Charchapatra

ફરસાણવાળા છડેચોક નિયમભંગ કરે છે

એક જ તેલમાં વારંવાર તળેલી વાનગીઓ આરોગવાથી કેન્સર જેવી જોખમી બીમારીઓ થતી હોવા છતાંય અમદાવાદ સહિત ગુજરાતનાં મોટા ભાગનાં શહેરોમાં ગાંઠિયા, ફરસાણ સહિતની તળેલી વસ્તુઓ બનાવીને વેચનાર દુકાનના કેટલાંક માલિકો ખાદ્યતેલ કદડા જેવું (જાડું) થઇ જાય તેવા તેલમાં તળ્યા જ કરે છે. જેનાથી ગુજરાતના શહેરી વિસ્તારની પ્રજાના આરોગ્ય સાથે ખુલ્લેઆમ  ચેંડા કરવામાં આવી રહ્યા છે. કાયદાકીય જોગવાઇ મુજબ વાનગીઓ તળવા માટે ઉપયોગમાં લેવાતા તેલના ટોટલ પોલાર કમ્પાઉન્ટ ૨૫ (પચ્ચીસ) થી વધી જાય તે પછી તે તેલમાં તળીને વાનગી બનાવીને વેચી શકાતી નથી.

છતાંય ૭૦ (સિત્તેર) થી કે તેનાથી ય વધુ ટોટલ પોલાર કમ્પાઉન્ડવાળા અને કદડા જેવા (જાડા) દેખાતા તેલમાં વાનગીઓ તળીને વેચવાનું સરેઆમ ચાલી રહ્યું છે. આમ ફરસાણની દુકાનો વડે કાયદાનું છડેચોક ઉલ્લંઘન થઇ રહ્યું છે. મુંબઇમાં ખાદ્યતેલનો તળવા માટે ત્રણ વાર ઉપયોગ કર્યા બાદ એનો તળવા માટે અથવા રસોઇ કરવા માટે ઉપયોગ નહીં કરવાનો નિયમ છે. આ નિયમ નહીં પાળનારા વ્યાવસાયિકો (ફરસાણ બનાવનાર દુકાનદારો) સામે થોડા સમય અગાઉ મુંબઇના અન્ન અને ઔષધ પ્રશાસને (એફડીએ) સખત વલણ અપનાવી અને વિશેષ તપાસ અભિયાન હાથ ધર્યું હતું. ગુજરાતનાં તમામ મોટાં શહેરોમાં પણ તંત્રે – આરોગ્ય અધિકારીઓએ આવાં અભિયાનો શરૂ કરવાની તાતી જરૂર છે.
પાલનપુર – મહેશ વી. વ્યાસ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

ચાર દિન કી ચાંદની, ફીર અંધેરી રાત
આ કહેવત સાચી કરતી સુરત મહાનગરપાલિકા જ્યારે વડા પ્રધાન મોદીજી સુરત આવ્યા ત્યારે ઘણી સેવાઓ નાગરિકો માટે ખુલ્લી મૂકી. પરંતુ સુરત મહાનગરપાલિકા વડા પ્રધાન આવવાના એટલા માટે સુરતને સુંદર બનાવવાની કોશિશ કરી એમ લાગે છે. જ્યોતીન્દ્ર દવે ગાર્ડન પાસે આવેલા ઈવી ચાર્જીંગ સ્ટેશન હાલત જોતાં એવું જ લાગી રહ્યું. વડા પ્રધાન ગયા પછી કોઈ કર્મચારી ત્યાં જોવા માટે પણ ગયું નથી લાગતું. બેનર નીચે પડેલું ધૂળ ખાય છે, ત્યાં કોઈ સફાઈ થઈ નથી. જાહેર જનતાના ટેક્ષમાંથી આવી સેવાઓ ઊભી કરવામાં આવે છે. આવી હાલત જોઈને થાય આ તો એક વાત થઈ. આવી ઘણી જગ્યાએ નાગરિકોના ટેક્ષના પૈસા બરાબર ઉપયોગ થાય છે કે નહીં.
સુરત     – પ્રણય- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top