Dakshin Gujarat

સુરત મનપાના અણધડ વહીવટના લીધે સરોલીની નહેરમાં ગાબડું પડતાં ખેડૂતો ચિંતામાં મુકાયા

સુરત(Surat): સુરત મનપા (SMC) તંત્રની અણઆવડતના લીધે ઓલપાડના (Olpad) સરોલીના (Saroli) ખેડૂતોનું (Farmers) ટેન્શન વધી ગયું છે. ઉનાળો (Summer) શરૂ થવા જઈ રહ્યો છે ત્યારે જ સુરત મનપાના પાપે ખેડૂતોના માથે પાણીનું સંકટ ઉભું થાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

આજે સવારે સુરત મનપાના કોન્ટ્રાક્ટરોએ સિંચાઈ વિભાગની (Irrigation Department) પરવાનગી લીધા વિના જ ઓલપાડના સરોલી નજીકની નહેરમાં પાઈપ લાઈન નાંખવાની કામગીરી શરૂ કરી હતી, જેના લીધે નહેરમાં ગાબડું (A gap in the canal) પડ્યું હતું. પરિણામે પાણીનો સપ્લાય ખોરવાઈ તેવી સંજોગો ઉભા થતાં ખેડૂતો રોષે ભરાયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આજે શનિવારે તા. 10 ફેબ્રુઆરીની સવારે ઓલપાડમાં કાકરાપાર ડાબા કાંઠાની હજીરા માઈનોર નહેરમાં સુરત મહાનગર પાલિકાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર દ્વારા બેજવાબદાર રીતે કામગીરી હાથ ધરવામાં આવી હતી. પાઈપ લાઈનની કામગીરી માટે કોન્ટ્રાકટર દ્વારા નહેર નજીક આડેધડ ખોદકામ શરૂ કરાયું હતું, જેના લીધે નહેરમાં ગાબડું પડી ગયું હતું.

કોન્ટ્રાક્ટર અને મહાનગર પાલિકા દ્વારા સિંચાઈ વિભાગની કોઈપણ પ્રકારની પરવાનગી વિના કામગીરી હાથ ધરવામાં આવી હોવાના આક્ષેપો વચ્ચે હવે કોન્ટ્રાક્ટર દ્વારા યુદ્ધના ધોરણે નહેરમાં પડેલા ગાબડાંના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે.

ઉનાળું ડાંગળ રોપણીની સિઝન પર જોખમ ઊભું થયું
નહેરને નુકસાન થવાની જાણ આસપાસના પંથકમાં વાયુવેગે પ્રસરી જતાં મોટી સંખ્યામાં ખેડૂતો પણ ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. હાલમાં સમગ્ર ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારમાં ખેડૂતોની ઉનાળુ ડાંગળ રોપાણીની સિઝન ચાલી રહી છે. હજીરા માઈનોર નહેરમાં ગાબડું પડતાં આ સમગ્ર વિસ્તારમાં સિંચાઇના પાણી પહોંચવાના માર્ગમાં અવરોધ ઉભો થયો છે. જેથી સમગ્ર વિસ્તારમાં ડાંગર અને શાકભાજીની ખેતી કરતાં ખેડૂતો ચિંતાતુર થયા છે.

સિંચાઈ વિભાગની મંજૂરી વિના જ પાલિકાએ ડ્રિલિંગ કામ શરૂ કર્યાના આક્ષેપ
હજીરા માઇનોર નહેરમાં ગાબડું પડવાની ઘટના ખૂબ જ ગંભીર છે. મહાનગર પાલિકા દ્વારા સિંચાઇના રોટેશનના સમયગાળા દરમિયાન સિંચાઇ વિભાગની મંજૂરી વિના જ નહેરમાં ડ્રિલિંગ કરવાની કામગીરી કરવામાં આવી હોવાના આક્ષેપ થઈ રહ્યાં છે. મંજૂરી વિના જ રોટેશન દરમિયાન કરવામાં આવેલી કામગીરીને કારણે ખેડૂતોના પાકને સિંચાઇનું પાણી સમયસર યોગ્ય તેમજ પૂરતા પ્રમાણમાં નહીં મળવાના કારણે પાકને નુકસાન થવાની ભીતિ છે.

જવાબદારો વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ
કોંગ્રેસ અગ્રણી દર્શન નાયક દ્વારા સમગ્ર પ્રકરણની નિષ્પક્ષ તપાસ કરી જવાબદાર વિરૂદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. નાયકે કહ્યું કે, રાજ્ય સરકાર દ્વારા ઓલપાડ અને આસપાસના ખેડૂતોની સુવિધા માટે કરોડો રૂપિયાના ખર્ચે કાકરાપાર ડાબા કાંઠા નહેરને આરસીસી વાળી બનાવવામાં આવી હતી. જો કે, છેલ્લા કેટલાક સમયથી સુરત મહાનગર પાલિકાના કોન્ટ્રાક્ટર આ વિસ્તારમાં પાઈપ લાઈનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન ડ્રિલિંગને પગલે નહેરમાં ગાબડું પડ્યું છે.

Most Popular

To Top