રાજકોટ(Rajkot): રાજકોટ જિલ્લાના ધોરાજીમાં (Dhoraji) ભયાનક અકસ્માત (Accident) થયો છે. પૂરપાટ ઝડપે દોડતી કારનું ટાયર અચાનક ફાટતા ડ્રાઈવરે સંતુલન ગુમાવ્યું હતું અને કાર 60 ફૂટ ઊંચા પુલની રેલિગ તોડી નીચે નદીમાં ખાબકી હતી. ભાદર-2 નદીના પ્રવાહમાં કાર તણાઈ ગઈ હતી અને અંદર બેઠેલી ત્રણ મહિલા સહિત ચાર લોકોના ડૂબી જવાના લીધે નદીમાં જ કમકમાટીભર્યા મોત થયા હતા.
- ધોરાજીના ભાદર-2 નદીના પુલ પર સર્જાયો અકસ્માત
- ધોરાજીનો પરિવાર માંડાસણથી પરત ફરી રહ્યો હતો ત્યારે બની ઘટના
- દોડતી કારનું ટાયર ફાટતા ડ્રાઈવરે સંતુલન ગુમાવ્યું
- ડિવાઈડર તોડી કાર 60 ફૂટ ઊંચા પુલ પરથી સીધી નીચે ભાદર-2 નદીમાં ખાબકી
- કારમાં બેઠેલાં 4 ના પાણીમાં ડુબી જતા મોત થયા
પ્રાપ્ત માહિતી અનુસાર ધોરાજી પાસે ગંભીર અકસ્માત થયો છે. ધોરાજીનો એક પરિવાર ઉપલેટાના માંડાસણ ગામે સોમ યજ્ઞમાં હાજરી આપી પરત ઘરે જઈ રહ્યો હતો, ત્યારે ભાદર-2 નદીના પુલ પરથી કાર પસાર થતી હતી ત્યારે અચાનક જ કારનું ટાયર ફાટી ગયું હતું, જેના લીધે કાર ચલાવનારે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. તેથી કાર પુલના ડિવાઈડરને તોડી નીચે ભાદર-2 નદીમાં પડી હતી.
નદીના પ્રવાહમાં કાર તણાવા લાગી હતી. કારની અંદર બેઠેલા ચાર જણાને બહાર નીકળવાનો સમય પણ મળ્યો ન હતો. કાર સાથે પાણીમાં ડૂબીને ચારેયના મોત થયા હતા. કાર સાથે ચારેય જણા પાણીમાં ગરક થયા હતા. એક પુરુષ અને ત્રણ મહિલાના મોત થયા છે. તરવૈયાઓની મદદથી ચારેયના મૃતદેહોને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલાયા છે. ધોરાજી પોલીસે અકસ્માત ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.