બોરસદ ધુવારણ માર્ગ પરના ઓવરબ્રિજ બનાવવાની કામગીરી બાબત વહેલી તકે જનહિતમાં કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી વ્યક્ત કરવામાં આવી છે.

Most Popular

To Top