ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની ફાઇનલમાં ન્યુઝીલેન્ડ અને ભારત એકબીજા સામે ટકરાશે. રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમે સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને 4 વિકેટથી હરાવ્યું હતું. જ્યારે ન્યુઝીલેન્ડે દક્ષિણ આફ્રિકા સામે 50 રનથી જીત મેળવી હતી. ટાઇટલ મેચ 9 માર્ચ (રવિવાર) ના રોજ દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે.
ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ પહેલા ન્યુઝીલેન્ડનું ટેન્શન વધી ગયું છે. ટીમના સ્ટાર ફાસ્ટ બોલર મેટ હેનરીનું ફાઇનલમાં રમવું શંકાસ્પદ છે. સેમિફાઇનલ મેચ દરમિયાન હેનરીને ખભામાં ઈજા થઈ હતી. દક્ષિણ આફ્રિકાના વિકેટ કીપર હેનરિક ક્લાસેનનો કેચ લેતી વખતે હેનરીને આ ઈજા થઈ હતી. જોકે, હેનરી પાછળથી બે ઓવર નાખવા માટે મેદાનમાં પાછો ફર્યો હતો. તે મેદાનમાં ડાઇવ મારતો પણ જોવા મળ્યો.
સેમિફાઇનલ પછી ન્યુઝીલેન્ડના કેપ્ટન મિશેલ સેન્ટનર ઝડપી બોલરની ઉપલબ્ધતા અંગે આશાવાદી હતા. પરંતુ હવે ન્યુઝીલેન્ડના મુખ્ય કોચ ગેરી સ્ટેડે કહ્યું છે કે ફાઇનલના 48 કલાક પહેલા મેટ હેનરીની ફિટનેસ સ્થિતિ અજાણ છે.
ગેરી સ્ટેડે કહ્યું, અમારા દૃષ્ટિકોણથી સકારાત્મક વાત એ છે કે તે બોલિંગમાં પાછો ફર્યો છે. અમે કેટલાક સ્કેન અને અન્ય બાબતો કરાવી છે અને અમે તેને આ મેચ માટે ફિટ થવા માટે દરેક તક આપીશું. પરંતુ તેમની સ્થિતિ હજુ પણ સંપૂર્ણપણે સ્પષ્ટ નથી. ખભા પર પડવાથી તેને ખૂબ દુઃખાવો થઈ રહ્યો છે તે સ્પષ્ટ છે. આશા છે કે તે જલ્દી સ્વસ્થ થઈ જશે.
મેટ હેનરીએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં 16.70 ની સરેરાશથી દસ વિકેટ લીધી છે. તે હાલમાં વર્તમાન ટુર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. હેનરીએ દુબઈમાં ભારત સામેની ગ્રુપ મેચમાં આમાંથી પાંચ વિકેટ લીધી હતી. આવી સ્થિતિમાં જો હેનરી નહીં રમે તો તે ભારતીય ટીમ માટે સારા સમાચાર હશે.
આ બોલરને સ્થાન મળશે?
જો મેટ હેનરી રમવામાં અસમર્થ હોય તો જમણા હાથના ઝડપી બોલર જેકબને પ્લેઇંગ-11માં સામેલ કરી શકાય છે. ડફીએ વર્તમાન ટુર્નામેન્ટમાં અત્યાર સુધી એક પણ મેચ રમી નથી. જોકે, ડફીએ ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા પાકિસ્તાનમાં યોજાયેલી ત્રિકોણીય શ્રેણીમાં એક મેચ રમી હતી. ત્યાર બાદ તેણે યજમાન પાકિસ્તાન સામેની મેચમાં 48 રન આપીને 1 વિકેટ લીધી.
