ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા તળિયે ગઈ છે, જેને કારણે ભાજપના મીડિયા સેલને કિસાન આંદોલન બાબતમાં સરકારની સિદ્ધિનો જોરશોરથી પ્રચાર કરવાની સૂચના આપી દેવામાં આવી છે. કિસાનોને આ સરકાર પર બિલકુલ વિશ્વાસ નથી; માટે તેમણે ત્રણ કાળા કાયદાઓ પાછા ખેંચી લેવામાં ન આવે અને તેમની ૬ માગણીઓ સ્વીકારી લેવામાં ન આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. કિસાનો દ્વારા જે ૬ માગણીઓ કરવામાં આવી છે, તેમાંની એક માગણી ૩૨ ખેતપેદાશોની મિનિમમ સપોર્ટ પ્રાઇસનો કાયદો કરવાની છે.
શેરબજારનો કોઈ રોકાણકાર બે કલાક ફોન પર ટ્રેડિંગ કરીને સાંજ પડે એકાદ બે લાખ રૂપિયા કમાઇ લે છે, પણ જગતનાં લોકોનું પેટ ભરતો કિસાન દિવસના ૧૨ કલાક કાળી મજૂરી કરે તો પણ તેને દિવસના ૩૦૦ રૂપિયા માંડ મળે છે. તેનું કારણ એ છે કે કિસાનને તેની પેદાશના વાજબી ભાવો મળતા નથી. દાખલા તરીકે કિસાન ચાર મહિના કાળી મજૂરી કરીને ઘઉં ઉત્પન્ન કરે છે, પણ તેને કિલોગ્રામના માંડ ૨૦ થી ૨૫ રૂપિયા મળે છે. આ જ ઘઉં વેપારી બજારમાં ૩૦ થી ૪૦ રૂપિયાના ભાવે વેચે છે. આ ઘઉંમાંથી બિસ્કિટ થાય તે બજારમાં ૪૦૦ રૂપિયે કિલોગ્રામ વેચાય છે.
સરકાર કાયમ દલીલ કરે છે કે છેલ્લાં ૫૦ વર્ષમાં કિસાનોને ખેતપેદાશોના ભાવો વારંવાર વધારી આપવામાં આવ્યા છે. હકીકતમાં જે પ્રમાણમાં મોંઘવારી વધી છે તે પ્રમાણમાં કિસાનોને ખેતપેદાશના ભાવો વધારી આપવામાં આવ્યા નથી. ૧૯૭૦ માં સોનું ૧૦૦ રૂપિયાનું ૧૦ ગ્રામ મળતું હતું તો ઘઉં ૫૦ પૈસે કિલોગ્રામ વેચાતા હતા. ૧૦ ગ્રામ સોનામાં ૨૦૦ કિલોગ્રામ ઘઉં મળતા હતા. આજે સોનું ૫૦,૦૦૦ રૂપિયાનું ૧૦ ગ્રામ છે; પણ બજારમાં ઘઉં ૨૫ રૂપિયે કિલોગ્રામ મળે છે. અર્થાત્ ૧૦ ગ્રામ સોનામાં ૨,૦૦૦ કિલોગ્રામ ઘઉં મળે છે, જે હકીકતમાં ૨૦૦ કિલો મળવા જોઈએ. આ ગણતરી મુજબ કિસાનને એક કિલોગ્રામ ઘઉંની કિંમત ૨૫૦ રૂપિયા મળવી જોઈએ.
ખેતપેદાશોના ભાવો નક્કી કરવા માટે રચાયેલા સ્વામિનાથન કમિશને દરેક પેદાશના લઘુતમ ટેકાના ભાવો નક્કી કરવા માટે એક ફોર્મ્યુલા આપી હતી. આ ફોર્મ્યુલા મુજબ કિસાનને કોઈ પણ પાક તૈયાર કરવા માટે જે કુલ ખર્ચો થાય છે, તેના દોઢા ભાવો તેને મળવા જોઈએ. તેમના કહેવા મુજબ કોઈ પણ પાકના ભાવ નક્કી કરવા માટે બિયારણ, ખાતર, જંતુનાશક દવા તેમ જ મજૂરીની કિંમત સામેલ કરવી જોઈએ. ત્યાર બાદ તેમાં કિસાનના પરિવાર દ્વારા કરવામાં આવતી મજૂરીની કિંમત પણ ઉમેરવી જોઈએ. તેમાં જમીન જો ભાડાપટ્ટે લેવામાં આવી હોય કે ન આવી હોય તો પણ તેના ભાડાંની રકમ ઉમેરવી જોઈએ. તેનો જે સરવાળો થાય તેના દોઢ ગણા કરવા જોઈએ.
