સુરત: સુરત (Surat) શહેર અને જિલ્લાની સરકારી તેમજ ખાનગી સહિત ગ્રાન્ટેડ સ્કૂલ્સમાં ધોરણ-૯ અને ૧૧ માં નાપાસ (Fail) થયેલા વિદ્યાર્થીઓનો (Student) રિ-ટેસ્ટ (Re-test) ૧૩મી જૂન, ૨૦૨૨થી શાળા કક્ષાએથી લેવામાં આવશે. રિ-ટેસ્ટનો કાર્યક્રમ તેમજ પ્રશ્નપત્રો શાળા કક્ષાએ તૈયાર કરવામાં આવશે.
- કોવિડ-૧૯ની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ મળેલી રજૂઆતોને પગલે સરકાર દ્વારા વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતમાં રિ-ટેસ્ટ લેવા મંજૂર
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જારી કરેલા પરિપત્ર અનુસાર કોવિડ-૧૯ની પરિસ્થિતિમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨માં ધોરણ-૯ અને ધોરણ-૧૧માં નાપાસ થયેલ વિદ્યાર્થીઓનો શાળાકક્ષાએ રિ-ટેસ્ટ લેવા બાબતે કચેરીને રજૂઆતો મળી હતી. જે અન્વયે સરકાર દ્વારા વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતમાં મંજૂરી આપવામાં આવેલ છે. જેથી શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ માટે ધોરણ-૯ અને ધોરણ-૧૧ માં નાપાસ થયેલ વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા માટે વધુ એક તક આપવામાં આવે છે. આ વિદ્યાર્થીઓનો રિ-ટેસ્ટ ૧૩મી જૂન,૨૦૨૨થી શાળાઓ ખૂલ્યા પછી શાળાકક્ષાએ લેવામાં આવશે. રિ-ટેસ્ટનો કાર્યક્રમ તેમજ પ્રશ્નપત્રો શાળાકક્ષાએ તૈયાર કરવાના રહેશે. આ અંગેની જરૂરી કાર્યવાહી જિલ્લા શિક્ષણાધિકારીને સૂચના આપવામાં આવી છે.
નર્મદ યુનિ.ની એટીકેટી અને પૂરક પરીક્ષા તા.18-27 જૂનથી બે તબક્કામાં લેવાશે
સુરત: નર્મદ યુનિ. દ્વારા એટીકેટી અને પૂરક પરીક્ષા ૧૮મી જૂન અને ૨૭મી જૂન એમ બે તબક્કામાં લેવા અંગે વેબસાઇટ ઉપર એકઝામ્સ શિડયુલ જાહેર કરી દેવામાં આવ્યું છે.
- પરીક્ષા શિડયુલ યુનિવર્સિટીની વેબસાઇટ પર મુકાયો, પરીક્ષાના ફોર્મ ભરવાની પ્રક્રિયાનો આરંભ
નર્મદ યુનિ. દ્વારા ગત ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ અને મેના ચાર મહિનામાં સ્નાતક અને અનુસ્નાતકના વિવિધ અભ્યાસક્રમોની ઓનલાઇન પરીક્ષા લેવામાં આવી છે. આ પરીક્ષામાં જે વિદ્યાર્થીઓ ગેરહાજર હોય કે કોઇ ટેક્નિકલ કારણથી પરીક્ષા આપી શકયા ના હોય કે પછી પરીક્ષા આપી હોય અને અસફળ રહ્યા હોય, તો તેવા વિદ્યાર્થીઓ માટે એટીકેટી કે પૂરક પરીક્ષા લેવાની હતી. આ અંગે ઉમેદવારો લાંબા સમયથી રાહ જોતા હતા. તેમની આ આતુરતાનો આજે અંત આવી ગયો છે. યુનિ.એ આ માટે શિડયુલ રેડી કરી દઇ એકઝામ્સ ફોર્મ ભરવા માટે ડેડલાઇન પણ આપી દીધી છે.
યુનિ.ના પરીક્ષા વિભાગ તરફથી જાહેર કરાયેલા પ્રોગ્રામ મુજબ આગામી ૧૮મી જૂન તથા ૨૭મી જૂન, એમ બે તબક્કામાં અનુક્રમે સેમેસ્ટર-૧,૩ અને ૫ તથા સેમેસ્ટર-૨ અને ૪ ની બી.એ, બી.કોમ, બી.એસસી, બીબીએ, બીસીએ તથા એમએ, એમકોમની એટીકેટી અને પૂરક પરીક્ષા લેવામાં આવશે. વિદ્યાર્થીઓના ફોર્મ ભરવાની પ્રક્રિયા કોલેજ કક્ષાએ ચાલુ છે. પરીક્ષાના સમય પત્રક યુનિવર્સિટીની વેબસાઇટ પર મૂકવામાં આવ્યા છે. ઓનલાઇન એમસીકયુ બેઝ્ડ પરીક્ષાના નિયમો મુજબ વિદ્યાર્થીએ પરીક્ષા શરૂ થયા પછી મોડામાં મોડુ ૨૦ મિનિટ સુધી પ્રથમ લોગ-ઈન કરી શકાશે અને તેટલો સમય પરીક્ષામાં ઓછા મળશે. ત્યાર પછી ફ્રેશ લોગ-ઈન થઇ શકશે નહીં. વિદ્યાર્થીએ પરીક્ષાના ૩૦ મિનિટ પહેલા કોલેજ પર ફરજિયાત હાજર રહી પરીક્ષા આપવાની રહેશે.