Dakshin Gujarat

આરોગ્ય સાથે ચેડાં કરનાર બે ઝોલાછાપ તબીબ વલસાડ જિલ્લામાંથી ઝડપાયા

ઉમરગામ: (Umargam) કોરોના કાળમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર વધુ બે ઝોલાછાપ તબીબો (Fake doctor) વલસાડ જિલ્લામાંથી ઝડપાઇ ગયા હતા. જેમાં ભિલાડમાં દવાખાનું ખોલી ગેરકાયદેસર તબીબી પ્રેક્ટિસ કરતા એક અને પારડીના ગોઈમા ગામમાં મેડિકલ કાઉન્સિલનું (Medical Council) પ્રમાણપત્ર મેળવ્યા વગર ડોક્ટરની પ્રેક્ટિસ કરનાર એક તબીબીને સાધનો સાથે પોલીસે પકડી પાડતા લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા બની બેઠેલા ડોક્ટરોમાં ફફડાટ મચી જવા પામ્યો હતો.

  • ભિલાડમાં દવાખાનું ખોલી ગેરકાયદે તબીબી પ્રેક્ટિસ કરતા એકની પોલીસે ધરપકડ કરી
  • પારડી તાલુકાના ગોઈમા ગામમાં ગેરકાયદે ડોક્ટરની પ્રેક્ટિસ કરનાર પકડાયો

પ્રાપ્ત પોલીસ સૂત્રો પાસેથી મળતી જાણકારી મુજબ ભીલાડ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ બી.એચ.રાઠોડને મળેલી બાતમીના આધારે અને તેમની મદદમાં મેડિકલ ઓફિસર અંકલાસના ડોક્ટર નીરવસિંહ ચૌહાણ પણ જોડાય શનિવારે ભીલાડ મચ્છી માર્કેટ પાસે ગ્રામ પંચાયત બિલ્ડીંગ નજીક આવેલા સુપર માર્કેટમાં શોપ નંબર પાંચમાં સુનીતિ નામનું ક્લિનિક ચલાવતા નિર્મલ નરેશભાઈ બાલા હાલ (રહે ભીલાડ, મૂળ રહે વેસ્ટ બંગાળ)ની પોલીસે અટક કરી હતી. તેમની પાસે ગુજરાત મેડિકલ કાઉન્સિલનું રજીસ્ટ્રેશન અંગેનું પ્રમાણપત્ર ન હતું અને લોકોના આરોગ્ય અને જિંદગી સાથે ચેડા થાય સલામતી જોખમાઈ તે રીતે બેદરકારી ભર્યું કૃત્ય આચરી ગેરકાયદેસર રીતે ડોક્ટરની પ્રેક્ટિસ કરી રહ્યો હતો. પોલીસે ઉપરોક્ત ક્લિનિકમાંથી સાધનો તથા મેડિસિન દવાઓ મળી કુલ રૂપિયા ૬૪૩૬ નો મુદ્દામાલ કબજે લઈ આઇપીસી ૩૩૬ મુજબ તથા ધી ગુજરાત મેડિકલ પ્રેક્ટિસ એકટ ૧૯૬૩ની કલમ 30, 35 મુજબનો ગુનો નોંધી ધરપકડ કરી વધુ તપાસ ભીલાડ પોલીસે હાથ ધરી હતી.

પારડીના ગોઈમાં ગામમાંથી મુન્નાભાઈ પકડાયો
પારડી : પારડી તાલુકાના ગોઈમા ગામમાં મેડિકલ કાઉન્સિલનું રજીસ્ટ્રેશન પ્રમાણપત્ર મેળવ્યા વગર ગેરકાયદે ડોક્ટરની પ્રેક્ટિસ કરનાર એક વ્યક્તિને તબીબી સાધનો સાથે પારડી પોલીસે પકડી પાડ્યો છે. ગોઈમા ગામમાં વમળ ફળિયામાં સહકારી મંડળીની સામે ગૌરાંગ ઉર્ફે મિકી દીપક કુમાર શાહ (રહે. વસીયર, એચપી પેટ્રોલ પંપની બાજુમાં)એ ગેરકાયદેસર ડોક્ટરની પ્રેક્ટિસ ચાલુ કરી જનતાના આરોગ્ય સાથે ચેડા કરતો હતો. પોલીસની રેડ દરમિયાન એલોપેથિક મેડિસિન, ઇન્જેક્શન, ટેબલેટ અને દવા તેમજ તબીબી પ્રેક્ટિસના સાધનો સાથે દર્દીઓની તપાસ કરતા પકડાઈ ગયો હતો. ઘટના અંગે મેડિકલ ઓફિસર કાકડકોપરના મેડિકલ ઓફિસર શૈલજા પટેલે પારડી પોલીસ મથકમાં ફરિયાદ આપતા પારડી પોલીસે બોગસ ડોકટરની ધરપકડ કરી હતી.

Most Popular

To Top