હાલોલ: હાલોલ તાલુકાના જાંબુડી ગામે લાકડીના ફટકા મારી એક યુવાન દ્વારા બીજા યુવાનની હત્યા કરાઈ હોવાના બનાવના પડઘમ હજુ શાંત થવા પામ્યા નથી ત્યારે પંથકમાં વધુ એક હત્યાનો બનવા પામતા ખળભળાટ મચી જવા પામ્યો છે. હાલોલ તાલુકાના પાંચ ખોબલા ગામે પિતાએ પુત્રની હત્યા કરતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે જેમાં કામ ધંધો ન કરતા ૩૮ વર્ષીય પુત્ર અને પિતા વચ્ચે આ બાબતે તકરાર થતાં ઉશ્કેરાયેલા પિતાએ આવેશમાં આવી જઈ પુત્રના માથા તેમજ મોઢાના ભાગે લાકડાના હાથાના ઉપરાછાપરી ફટકા મારતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ પુત્રનુ વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નિપજતા હાલોલ રૂરલ પોલીસ મથકે પિતા સામે હત્યાની ફરિયાદ નોંધાતા પોલીસે હત્યાનો ગુનો નોંધી પુત્રની હત્યાના આરોપી પિતાને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર હાલોલ તાલુકાના પાંચ ખોબલા ગામમાં રહેતા કનુભાઈ મણિલાલ બારીયાનો 38 વર્ષીય પુત્ર સંજયભાઈ કનુભાઇ બારીયા કોઈપણ જાતનો કામ ધંધો કરતો ન હતો જેમાં કોઈ આ વિષે કંઈ કહેતો સંજય ગાળા ગાળી કરતો હતો જેમાં ગત રાત્રીના ૧૨ વાગ્યાના સુમારે સંજય અને કનુભાઈ વચ્ચે આ બાબતને લઈને ઝઘડો તકરાર સર્જાઈ હતી અને ગાળાગાળી થવા પામી હતી જેમાં કનુભાઈએ પુત્ર સંજયને કહ્યું હતું કે તું કોઈ કામ ધંધો કરતો નથી તેમ કહી ઠપકો આપતા પલંગમાં સૂતા સૂતા સંજયે કનુભાઈ સામે બોલતા ઉશ્કેરાયેલા કનુભાઈએ આવેશમાં આવી જઈ નજીકમાં પડે લાકડાનો હાથો હાથમાં લઇ પલંગ પર સુઈ રહેલા સંજયના માથા તથા મોઢાના ભાગે લાકડાના હાથાના ઉપરાછાપરી ફટકા મારી દેતા સંજય લોહીલુહાણ થઇ ગયો હતો અને સંજયે બૂમાબૂમ કરતાં આસપાસના લોકો બૂમો સાંભળી દોડી આવ્યા હતા.
જેમાં કનુભાઈ ત્યાંથી ચાલ્યા ગયા હતા જેમાં માથા તેમજ મોઢાના ભાગે લાકડાના હાથાના ઉપરા છાપરી ફટકાથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ સંજયને સારવાર માટે તાત્કાલિક હાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે લઇ જવાયો હતો જ્યાં પ્રાથમિક સારવાર કર્યા બાદ વધુ સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે મોડી રાત્રે સંજયને રીફર કરવામાં આવ્યો હતો જેમાં સયાજી હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ રખાયેલા સંજયનું વહેલી સવારે સાડા પાંચ વાગ્યાના સુમારે મોત નીપજ્યું હતું.
જેમાં સંજયનું મોત થતા બનાવ અંગે સંજયના માતા સુરજબેન કનુભાઇ બારીયાએ હાલોલ રૂરલ પોલીસ મથકે પોતાના પતિ કનુભાઈ મણિલાલ બારીયા સામે પોતાના પુત્રના માથા તેમજ મોઢાના ભાગે લાકડાના હાથાના ફટકા મારી પોતાના પુત્રને મારી નાખવાની ફરિયાદ નોંધાવતા પોલીસે કનુભાઈ સામે હત્યાનો ગુનો નોંધી હત્યાના આરોપી કનુભાઈને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કરી આગળની વધુ કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.