આંદોલનકર્તાઓએ પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં ઘણા મહત્વના માર્ગો આજે અવરોધ્યા હતા જ્યારે ખેડૂત યુનિયનો દ્વારા આપવામાં આવેલા આ ત્રણ કલાકના ચક્કાજામના પ્રતિસાદમાં દેશમાં અન્ય સ્થળોએ છૂટાછવાયા દેખાવો યોજાયા હતા. ખેડૂત નેતા રાકેશ ટિકૈતે જાહેર કર્યું હતું કે દિલ્હીના સરહદી વિસ્તારોમાં તેમના દેખાવો બીજી ઓકટોબર સુધી ચાલુ રહેશે અને આંદોલન સાથે દરેક ગામને સાંકળવાના પ્રયાસો થશે.
કેન્દ્રના ત્રણ નવા કૃષિ કાયદાઓના વિરોધમાં ખેડૂત સંઘો દ્વારા આપવામાં આવેલા આજના ચક્કાજામના સંદર્ભમાં પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં અનેક માર્ગો અવરોધવામાં આવ્યા હતા. અનેક હાઇવે આ રાજ્યોમાં અવરોધવામાં આવ્યા હતા અને તે અવરોધવા રાષ્ટ્રધ્વજ ફરકાવેલી ટ્રકો અને ટ્રેકટરો ખડકવામાં આવ્યા હતા અને તેમના પરથી ખેડૂત ગીતો પણ વગાડવામાં આવ્યા હતા. મહારાષ્ટ્ર, તેલંગાણા, તમિલનાડુ અને કર્ણાટકમાં પણ કેટલાક ભાગોમાં વાહન વ્યવહાર અટકાવવાના કાર્યક્રમો થયા હતા.
જો કે કોઇ પણ સ્થળેથી કોઇ પણ અનિચ્છનીય બનાવના અહેવાલ મળ્યા નથી. કેટલાક રાજ્યોમાં કોંગ્રેસ અને ડાબેરી પક્ષોના કાર્યકરો પણ ખેડૂતોની સાથે ચક્કાજામના કાર્યક્રમમાં જોડાયા હતા. આજના આ ચક્કાજામના કાર્યક્રમમાંથી જો કે દિલ્હી, યુપી અને ઉત્તરાખંડને બાકાત રાખવામાં આવ્યા હતા તેમ છતાં દિલ્હીના સિંઘુ, ટિકરી જેવા સરહદી વિસ્તારોમાં ૨૪ કલાક માટે ઇન્ટરનેટ બંધ કરી દેવાઇ હતી. રાષ્ટ્રીય રાજધાનીના શહીદી પાર્કમાં લગભગ પ૦ આંદોલનકારોોને અટકાયતમાં લેવામાં આવ્યા હતા જ્યારે અન્ય રાજ્યોમાં પણ માર્ગો અવરોધવા બદલ સંખ્યાબંધ આંદોલનકારીઓને ટૂંક સમય માટે અટકાયતમાં લેવામાં આવ્યા હતા.
ખેડૂત નેતા રાકેશ ટિકૈતે જણાવ્યું હતું કે કેટલાક સ્થળેથી એવી માહિતીઓ આવી છે કે ચક્કા જામ દરમ્યાન તોફાનીઓએ શાંતિ ખોરવવાનો પ્રયાસ કર્યો હતો. આવી માહિતીઓને કારણે જ અમે ઉત્તર પ્રદેશ અને ઉત્તરા ખંડમાં ચક્કાજામનો કાર્યક્રમ મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો હતો એમ ટિકૈતે જણાવ્યું હતું.
દક્ષિણ ભારતમાં કર્ણાટક અને તેલંગાણા ઉપરાંત ચેન્નાઇ તથા તમિલનાડુના અન્ય ભાગોમાં પણ વિરોધો યોજાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્રના નવા ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદાઓના વિરોધમાં સપ્તાહોથી ચાલુ રહેલા ખેડૂત આંદોલનના ભાગરૂપે આજે બપોરના ૧૨થી ૩ દરમ્યાન ચક્કાજામ યોજીને દેશભરમાં માર્ગો અવરોધવાનું એલાન આપવામાં આવ્યું હતું.