પલસાણા: કડોદરા (Kadodara) ખાતે પરિવાર સાથે રહેતી યુવતીને એક વિધર્મી યુવાન લગ્નની લાલચે ભગાડી ગયો હતો. જે અંગે યુવતીની માતાએ આ શખ્સ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં (Police Station) ફરિયાદ નોંધાવી હતી. જે વાતને લઈ આ શખ્સે યુવતીના ઘરે 20 જેટલા ગુંડા મોકલી ફરિયાદ પાછી ખેંચી લેવા દબાણ કરી જાનથી મારી નાંખવાની ધમકી (Threat) આપતાં ચકચાર મચી ગઈ છે.
- યુવતીની માતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં 20 જેટલા ગુંડા મોકલી ફરિયાદ પાછી ખેંચવા ધમકી આપી
- યુવક પર અગાઉ મર્ડરનો આરોપ હોવાથી પરિવારે ફરિયાદ નોંધાવી
પ્રાપ્ત માહિતી મુજબ પલસાણાના કડોદરા ખાતે બાલાજીનગરમાં રહેતા એક પરિવારની દીકરી સિવણ ક્લાસ કરતી હોય અને તા.2 માર્ચના રોજ સિવણ ક્લાસ પર જવાનું કહી ઘરેથી નીકળી હતી. પરંતુ તે મોડી રાત સુધી પરત ઘરે ન આવી હતી. જેથી પરિવારજનોએ તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, નઝીમ ઈસ્માઈલ ફકીર નામનો યુવાન યુવતીને લગ્નની લાલચ આપી લલચાવી ફોસલાવી ભગાડી ગયો હોય અને તે અગાઉ મર્ડરના કેસનો આરોપી હોવાથી યુવતીની માતાએ નઝીમ ફકીર વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
જે વાતની જાણ નઝીમ ફકીરને થતાં તેણે યુવતીના ઘરે 20 જેટલા ગુંડાને મોકલ્યા હતા. અને આ ઇસમોએ યુવતીના માતાપિતાને જણાવ્યું હતું કે, જો તમે નઝીમ વિરુદ્ધ ફરિયાદ કરશો નહીં અને જો ફરિયાદ કરી હોય તો પોલીસ સ્ટેશનમાં જઈ યોગ્ય લગ્ન સ્વીકાર કર્યો છે તેવી યોગ્ય જુબાની આપી લગ્નનો સ્વીકાર કરી લેવો અને પોલીસ સ્ટેશનમાં કરેલી અરજી પાછી ખેંચી લેવા કહેતા હોય અને જો આમ નહીં કરે તો તમને તમારા ઘરમાંથી ઉપાડી લઈ માર મારીશું અને જાનથી મારી નાંખવાની ધમકી આપી ચાલ્યા ગયા હતા. જેથી યુવતીની માતાએ કડોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી આ શખ્સોની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી ન્યાય માટેની માંગ કરી છે.
બલેશ્વરમાં પરિણીતાએ હેર ડાઈ પી લેતાં મોત
પલસાણા: પલસાણાના બલેશ્વર ગામે ફરહાન પાર્કમાં રહેતી 30 વર્ષીય પરિણીતાએ હેર ડાઈ પી લેતાં મોત નીપજ્યું હતું. પલસાણાના બલેશ્વર ગામની સીમમાં રિલિફ હોટલની પાછળ આવેલા ફરહાન પાર્કમાં રૂમ નં.18માં રહેતા સંતુભાઈ ઘસીતાભાઈ પ્રજાપતિ (ઉં.વ.31) જે મૂળ એમ.પી.ના વતની છે. ગતરોજ તેની પત્ની અભિલાષાએ અગમ્ય કારણસર પોતાના રૂમમાં હેર ડાઈ પી લીધી હતી. જેથી સંતુભાઈને સારવાર માટે કડોદરા ખાતે સત્યમ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં ફરજ પર હાજર તબીબે અભિલાષાને મૃત જાહેર કરી હતી. આ બનાવ અંગે પલસાણા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.