Gujarat

સૌરાષ્ટ્રના જિલ્લાઓની એ.પી.એમ.સી.માં ડુંગળી વેચનારા ખેડૂતોને પ્રતિ કિલોએ રૂ.2ની આર્થિક સહાય

ગાંધીનગર: સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં આવેલી એ.પી.એમ.સી.માં ખેડૂત દ્વારા વેચાણ થતી ડુંગળી માટે ખેડૂતોને પ્રતિ કિલોએ રૂ.૨ની આર્થિક સહાય કરવાનો રાજય સરકારે ખેડૂત હિતલક્ષી નિર્ણય કર્યો છે, જેમાં એક ખેડૂતદીઠ મહત્તમ ૨૫,૦૦૦ કિલોના વેચાણ સુધી એટલે કે મહત્તમ રૂ. ૫૦,૦૦૦ સુધી મળવાપાત્ર થશે. આ આર્થિક સહાય માટે રાજ્ય સરકાર દ્વારા કુલ રૂ.૧૦૦ કરોડની માતબર રકમ ફાળવવામાં આવી છે.

ગાંધીનગરમાં સોમવારે બપોરે કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે સૌરાષ્ટ્ર વિસ્તારમાં રવી ઋતુમાં અંદાજિત ૮૮,૦૦૦ હેક્ટરથી વધારે વિસ્તારમાં ડુંગળીનું વાવેતર થયું છે. જે સામાન્ય વાવેતર વિસ્તાર કરતાં વધારે હોઈ સરેરાશ અંદાજે વધુ ઉત્પાદન થયું છે. જેના કારણે સૌરાષ્ટ્ર વિસ્તારની વિવિધ APMCઓમાં ડુંગળીની ભારે માત્રામાં આવક થઇ છે. પરિણામે ૧ એપ્રિલથી એ.પી.એમ.સી.માં ડુંગળીનું વેચાણ ભાવ ઘટ્યું છે. પોષણક્ષમ ભાવ ન મળતાં ખેડૂતો અને ખેડૂત સંગઠનો દ્વારા ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા માટે અનેક રજૂઆતો રાજ્ય સરકારને મળી હતી. રાજ્ય સરકારે ખેડૂતો પ્રત્યે સંવેદનશીલતા દાખવતા સૌરાષ્ટ્ર વિસ્તારમાં ડુંગળી પકવતા ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવાનો મહત્ત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.

તેમણે જણાવ્યું હતું કે, વિવિધ APMCમાં ડુંગળીનું વેચાણ કરતા ખેડૂતોની દેખરેખ અને નિરિક્ષણની કામગીરી, ખેતબજાર નિયામક અને ગ્રામ્ય અર્થતંત્ર દ્વારા કરવાની રહેશે. આ યોજનાના અમલીકરણની કામગીરી જે-તે જિલ્લાની બજાર સમિતિ અને જિલ્લા રજિસ્ટ્રારે કરવાની રહેશે. ખેડૂતોના ખાતામાં DBTથી સહાય ચૂકવવામાં આવશે.

Most Popular

To Top