પલસાણા: (Palsana) પલસાણા તાલુકાના પુણી ગામે ખેડૂતની (Farmers) મંજૂરી વગર જમીન ચકાસણી માટે ખેતરમાં (Farm)મશીન ઉતારતાં ખેડૂતો રોષે ભરાયા હતા. ખેડૂતોએ જમીન ચકાસણી રોકી હલ્લો બોલાવ્યો હતો. એક્સપ્રેસ વેને કારણે પાવરગ્રીડની વીજલાઇન (Powergrid’s Powerline) ખસેડવામાં આવી રહી છે અને તે માટે એજન્સી દ્વારા જમીન ચકાસણી કરવામાં આવી રહી છે. ખેડૂતોનો આક્ષેપ છે કે તંત્ર દ્વારા ખેતરમાં મશીન ઉતારતા પહેલા ખેડૂતોની કોઈ મંજૂરી લેવામાં આવી નથી.
- પૂણીમાં મંજૂરી વગર જમીન ચકાસણી સામે વિરોધ
- પાવરગ્રીડની વીજલાઇન ખસેડવાની કામગીરી માટે જમીન ચકાસણી સામે ખેડૂતોનો હલ્લો
- ખેતરમાં ટ્રેક્ટર પ્રવેશતાં નવી રોપેલી શેરડીને નુકસાન
પ્રાપ્ત માહિતી અનુસાર પલસાણા તાલુકાના પુણી ગામે રહેતા મેહુલભાઈ નટવરભાઈ પટેલના શેરડીના ખેતરમાં શનિવારે ખાનગી બોરવેલ કરવાવાળા માણસો ટ્રેક્ટર સાથે નજરે પડતાં ખેડૂતો ખેતરમાં પહોંચ્યા હતા અને તેમણે પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે, એક્સપ્રેસ વેને કારણે પાવરગ્રીડની વીજલાઇન ખસેડવામાં આવી રહી છે અને આ માટે જ્યાંથી વીજલાઇન જવાની છે ત્યાં જમીનની ચકાસણી કરવા માટે બોરવેલ કરવામાં આવી રહ્યો છે. ખેડૂતોના જણાવ્યા મુજબ તેમના ખેતરમાં ઊભેલા પાકમાં ટ્રેક્ટર અને મશીન લઈ જતાં પહેલા જમીન માલિકની મંજૂરી તો ઠીક તેમને જાણ પણ કરવામાં આવી ન હતી.
ખેતરમાં ટ્રેક્ટર પ્રવેશતાં નવી રોપેલી શેરડીને પણ મોટું નુકસાન થયું હતું. જેને લઈને ખેડૂતમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ખેતમાલિક મેહુલભાઈના પિતા નટવરભાઈ પટેલ બારડોલી સુગર ફેક્ટરીના ડિરેક્ટર તરીકે પણ કાર્યરત છે. ઘટનાની જાણ થતાં જ સુરત જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ પરિમલ પટેલ પણ સ્થળ પર પહોંચી ગયા હતા. અને વાંધો ઉઠાવી જમીન ચકાસણીનું કામ બંધ કરાવ્યું હતું. સાથે ચેતવણી પણ આપી હતી કે, હવે પછી જો કોઈ પણ ખેડૂતના ખેતરમાં મંજૂરી વગર પ્રવેશ કરશો તો કાયદાકીય પગલાં ભરવામાં આવશે. ભારે રકઝક બાદ જમીન ચકાસણી માટે આવેલું ટ્રેક્ટર રવાના થયું હતું.