કાલોલ: કાલોલ શહેરમાંથી પસાર થતા હાઈવે સ્થિત મુખ્ય ગટર લાઈનમાં વરસાદી પાણીના ભરાવાને પગલે ગટરો ઊભરાઈ જવાથી હાઇવે પર ગંદકીની રેલમછેલ સર્જાઈ રહી છે. કાલોલ શહેરના હાઈવે સ્થિત ડેરોલસ્ટેશન ચોકડીથી બસ સ્ટેશન અને કોર્ટ વિસ્તાર સુધી પસાર થતી મુખ્ય ગટર લાઈનમાં ઘન કચરાના ભરાવા સાથે વરસાદી પાણીનો પણ ભરાવો થતા અનેક જગ્યાએ ગટર ચોક્અપ થઈ જતા ગટર લાઈન પર ગોઠવેલા સિમેન્ટના ઠાંકણોઓ વાટે ગંદુ પાણી છલકાઈ ઉઠતા ઠેર ઠેર ગંદકીની રેલમછેલનો ઉપદ્રવ વર્તાઈ રહ્યો છે. જેથી ગટરના ગંદા પાણી હાઈવે પર ફેલાતા વાહનચાલકો અને આસપાસના સ્થાનિક રહીશો ત્રાહીમામ પોકારી ઉઠયા હતા.
અત્યારે ચોમાસું સિઝનમાં કોરોના મહામારી ઉપરાંત ટાયફોઈડ, મલેરિયા અને ડેન્ગ્યુ સહીતના રોગચાળાનો ફિવર વર્તાઈ રહ્યો છે એ સમયે ઉભરાતી ગટરોના ઉપદ્રવથી ગંદકી ધરાવતા વિસ્તારોમાં ગટરની ગંદકીથી ફેલાતી દુર્ગંધના ઉપદ્રવથી રોગચાળો ફાટી નીકળવાનો ભય વર્તાઈ રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે કાલોલ શહેર વિસ્તારમાંથી પસાર થતા હાલોલ શામળાજી ટોલ હાઈવે સંલગ્ન સમગ્ર ગટર લાઈનનું સમારકામ સહિત સાફ રાખવાની જવાબદારી ટોલ રોડ ધરાવતી એલ એન્ડ ટી કંપનીને શિરે હોવાથી જવાબદાર કંપનીએ હાઈવે સ્થિત બન્ને સાઈડની ગટર લાઈનો તાત્કાલિક અસરથી સાફ કરવામાં આવે તેવી અસરગ્રસ્ત નગરજનોની લોકમાંગ ઉઠવા પામી છે.