સરકાર દ્વારા જે લઘુતમ ટેકાના ભાવો નક્કી કરવામાં આવે છે તેમાં પરિવારની મજૂરી અને જમીનનું ભાડું ગણ્યા વિના બાકીની કિંમતને દોઢી કરીને ચૂકવણી કરવામાં આવે છે, જેને કારણે કિસાનોને પર્યાપ્ત કિંમત મળતી નથી. દાખલા તરીકે ૨૦૧૮ માં હરિયાણા સરકારે ડાંગરના ભાવો તેમની ક્ષતિયુક્ત ફોર્મ્યુલા મુજબ ગણ્યા હતા તો તે ક્વિન્ટલના ૧,૭૫૦ રૂપિયા આવ્યા હતા. જો ખરેખર સ્વામિનાથન કમિશનની ફોર્મ્યુલા મુજબ ભાવો ગણવામાં આવ્યા હોત તો તે ૨,૩૪૦ રૂપિયા હોત. ગરીબ કિસાનો પોતાની પેદાશ પકડી રાખવાની ક્ષમતા ધરાવતા નથી હોતા. તેમને પૈસાની સખત જરૂર હોય છે, માટે તેઓ રઘવાટમાં આવીને તેમની પેદાશ સસ્તામાં વેચી દે છે. ચાલાક વેપારીઓ તેમની મજબૂરીનો લાભ લઈને તેમનો માલ સસ્તામાં પડાવી લે છે અને તે બજારમાં ઊંચા ભાવે વેચે છે.
કિસાનો દ્વારા મિનિમમ સપોર્ટ પ્રાઇસની માગણી કરવામાં આવે કે તરત કથિત અર્થશાસ્ત્રીઓ બૂમરાણ કરવા માંડે છે કે જો કિસાનોને ૩૨ ખેતપેદાશોમાં લઘુતમ ટેકાના ભાવો આપવામાં આવે તો આર્થિક કટોકટી પેદા થશે. તેમના દ્વારા ગણતરી કરવામાં આવી છે કે જો ૩૨ ખેતપેદાશોના ટેકાના ભાવો આપવામાં આવશે તો સરકાર પર વાર્ષિક ૧૭ લાખ કરોડ રૂપિયાનો બોજો વધશે. આ દાવો સત્યથી વેગળો છે. જો સરકાર દ્વારા તમામ પેદાશો ટેકાના ભાવે ખરીદી લેવામાં આવે તો તેટલા રૂપિયાની જરૂર પડે તેમ છે; પણ હકીકતમાં તેમ કરવાની જરૂર નથી. સરકાર દ્વારા જે ટેકાના ભાવો નક્કી કરવામાં આવે તે ભાવે વેપારીઓ પણ ખરીદી કરી શકે છે. જો બજાર ભાવ ટેકાના ભાવો કરતાં નીચે ઊતરી જાય તો જ સરકારે ચિત્રમાં આવવું પડે છે. કેરળ સરકારે શાકભાજીના ટેકાના ભાવો માટે બજેટમાં ૩૫ કરોડ રૂપિયા ફાળવ્યા હતા, પણ તે વપરાયા નહોતા, કારણ કે વેપારીઓ દ્વારા આપવામાં આવતો બજારભાવ ટેકાના ભાવ કરતાં વધારે રહ્યો હતો.
