વર્તમાન સરકાર ઝડપથી વિકાસની જે વાતો કરે છે તે કેટલી સાચી છે તે તો પ્રજા સારી રીતે જાણે જ છે. પરંતુ,જુઠાણાં ફેલાવવામાં અને જુમલાબાજીમાં પણ રોકેટની ઝડપ ધરાવે છે તે પણ એટલું જ સાચું છે. દરેકના ખાતામાં 15 લાખ રૂપિયા આવશે. દર વર્ષે અઢી કરોડ લોકોને નોકરી મળશે. એવી જ રીતે પોતાના પક્ષની સરકારમાં પરિવારવાદ નહીં ચાલે તે પણ નર્યું જુઠ્ઠાણું છે. આજે ભાજપમાં પરિવારવાદ ફૂલ્યો-ફાલ્યો છે. અહીં ફક્ત થોડા ઉદાહરણ પ્રસ્તુત કરું છું.પિયુષ ગોયલ, અનુરાગ ઠાકુર, રાજનાથ સિંહ, ધર્મેન્દ્ર પ્રધાન, વસુંધરા રાજે, અશ્વનીકુમાર ચૌબે, નારાયણ રાણે, મેનકા ગાંધી, સંદીપ સિંહ આ તો ફક્ત કેન્દ્ર સરકારના પરિવારવાદનાં ઉદાહરણ થયાં.
ભાજપની દરેક રાજ્યમાં જયાં સરકાર છે ત્યાં નગરસેવકો,ધારાસભ્યો અને સંગઠનોના ઊંચા હોદ્દાઓના લિસ્ટ જાહેર કરવામાં આવે તો આ પેપરમાં જગ્યા ખૂટી જાય. સૌથી મોટું ઉદાહરણ તો આપણા જયભાઈ શાહનું જ લઈ શકો છો.દરેક વાતમાં આજે આ સતાધારી પક્ષ લોકોને મૂર્ખ બનાવી રહ્યો છે.કોંગ્રેસનાં પાપોથી પ્રજાને બચાવવા તમને સત્તા આપી હતી નહીં કે તમારાં પાપો સહન કરવા.આ જગતમાં ઘમંડ કોઇનો પણ લાંબા સમય સુધી નથી ટકતો એ વાત દર વખતે મનુષ્ય ભૂલી જ જાય છે.પ્રજા ચુપચાપ સહન કરે છે એનો મતલબ એ નથી કે પ્રજા ડરપોક છે. પ્રજા તો મજા જ લઈ રહી છે. ધોવાણ તો તમારું અને તમારા પક્ષનું જ થઈ રહ્યું છે.
સુરત – કિશોર પટેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
રાજકીય હોદ્દાના ઘમંડ વિના વર્તતા શીખો
20 માર્ચે સોમવાર 2023ના રોજ દશેરા ટેકરી, કોલોની વિસ્તારમાં બેસણા માટે મધ્યપ્રદેશના રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલ, નવસારી આવી ગયા. એમની સાથે ‘ના કોઈ ગુજરાતનાં’ કેન્દ્રીય મંત્રી યા રાજ્યમંત્રી દશેરા ટેકરી, કોલોની નવસારીથી એક સુધરાઈ સભ્ય તરીકે રાજકીય કારકિર્દી શરૂ કરનાર ધારાસભ્ય અને ગુજરાતના આદિજાતિ વિકાસમંત્રી અને વનમંત્રી તરીકે ફરજ બજાવી અને હાલમાં મધ્યપ્રદેશનાં રાજ્યપાલ તરીકે ખૂબ જ અગત્યની જવાબદારી સંભાળી રહ્યા છે. રાજ્યપાલશ્રી મંગુભાઈ પટેલનો સ્વભાવ દ.કોલોની વિસ્તારનાં યુવાનો માટે બહેનો-ભાઈઓ માટે કે વડીલો માટે અદ્દલ સામાન્ય માણસ જેવા બની ગયા.
પોતાના બોડીગાર્ડ કે પોલીસ કાફલાથી બહાર નીકળી, દરેક વ્યકિતને મળી તબિયતના સમાચાર અને જૂનાં મિત્રોને મળી હાથ જોડી પ્રણામ કર્યા. દરેક વ્યકિતને આટલાં વર્ષો બાદ પણ નામસહિત ઓળખી પાસે બોલાવી ખબરઅંતર પૂછવા એ કોઈ ઉચ્ચ હોદ્દો ધરાવતા વ્યકિત હમણાં તો અમારી નજરમાં જોવા નથી મળતાં. અચાનક હાથમાં ટપકી પડેલ મંત્રી પદ, આ સત્તાના નશામાં અંધ બનેલા સામાન્ય માણસની પડતી તકલીફ યા ચૂંટણી ટાણે કરેલા વાયદાઓ પ્રજાના સેવક તરીકે રહેવાનું તો દૂર, અરે પોતાના વિસ્તારમાં રાઉન્ડ મારવા પણ જાય છે ખરા? સામાન્ય માનવી પોતાનાં કામ કરાવવા એમની મુલાકાત માટે દસ આંટા મારવા પડે.
નવસારી – એન. ગરાસિયા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.