Madhya Gujarat

ખેડૂતોએ ખેતી ખર્ચ ઘટાડવા કુદરતી સ્ત્રોતનો ઉપયોગ કરવો જોઈએ

આણંદ : આણંદ કૃષિ યુનિવર્સિટી તથા ગુજરાત ઓર્ગેનીક એગ્રીકલ્ચર યુનિવર્સિટીના કુલપતિ ડો. કે. બી. કથીરીયાએ ઓર્ગેનીક ફાર્મીંગમાં પ્રવાહી જૈવિક ખાતર અને જૈવિક નિયંત્રકોની ઉપયોગીતા, જૈવિક કીટનાશકો તથા જૈવિક ફુગનાશકની અગત્યતા તથા પાક ઉત્પાદનમાં થતી લાભદાયી અસરો વિશે વેબીનારમાં જોડાયેલા ખેડૂતોને જાણકારી આપી હતી. કુલપતિએ ખેડૂતોને ખેતીમાં રોગ અને જીવાતના નિયંત્રણ માટે કેમીકલની જગ્યાએ ઇકો ફ્રેન્ડલી અને કુદરતી સ્ત્રોત આધારિત ઉત્પાંદકોનો ઉપયોગ કરી ખેતી ખર્ચ ઘટાડી આવક વધારવા પણ અપીલ કરી હતી.

બં.અ. કૃષિ મહાવિદ્યાલયના તથા ભારત વર્ષની આઝાદીના અમૃત મહોત્સ‍વની ઉજવણી તથા રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત જૈવિક નિયંત્રકોની સજીવ ખેતીમાં અગત્યતા તથા જૈવિક ખાતરોની ઉપયોગીતા અને વ્યાપારી નફો અંગેના યોજાયેલા બે વેબીનારમાં ભાગ લઇ રહેલા ખેડૂતો અને વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના દ્વારા માળખાકીય સવલતો પ્રાપ્ત થઇ રહી છે. તેનો ઉલ્લેખ કરી કુલપતિ ડો. કે.બી. કથીરીયાએ ઉદ્યોગ સાહસિક બની વૈજ્ઞાનિકોના સાથ-સહકારથી યુનિવર્સિટીની ટેકનોલોજીનો ખેડૂતોના લાભાર્થે અને હિતાર્થે કામ કરવા આગળ આવવા અનુરોધ કર્યો હતો.

સંશોધન નિયામક ડો. એમ. કે. ઝાલાએ રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં અને ખેડૂતોના વિકાસ કાર્યમાં વિવિધ યોજનાઓના લાભ મેળવવામાં આણંદ કૃષિ યુનિવર્સિટી હંમેશાં અગ્રેસર રહી હોવાનું જણાવ્યું હતું. તેમણે વધુમાં જૈવિક ખાતર અને જૈવિક નિયંત્રણ જેવી યોજનાઓ યુનિવર્સિટીની તાકાત છે અને દેશ-વિદેશમાં આગવું સ્થાણન ધરાવે છે, તેમ ઉમેર્યું હતું.

વિસ્તરણ શિક્ષણ નિયામક ડો. એચ.બી. પટેલએ ઓનલાઇન જોડાનારા ખેડૂતો અને વિદ્યાર્થીઓ પ્રદૂષણ નિવારક સજીવ ખેતી અને પ્રાકૃતિક ખેતી સંલગ્ન ખેડૂતો વેબીનારના માર્ગદર્શન થકી ખેતી ખર્ચ ઘટાડી પોતાની આવક બમણી કરી શકશે એવો વિશ્વાસ વ્યસકત કર્યો હતો. આ પ્રસંગે વિવિધ જૈવિક નિયંત્રણને લગતા પ્રકાશનોનું કુલપતિ ડો. કે. બી. કથીરીયાના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. આ પુસ્તિકોનું વિમોચન કર્યા બાદ તેઓએ વિદ્યાર્થીઓને તેનો વધુને વધુ પ્રચાર-પ્રસાર કહ્યું હતું. આ વેબીનારનું આયોજન ડો. આર.વી. વ્યાસ અને ડો. એન. બી. પટેલ તથા નિષ્ણાંત વૈજ્ઞાનિકોની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.

Most Popular

To Top