સુરતઃ પુત્રને ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ મોકલવા પાન-માવાની દુકાનમાં હાઈબ્રીડ ગાંજો વેચાણ કરનારો ઝડપાયો હતો. મૂળ ભાવનગરના દુકાનદારને ચોકબજાર પોલીસે ગત સાંજે સિંગણપોર રોડ જી-વિલા રેસ્ટોરન્ટની બાજુમાં જગજીવન નગર સ્થિત ગોલ્ડન જોન પાન-માવાની દુકાનમાં રેઈડ કરી રૂ.99 હજારના 23 ગ્રામ હાઈબ્રીડ ગાંજા સાથે ઝડપી લીધો હતો.
વરાછાથી હાઈબ્રીડ ગાંજો લાવી આપનાર અને જથ્થો પૂરો પાડનાર બે ઇસમને પોલીસે ઝડપી પાડ્યા છે, જેમાં પાન માવાના દુકાનદાર બે દિવસનાં રિમાન્ડ પર છે અને અન્ય બે એક દિવસનાં રિમાન્ડ પર છે. રિમાન્ડ દરમિયાન બે વિદ્યાર્થી હોવાનું અને અમેરિકા નંબરથી રેકેટ ચલાવતા હોવાનું બહાર આવ્યું હતું.
- ચોકબજાર પોલીસે પુત્રને જર્મનીમાં અભ્યાસ કરાવવા હાઈબ્રીડ ગાંજાનો વેપાર કરનારને ઝડપી પાડ્યો હતો
- પોલીસે દુકાનદારને સપ્લાય કરનાર અને જથ્થો પૂરો પાડનારને પણ આ ગુનામાં ઝડપી પાડ્યા છે
ચોકબજાર પોલીસે ગત તા.10મીના સિંગણપોર રોડ જી-વિલા રેસ્ટોરન્ટની બાજુમાં જગજીવનનગરમાં આવેલી ગોલ્ડન જોન પાન-માવાની દુકાનમાં રેઈડ કરી ત્યાંથી જીતુભાઈ નાગજીભાઈ ધામેલીયા (ઉં.વ.52) (રહે.,શિહોરી એપાર્ટમેન્ટ, વિજયરાજ સર્કલ પાસે, સિંગણપોર રોડ, સુરત, મૂળ-ભાવનગર)ને રૂ.99 હજારની મતાના 23 ગ્રામ હાઈબ્રીડ ગાંજા સાથે ઝડપી લીધો હતો. પોલીસે ત્યાંથી ગાંજા ઉપરાંત ગાંજો પીવાની બે સ્ટીક, સ્ટીક બનાવવાના પાંચ કાગળ મળી કુલ રૂ.1.19 લાખનો જથ્થો કબજે કર્યો હતો.
પોલીસે જીતુભાઈની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે, તે અગાઉ વતનમાં રહેતા હતા અને ખેતી કરતા હતા. પણ ત્યાં પાણીની અછતને લીધે સુરત આવ્યા હતા અને જુદા જુદા ધંધા કર્યા બાદ પાનનો ગલ્લો શરૂ કર્યો હતો, તેમાં આવક છે. પણ એમબીએના ઉચ્ચ અભ્યાસ માટે દીકરાને જર્મની મોકલવા માટે પૈસાની જરૂર હતી.
ઝડપથી પૈસા મેળવવા માટે તેમણે દુકાન ઉપર અવારનવાર સીગારેટ પીવા માટે આવતા ડભોલીના ધ્રુવ પ્રફુલભાઇ પટેલને વાત કરતાં તેણે યુવાનોમાં હાલ લોકપ્રિય હાઈબ્રીડ ગાંજો દુકાનમાં વેચવાની વાત કરતાં તે તૈયાર થયા હતા અને તેના મારફતે જ છેલ્લા એક મહિનાથી હાઈબ્રીડ ગાંજો મંગાવી દુકાને ચોક્કસ ગ્રાહકોને વેચતા હતા. ચોકબજાર પોલીસે આ અંગે ગુનો નોંધી ધ્રુવ પ્રફુલ પટેલ (ઉં.વ.21) (રહે.,ટેકરા ફળિયું, સિંગણપોર)ને પણ બાદમાં ઝડપી લીધો હતો.
ધ્રુવ વરાછા ખાતેથી હાઈબ્રીડ ગાંજો જય સતીષભાઈ માવાણી (ઉં.વ.25) (રહે.,રૂષિકેશ ટાઉનશીપ, સરથાણા જકાતનાકા, મૂળ-ભાવનગર) પાસેથી લાવતો હોવાની માહિતી મળતાં પોલીસે તેને પણ તાત્કાલિક ઝડપી પાડ્યો હતો. પોલીસે 3ને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે જીતુનાં બે દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યાં હતાં. જ્યારે ધ્રુવ અને જયના એક દિવસનાં પોલીસ રિમાન્ડ મંજૂર કર્યાં છે. રિમાન્ડ દરમિયાન હાઈબ્રીડ ગાંજાના વેપલાના અનેક રહસ્ય ખૂલ્યાં હતાં.
