આણંદ : ચરોતરમાં ઠંડીની શરુઆતની સમયમાં બંગાલની ખાડીમાં ડિસ્ટર્બન્સ થતાં વાતાવરણ પલટાયું છે. ગુરૂવારની રાત્રે નડિયાદ અને આણંદમાં ધોધમાર વરસાદનું ઝાપટું પડ્યું હતું. ચરોતરમાં નવલા નોરતા પુરા થતા ઠંડીની શરુઆતના મોસમમાં અચાનક પલટો આવ્યો છે. આણંદમાં બુધવારની મોડી સાંજથી ગુરૂવારના સવારમાં વાદળછાયું વાતાવરણ છવાઇ ગયું હતુ. ગુરુવારના રાત્રે કમોસમી વરસાદ પણ પડ્યો હતો. આ અંગે હવામાન વિભાગના જણાવ્યાનુંસાર, બંગાળની ખાડીમાં સાયક્લોનીકલ સરક્યુલેશ અને વેસ્ટર્ન ડીસ્ટબર્ન થતા તેની અસર ચરોતર ઉપર જોવા મળી હતી. જેના કારણે વાતાવરણમા અચાનક પલટો આવ્યો હતો. આ ઉપરાંત હજું પાચ દિવસ જિલ્લામાં વરસાદી વાતાવરણ રહેવાની શક્યતા છે. સાથે સાથે અમુક વિસ્તારમાં કમોસમી વરસાદ પણ થઈ શકે તેમ છે. આણંદ અને નડિયાદમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.
ખેડા, નડિયાદ અને ડાકાેરમાં ધાેધમાર વરસાદ
ચોમાસાની સત્તાવાર વિદાય સાથે શિયાળાની શરૂઆત થવા લાગી છે. ત્યારે ગુરૂવારના રોજ ખેડા જિલ્લાનું વાતાવરણ એકાએક પલટાયું હતું. વાદળછાયા વાતાવરણ વચ્ચે નડિયાદ સહિત આસપાસના ગામોમાં વરસાદી છાંટા પડ્યાં હતા. જે બાદ બપોરના સમયે ઉઘાડ નીકળ્યો હતો. જોકે, બાદમાં સાંજના સમયે પુન: વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. સાથે તેજ ગતિએ પવન પણ ફુંકાવા લાગ્યો હતો. સાંજના સમયે ખેડા પંથકમાં પણ વરસાદી ઝાપટું પડ્યું હતું. અચાનક બદલાયેલાં વાતાવરણને પગલે ધરતીપુત્રો ચિંતામાં મુકાયાં હતાં.