આજે મધ્યમ વર્ગની માનસિકતા પણ કેવી છે કે તેને ૧૦૦ રૂપિયે લિટરના ભાવે પેટ્રોલ પરવડે છે, ૨૦૦ રૂપિયાની સિનેમાની ટિકિટ પરવડે છે, હોટેલમાં જમવા જાય તો ૫૦૦ રૂપિયાની થાળી પરવડે છે, પણ અનાજ, કઠોળ કે શાકભાજીના ભાવો વધી જાય તો તે કાગારોળ મચાવે છે. દાખલા તરીકે બજારમાં ૪૦ રૂપિયે કિલોગ્રામના ભાવે ચોખા મળતા હોય છે. હોટેલમાં જમવા જાય ત્યારે ૧૦૦ ગ્રામ ચોખામાંથી ભાતની એક પ્લેટ બનતી હોય છે, જેની કિંમત ચાર રૂપિયા જ હોય છે. હોટેલનો માલિક ચાર રૂપિયાના ૪૦ રૂપિયા વસૂલ કરે તેનો તેને વાંધો નથી; પણ ચોખાનો ભાવ ૪૦ રૂપિયાથી વધીને ૫૦ રૂપિયા થઈ જાય ત્યારે તે કાગારોળ મચાવે છે. તેવી રીતે તે હોટેલમાં જમવા જાય ત્યારે એક પ્લેટ પનીર મટરના ૨૦૦ રૂપિયા ચૂકવવામાં તેને મોંઘવારી નડતી નથી; પણ વટાણાના ભાવો ૨૦૦ રૂપિયે કિલોગ્રામ થઈ જાય તો તે ભાવો વધી ગયા હોવાની ફરિયાદ કરે છે.
જો ઊંડાણથી વિચારીએ તો ખ્યાલ આવશે કે સરકાર દ્વારા કિસાનો પાસેથી સસ્તામાં અનાજ વગેરે ખરીદીને રેશનિંગમાં મફત અથવા સસ્તા ભાવે વેચવામાં આવે છે, તેને કારણે કિસાનોને તેમની ખેતપેદાશોના ઉચિત ભાવો મળતા નથી. દાખલા તરીકે સરકાર બજારમાંથી ૧૮ રૂપિયે કિલોગ્રામના ભાવે ઘઉંની ખરીદી કરીને તેને રેશનિંગની દુકાનમાં બે રૂપિયાના ભાવે વેચે છે. કેટલુંક અનાજ તે તદ્દન મફતમાં વિતરણ કરે છે.
સરકારની આ યોજનાનો લાભ ગરીબ ઉપરાંત મધ્યમ વર્ગનાં લોકો પણ લે છે. સરકાર સસ્તું અનાજ વેચતી હોવાથી બજારમાં મોંઘું મળતું અનાજ વેચાતું નથી કે ઓછું વેચાય છે. વળી તેની ડિમાન્ડ પણ ઘટી જાય છે. તેને કારણે તેના ભાવો નીચા રહે છે, જેનો કિસાનોને ગેરલાભ થાય છે. જો સરકાર રેશનિંગની દુકાનમાં સસ્તું અનાજ વેચવાનું બંધ કરે તો ભાવો વધે તેનો લાભ પણ કિસાનોને થશે. પછી સરકારને ટેકાના ભાવો આપવાની જરૂર જ પડશે નહીં.
સરકાર આજની તારીખમાં કિસાનોને ટેકાના ભાવો આપીને પણ દેશમાં જેટલું અનાજનું ઉત્પાદન થાય છે, તેના ચાર ટકાની જ ખરીદી કરી શકે છે. બાકીના ૯૪ ટકા અનાજનું વેચાણ તો કિસાનોને ખુલ્લા બજારમાં જ કરવું પડે છે. પંજાબ અને હરિયાણાની સરકાર સૌથી વધુ ટેકાના ભાવો ચૂકવે છે. તેને કારણે વેપારીઓ બિહારની મંડીઓમાંથી લાખો ટન અનાજ સસ્તામાં ખરીદીને પંજાબ અને હરિયાણામાં ટેકાના ભાવે વેચવા આવે છે. બિહારમાંથી તેઓ ૧૨૦૦ રૂપિયે ક્વિન્ટલના ભાવે ચોખા ખરીદીને પંજાબમાં ૧૮૦૦ રૂપિયાના ભાવે વેચે છે. જો આખા ભારતમાં ટેકાના ભાવે જ ખરીદી કરવાનો કાયદો કરવામાં આવે તો જ કિસાનોને તેમની મહેનતનું વળતર મળી શકશે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.