ગાંધીનગર: સમગ્ર દેશમાં પ્રાકૃતિક કૃષિ માટે સાનુકૂળ વાતાવરણ બની રહ્યું છે. ખેડૂતો (Farmer) પણ સમજીને સ્વીકારી રહ્યા છે કે ઓછા ખર્ચમાં, ઓછા પાણીએ થતી આ ખેતીથી કૃષિ ઉત્પાદન ઘટતું નથી. એટલું જ નહીં, જમીનની (Land) ફળદ્રુપતા પણ વધે છે. પ્રાકૃતિક કૃષિથી બીજું ખેડૂતનું હિત શું હોઈ શકે? આ વિષયને જનઆંદોલન બનાવવું પડશે અને આ દિશામાં ઝડપથી પ્રમાણિક પ્રયાસો કરવા પડશે, તેવું રાજભવન ખાતે ગુજરાતમાં (Gujarat) વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવે એ માટે યોજાયેલી વિચાર-વિમર્શ બેઠકમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ જણાવ્યું હતું.
ગુજરાતમાં 3 લાખ, 26 હજાર ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવી છે. લગભગ ચાર લાખ એકર ભૂમિમાં પ્રાકૃતિક ખેતી થઈ રહી છે. 10 લાખથી વધુ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિની તાલીમ આપવામાં આવી છે. આઝાદીના અમૃત મહોત્સવમાં ગુજરાતના પ્રત્યેક ગામમાં ઓછામાં ઓછા 75 ખેડૂતો પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવે. આ લક્ષ્યની સિદ્ધિ માટે વધુ અસરકારક કામગીરી કરવા અને આ દિશામાં વિચાર-વિમર્શ કરવા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ આજે રાજભવનમાં ઉચ્ચકક્ષાની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલ, કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ પુરી, નીતિ આયોગ, નવી દિલ્હીના કૃષિ ક્ષેત્રના વરિષ્ઠ સલાહકાર ડૉ. નીલમ પટેલ અને વરિષ્ઠ તજજ્ઞો તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ તજજ્ઞો અને વિષય નિષ્ણાતોની આ બેઠકને સંબોધન કરતાં કહ્યું હતું કે, દેશી ગાયના નિભાવ માટે રાજ્ય સરકાર દ્વારા અપાતી માસિક રૂપિયા 900 ની આર્થિક સહાયનો લાભ 1 લાખ, 84 હજારથી વધુ ખેડૂતો લઈ રહ્યા છે. 1,964 જેટલા પ્રશિક્ષકો અત્યારે ખેડૂતોને તાલીમ આપવાના અભિયાનમાં કામ કરી રહ્યા છે. આગામી દિવસોમાં ગ્રામ્ય કક્ષાએ ખેડૂતો માટે સઘન તાલીમ યોજાય અને જે ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવી છે અને તેના સારા પરિણામો મેળવ્યા છે એવા ખેડૂતો અન્ય ખેડૂતોને પ્રેક્ટીકલ તાલીમ આપે એવા અસરકારક તાલીમ અભિયાન માટે આયોજન કરવા તેમણે અનુરોધ કર્યો હતો.
કૃષિ મંત્રી રાઘવજી પટેલે આ બેઠકમાં કહ્યું હતું કે, ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધુ વિસ્તરે એ માટે અભિયાનને વધુ વેગવાન બનાવવા કૃષિ વિભાગ સક્રિય યોગદાન આપી રહ્યું છે. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો દ્વારા જ ગામેગામ ખેડૂતોને તાલીમ અપાય એ માટે ઝુંબેશ શરૂ કરાશે અને ગુજરાત પ્રાકૃતિક કૃષિમાં સમગ્ર દેશમાં ‘નંબર વન’ રાજ્ય બને એ દિશામાં પરિણામલક્ષી કામગીરી કરાશે. રાજ્ય સરકારે પ્રાકૃતિક કૃષિનું મિશન ઉપાડ્યું છે એ માટે સહુ કોઈ પરસ્પરના સહયોગમાં, ખેડૂતોના હિતમાં નિષ્ઠાપૂર્વક કામ કરશે.
નીતિ આયોગ, નવી દિલ્હીના વરિષ્ઠ કૃષિ સલાહકાર ડૉ. નીલમ પટેલે કહ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે ગુજરાતે આખા દેશમાં સૌથી શ્રેષ્ઠ અને અન્ય રાજ્યો માટે પ્રેરણાદાયી કાર્ય કર્યું છે. ગુજરાત પાસેથી પ્રેરણા લઈને ઉત્તરાખંડ રાજ્યએ પણ યુનિવર્સિટીઓમાં પ્રાકૃતિક કૃષિનો અભ્યાસક્રમ અપનાવ્યો છે. કેન્દ્ર સરકારના વર્ષ 2023-24 ના અંદાજપત્રની જોગવાઈઓ વિશે વિશેષ પ્રકાશ પાડતાં તેમણે કહ્યું કે, દેશની સ્વયં સહાયતા સંગઠનોની 81 લાખ મહિલાઓને પ્રાકૃતિક કૃષિના ઉત્પાદન, પ્રોસેસિંગ અને માર્કેટિંગના કામમાં જોડવાનું આયોજન છે. પ્રાકૃતિક કૃષિમાં બાયો ઇનપુટ રિસર્ચ માટે દેશમાં 10,000 સેન્ટર માટે કેન્દ્ર સરકાર સહયોગ કરશે.