Sports

ભારતે તોડ્યો ઈંગ્લેન્ડનો વર્લ્ડ રેકોર્ડ, બાંગ્લાદેશ સામેની ટેસ્ટ મેચમાં ફાસ્ટેસ્ટ ટીમ ફિફ્ટી બનાવ્યા

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજી ટેસ્ટ મેચ ગ્રીન પાર્ક કાનપુરમાં રમાઈ રહી છે. આ મેચના ચોથા દિવસે ટીમ ઈન્ડિયાના ઓપનર રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 50 રન બનાવીને ભારત માટે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ પહેલા આ રેકોર્ડ ઈંગ્લેન્ડના નામે હતો. આ વર્ષે ટ્રેન્ટ બ્રિજ ખાતે વેસ્ટ ઈન્ડિઝ સામે રમાયેલી મેચ દરમિયાન ઈંગ્લેન્ડે માત્ર 4.2 ઓવરમાં 50 રનનો આંકડો પાર કરી લીધો હતો. હવે રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલે માત્ર 3 ઓવરમાં 50 રનનો આંકડો સ્પર્શીને વર્લ્ડ રેકોર્ડ તોડ્યો છે.

ભારતે કાનપુર ટેસ્ટના પ્રથમ દાવમાં બાંગ્લાદેશને 233 રનમાં ઓલઆઉટ કરી દીધું છે. સોમવારે બીજી ટેસ્ટના ચોથા દિવસે બાંગ્લાદેશે 107/3ના સ્કોરથી રમવાનું શરૂ કર્યું હતું. ભારતે પોતાનો દાવ શરૂ કર્યો હતો. ભારતે ત્રીજી ઓવરમાં જ 50 રન પૂરા કર્યા હતા. આ સાથે ટીમે ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારી હતી. ટીમે ત્રીજી ઓવરમાં આ સિદ્ધિ મેળવી હતી. આ પહેલા આ રેકોર્ડ ઈંગ્લેન્ડના નામે હતો. ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં રમાઈ રહેલી મેચના બીજા અને ત્રીજા દિવસે વરસાદના કારણે રમત રદ કરવામાં આવી હતી. મેચના પહેલા દિવસે માત્ર 35 ઓવર જ રમાઈ શકી હતી.

સોમવારે ટેસ્ટના ચોથા દિવસે એટલે કે 30 સપ્ટેમ્બરે રમત આગળ વધી હતી. યશસ્વી જયસ્વાલે 31 બોલમાં અડધી સદી ફટકારી હતી. ભારત તરફથી આ ચોથી સૌથી ઝડપી અડધી સદી છે. ભારત તરફથી સૌથી ઝડપી અડધી સદીનો રેકોર્ડ રિષભ પંતના નામે છે. તેણે આ 28 બોલમાં કર્યું હતું. ટેસ્ટમાં યશસ્વીની આ છઠ્ઠી અડધી સદી હતી. ભારતે નવ ઓવર પછી એક વિકેટ ગુમાવીને 90 રન બનાવ્યા. રોહિત શર્મા 23 રન બનાવીને આઉટ થયો હતો.

Most Popular

To Top