BCAનો વિદ્યાર્થી વચેટિયા તરીકે કામ કરતો હતો
આ રેકેટનો બીજો આરોપી છે ધ્રુવ પ્રફુલ પટેલ. ધ્રુવ એક તેજસ્વી કારકિર્દી બનાવી શક્યો હોત. તે બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન્સ BCAનો વિદ્યાર્થી છે. ટેક્નોલોજીના આ યુગમાં BCAની ડિગ્રી ઉજ્જવળ ભવિષ્યની ગેરંટી આપી શકે છે. પરંતુ ધ્રુવની ગાડી પાટા પરથી ઊતરી ગઈ.
મળતી માહિતી મુજબ ધ્રુવ પટેલ BCAના ફાઇનલ યરમાં હતો, ત્યારે તેને ATKT આવી એટલે કે તે અમુક વિષયોમાં નાપાસ થયો. અભ્યાસમાં આવેલી આ અડચણે તેને હતાશ કરી દીધો. આ એ જ સમય હતો જ્યારે તે ‘સરળ પૈસા’ કમાવવાની લાલચમાં ફસાયો હતો.
MBA ફેલ સપ્લાયર, સ્કોટલેન્ડ કનેક્શન હોવાની શંકા
આ સમગ્ર રેકેટનો મુખ્ય સૂત્રધાર અને સપ્લાયર છે જય સતીશભાઈ માવાણી. જયની પ્રોફાઇલ આ કેસની સૌથી રસપ્રદ અને ચિંતાજનક કડી છે. જય માવાણીએ સુરતમાંથી જ બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. તેનામાં પણ ઉચ્ચ મહત્ત્વકાંક્ષાઓ હતી.
BBA પૂરું કર્યા પછી તે ઇન્ટરનેશનલ બિઝનેસમાં MBA કરવા માટે સ્કોટલેન્ડ ગયો. આ એ જ કોર્સ છે જે જીતુ ધામેલીયા પોતાના પુત્રને કરાવવા માંગતો હતો. પરંતુ જયનું વિદેશમાં ભણવાનું સપનું પૂરું ન થયું. તે સ્કોટલેન્ડમાં MBAના કોર્સમાં નિષ્ફળ ગયો. ફેલ થતાં તેને પરત સુરત આવવું પડ્યું. નિષ્ફળતાનો સ્વાદ ચાખીને આવેલા જય પાસે હવે કોઈ ડિગ્રી ન હતી, પણ તેની પાસે ‘ઝડપથી પૈસા કમાવવાનો’ એક ખતરનાક આઈડિયા હતો. તેણે વિદેશમાં જોયેલા-જાણેલા ડ્રગ્સના કલ્ચરને અહીં ‘બિઝનેસ મોડેલ’ બનાવવાનું નક્કી કર્યું હતું. તેણે સામાન્ય ગાંજા નહીં, પણ યુવાનોમાં વધુ ડિમાન્ડ ધરાવતા ‘હાઇબ્રીડ ગાંજા’નું સપ્લાય નેટવર્ક શરૂ કર્યું.
જય માવાણી આખું રેકેટ અમેરિકન મોબાઈલ નંબરથી ચલાવતો હતો
શાતીર જય જાણતો હતો કે, પોલીસની નજરથી કેવી રીતે બચવું. જ્યારે તે સ્કોટલેન્ડથી પાછો ફર્યો, ત્યારે તે પોતાની સાથે એક અમેરિકન મોબાઈલ નંબરનો સિમ કાર્ડ લેતો આવ્યો હતો. તે પોતાના તમામ ગ્રાહકો અને મિડલમેન જેમ કે ધ્રુવ સાથે સંપર્કમાં રહેવા માટે આ જ અમેરિકન નંબરનો ઉપયોગ કરતો હતો. તેને લાગતું હતું કે વિદેશી નંબર હોવાથી ભારતીય એજન્સીઓ તેને ટ્રેસ નહીં કરી શકે. તે વોટ્સએપ કોલિંગ અથવા અન્ય એપ્સ દ્વારા જ વાતચીત કરતો હતો.
જયે ભારતીય નંબર પર પેમેન્ટ સ્વીકાર્યુ ને પોલીસની રડારમાં આવી ગયો
જય ડ્રગ્સના વેપારના રૂપિયા લેવા માટે તેણે એક વખત પોતાના ભારતીય મોબાઈલ નંબર સાથે જોડાયેલા પેમેન્ટ ગેટ વેનો ઉપયોગ કર્યો. તેણે એક પેમેન્ટ ભારતીય નંબર પર મંગાવ્યું હતું. ચોક બજાર પોલીસ, જે પહેલેથી જ જીતુ અને ધ્રુવ પર નજર રાખી રહી હતી, તે આ નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે ટેક્નિકલ સર્વેલન્સનો ઉપયોગ કરી રહી હતી. જેવું જયે ભારતીય નંબર પર પેમેન્ટ સ્વીકાર્યું, પોલીસના રડારમાં તે આવી ગયો હતો. પોલીસે તરત જ તે નંબરને તેના અમેરિકન નંબર સાથે લિંક કર્યો અને સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કરી દીધો હતો.