સોશ્યલ મીડિયા જાયન્ટ ફેસબુકે આજે જણાવ્યું હતું કે તે સૂચિત મીડિયા બાર્ગેઇનિંગ કાયદાઓ અંગે સરકાર સાથે સુધારેલા કરાર પર પહોંચ્યા બાદ ત્યાં પોતાની સમાચાર સેવાઓ ફરી પ્રસ્થાપિત કરશે.
ઓસ્ટ્રેલિયન સરકારે બનાવેલા નવા કાયદા મુજબ સમાચાર સામગ્રીનું હોસ્ટિંગ કરવા બદલ ટેકનોલોજી કંપનીઓએ નાણા ચુકવવા પડે તેવી જોગવાઇ કરી હતી. સમાચાર સામગ્રી શેર કરવા બદલ સમાચાર સંસ્થાઓને નાણા ચુકવવા પડે તે બાબતે ગયા સપ્તાહે ફેસબુકનો ઓસ્ટ્રેલિયન સરકાર સાથે ભારે વિવાદ થયો હતો અને તેણે ઓસ્ટ્રેલિયાના લોકોને ફેસબુક પણ સમાચારો શેર કરવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો.
આમાં કેટલાક સરકારી પેજીસ અને જાહેરાતો જેમાં કોવિડ-૧૯ના એલર્ટ્સનો પણ સમાવેશ થાય છે તે બ્લોક થઇ ગયા હતા આની સામે સરકારે સખત નારાજગી વ્યક્ત કરી હતી. જો કે જેને ધ કોડ તરીકે ઓળખવામાં આવે છે તે ઓસ્ટ્રેલિયાનો સીમાચિન્હરૂપ સૂચિત મીડિયા સોદાબાજી કાયદો હજી સંસદમાં પસાર થયો નથી.
ઓસ્ટ્રેલિયાના નાણા મંત્રી જોશ ફ્રીડેન્બર્ગે ફેસબુકના સ્થાપક માર્ક ઝુકરબર્ગ સાથે વિગતવાર મંત્રણા કરી હતી. આ પછી તેમણે આજે જણાવ્યું હતું કે ફેસબુકે ઓસ્ટ્રેલિયા સાથે ફરી મિત્રતા કરી છે.
ઓસ્ટ્રેલિયન સમાચારો ફેસબુકના પ્લેટફોર્મ પર ફરી સ્થાપિત થશે અને ફેસબુકે ઓસ્ટ્રેલિયન ન્યૂઝ મીડિયા બિઝનેસ સાથે સારા વિશ્વાસ સાથે મંત્રણાઓમાં ઉતરવાનું અને સામગ્રી માટે ચુકવણી કરવા કરારો કરવાની પ્રતિબધ્ધતા બતાવી છે. ફેસબુકે પણ એક નિવેદનમાં ઓસ્ટ્રેલિયન સરકાર સાથે પોતાની સંધિ થઇ તે બાબતે આનંદ વ્યક્ત કર્યો હતો.