વડોદરા: શહેર ના ફતેગંજ ઓવરબ્રિજ ટુ વ્હીલર ચાલકોને સજા એ મોત આપતો હોવાની માન્યતા દ્રઢ કરે તેવા કિસ્સાનું એક મહિનામાં જ પુનરાવર્તન થયું છે. ગત રાત્રે સાડા બાર વાગ્યે ફતેગંજ ઓવરબ્રિજ પરથી પસાર થતા એક્ટીવા ચાલકનું નીચે પટકાતા મોત થયું છે. જ્યારે તેની સાથે સવાર ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર હેઠળ હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. 31 ડિસેમ્બરના રાત્રે પણ આ જ બ્રિજ પરથી પસાર થતા બાઇક ચાલકનું નીચે પટકાતા મોત નિપજ્યાની ઘટના સામે આવી હતી.
જો પહેલી વખતના કિસ્સા પરથી જ તંત્રએ બોધપાઠ લઇને કામગીરી કરી દીધી હોત તો આજે અન્યએ ભોગ બનવાનો વારો આવ્યો ન હોત. ત્રણ લોકોના મૃત્યુ થયા બાદ પણ તંત્ર તાબડતોડ કોઇ કાર્યવાહી કરશે કે પછી હજી આવી દુર્ઘટનાઓનું પુનરાવર્તન થવાની રાહ જોશે, તેવા પ્રશ્નો પ્રજા મા જોવા મળે છે. જાણવા મળેલી વિગતો મુજબ દિવસે દિવસે સ્માર્ટ સિટી વડોદરાનો ફતેહગંજ બ્રિજ લોકો માટે ઘાતક સાબિત થતો જોવા મળી રહ્યો છે. જેમાં ગઈકાલે રાત્રે વધુ એકવખત ફ્તેહગંજ ઓવર બ્રિજ પર અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે.
જેમાં ગઈકાલે મોડી રાત્રે બે બાઈક સવારો અહીંથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે હર્ષ લીંબાચિયા(ઉ.35) અને દેવલ રાજેશ સોલંકી (ઉં.19) બ્રિજની દિવાલ સાથે અથડાતા બ્રિજની નીચે પટકાયા હતા. અકસ્માત સર્જાતા ઘટના સ્થળ પર લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. જે બાદ બંન્ને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન બાઈક સવાર હર્ષ લીંબાચિયાનું મોત નીપજ્યું હતું. ફતેગંજ ના સ્માર્ટ બ્રિજ પર થયેલી દુર્ઘટના બાદ પાલિકા નું તંત્ર જાગ્યુ છે. સ્ટેન્ડિગ સમિતિ ના ચેરમેન હિતેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે દુર્ઘટના ના આ વળાંક પર જાળી કે બેરેકેટ લગાવી ને અકસ્માત ને નિવારવા ના પ્રયત્નો કરાશે.