નવી દિલ્હી: લઘુત્તમ ટેકાના ભાવ (MSP) પર કાયદેસરની ગેરંટી માંગીને આઠ દિવસથી શંભુ (Shambhu Border) અને દાતાસિંહ વાલા બોર્ડર (Datasinh Vala Border) પર ઉભા રહેલા ખેડૂતોએ (Farmer) ગઇકાલે બુધવારે સવારે દિલ્હી (Delhi) તરફ કૂચ કરવાનો પ્રયાસ કર્યો હતો. જવાબમાં હરિયાણા પોલીસ (Hariyana Police) અને અર્ધલશ્કરી દળોએ ટીયર ગેસના શેલ છોડ્યા અને રબરની ગોળીઓ પણ છોડી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ આ કાર્યવાહીમાં દાતાસિંહવાલા બોર્ડર પર ગોળીઓથી બે ખેડૂતો ઘાયલ થયા હતા. જેમાંથી ભટિંડાના બલોંકે ગામના 23 વર્ષીય યુવક શુભકરણનું મૃત્યુ થયું હતું. સંગરુરના નવાગાંવના અન્ય એક ખેડૂત પ્રીતપાલ સિંહને પણ ગંભીર ઈજાઓ થઈ હતી. તેમને રોહતક પીજીઆઈમાં દાખલ કરવામાં આવ્યા છે.
ખેડૂતોનો દાવો છે કે શુભકરણનું મોત રબરની ગોળી માથામાં વાગવાને કારણે થયું હતું. અથડામણમાં 52 ખેડૂતો અને 12 પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. આ સાથે જ શંભુ બોર્ડર ઉપર છ ખેડૂતો ઘાયલ થયા છે. બીજી તરફ કેન્દ્રીય કૃષિ મંત્રી અર્જુન મુંડાએ ફરીથી ખેડૂતોને વાતચીત માટે આમંત્રણ આપ્યું છે. કેન્દ્રના પ્રસ્તાવ પર ખેડૂત નેતાઓએ તેમની દિલ્હી કૂચ બે દિવસ માટે મોકૂફ રાખી છે. ખેડૂત નેતા સર્વન સિંહ પંઢેરે કહ્યું કે તેઓ શુક્રવારે સાંજે વધુ વ્યૂહરચના જાહેર કરશે.
બુધવારે બપોરે લગભગ 1 વાગ્યે દાતાસિંહવાલા બોર્ડર પર આંદોલને હિંસક વળાંક લીધો હતો. જીંદના પોલીસ અધિક્ષક સુમિત કુમારે જણાવ્યું હતું કે પંજાબના ખેડૂતો બુલડોઝરની મદદથી સરહદ પરના બેરિકેડ્સને હટાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જ્યારે તેમને રોકવામાં આવ્યા ત્યારે તેઓએ સ્ટબલમાં મરચું નાખ્યું. તેને આગ લગાવી અને મોટા પંખાની મદદથી ધુમાડો પોલીસ તરફ ફેલાવ્યો.
જેના પર પોલીસે ટીયર ગેસના શેલ, વોટર કેનન અને લાઠીચાર્જનો પણ ઉપયોગ કરવો પડ્યો હતો. આ ઉપરાંત અનેક ખેડૂતોએ પોલીસ પર તલવારો અને ધોકા વડે હુમલો પણ કર્યો હતો. અંબાલાની શંભુ સરહદે આખો દિવસ લડાઈ ચાલુ રહી. પોલીસ બેરીકેડ વચ્ચે યુવા ખેડૂતો સાંજના 5 વાગ્યા સુધી અનેકવાર બેરિકેડીંગ પાસે આવ્યા હતા અને તેને તોડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ટીયર ગેસના શેલ અને વોટર કેનનને કારણે તેઓએ પીછેહઠ કરવી પડી હતી.
ટીયર ગેસના કારણે પંઢેર અને દલ્લેવાલની તબિયત લથડી હતી
દાતાસિંહવાલા બોર્ડર પર ખેડૂતના મોતના સમાચાર મળતાં જ ખેડૂત નેતાઓ પંઢેર અને જગજીત સિંહ દલ્લેવાલે સાંજે શંભુ બોર્ડર પર જાહેરાત કરી હતી કે હવે આવી સ્થિતિમાં સરકાર સાથે વાત કરવી યોગ્ય નથી લાગતી. ત્યાર બાદ મોટી સંખ્યામાં યુવાનોએ ખેડૂત નેતાઓના નેતૃત્વમાં સરહદ તરફ આગળ વધવાનું શરૂ કર્યું. હરિયાણા તરફથી ડ્રોન દ્વારા ટીયર ગેસના શેલ છોડવામાં આવ્યા હતા. જેના કારણે ખેડૂત આગેવાનો પંઢેર અને દલ્લેવાલની તબિયત પણ લથડી હતી.