Columns

ફાગણ તારાં નખરા ભારી..!

ફાગણ પણ નખરાળી વહુ જેવો. જેવો ફાગણ બેસે  ને, બરડામાં બરફ ભરાણો હોય એમ, શરીરે ગુદગુદી થવા માંડે. દર્દી વેન્ટીલેટર ઉપર હોય તો, નળા-નળી છોડીને ભાંગડા કરવા લાગી જાય એવો ફાગણ..! ‘નંદ ઘર આનંદ ભયો’ ની માફક ચારેય કોર લીલાલહેર..! બંસરીના નાદ સંભળાય, પણ કૃષ્ણ ક્યાંય નહિ દેખાય..! ઠેર ઠેર પ્રકૃતિની ભરમાર..! ઉકરડે ફાલેલો કેસુડો જોઇને તો એમ જ લાગે કે, આ ઉકરડો નથી, વ્રજ વૃંદાવન અને ગોકુળની ધરતીમાં છીએ. ચારેય બાજુ કેસરિયો જ કેસરિયો..! એક બાજુ યુક્રેન સાથે રશિયો ફાટે, ને બીજીબાજુ કેસરિયો મઘે..! ઝાડવે-ઝાડવે ફટકેલો કેસુડો જોઇને મરું-મરું થતાં જીવમાં પણ જાન આવી જાય. આનંદની લ્હેરખી તો એવી ફરી વળે કે, એકાદ મોતી માટે જેમણે દરિયામાં ડૂબકી મારી હોય, એને આખો ખજાનો હાથમાં આવી જાય.

સારું છે કે, ફાગણની ફોરમ મફતમાં મળે છે, ઘોર તપસ્યા કરવાની સમસ્યા આવતી નથી. ઝાડવે-ઝાડવે કેસુડાં સાદ પાડીને કહેતાં હોય કે, તું જેને શોધે છે એ ઈશ્વર તો અમારી કેઈડમાં છે..! વનરાવન મઘમઘ થાતું હોય, કોયલડું સુરાવલિ ની તાન છેડીને છડી પુકારતું હોય, શિયાળવા પીઠી ચોળીને મોડબંધાની માફક મહાલતા હોય, ત્યારે તો એમ જ લાગે કે, સ્વર્ગને પ્રકૃતિએ પકડી રાખ્યું છે. ફાગણ નશીલો છે. નાગણ જેવો ફાગણ આજે મારી અડફટમાં આવી ગયો. એની જાહોજલાલી જોઇને તો એમ થાય કે, ધરતી પર રહેવાનો વિઝા થોડોક લંબાઈ તો સારું..! આ પ્રકૃતિ પણ ગર્લફ્રેન્ડ જેવી છે. સમય પ્રમાણે ખીલે..! સૌની ગર્લફ્રેન્ડ ભલે રૂપાળી  હોય, પણ ફાગણના સ્વરૂપ આગળ એના રૂપનું પાંચિયું પણ નહિ આવે. ઘરમાં પોતાં મારવા પણ કામ નહિ આવે..!

ગર્લફ્રેન્ડ માટે વાપરેલો ‘ડાર્લિગ-જાનુ-સ્વીટ-હાર્ટ કે પ્રિયે’  જેવાં ગોલ્ડન વિશેષણો નાહકના વેડફી નાંખ્યા હોય એવું ફિલ થાય. યાર, ફાગણ એટલે મૌજનો મહિનો. જે મૌજ ફાગણમાં આવે, એવી ફાલ્ગુની નક્ષત્રમાં પણ નહિ આવે. એટલે તો દેવોના દેવ મહાદેવ મહાશિવરાત્રીએ આવે ત્યારે જોડે ફાગણને પણ લાવે. ચોમાસાની વાછટ પણ આમ તો સરસ. બધું  હરિયાળું લાગે, પણ પલળવાનું વધારે આવે. શિયાળો પણ સરસ, પણ એમાં ગુલાબી ઠંડી મળી તો ઠીક, નહિ તો થથરવાનું વધારે આવે. ઉનાળાની તો વાત જ નોખી, ચાર ગ્લાસ પાણી પીઈએ એમાં બાર ગ્લાસનો તો પરસેવો ફેકવાનો..! ભીન્નાવી નાંખે મામૂ..! ત્યારે ફાગણની ફોરમમાં તો ગમતાનો ગુલાલ જ કરવાનો..! જે ઋતુમાં રાજા જેવો વસંતરાજા સિંહાસન શોભાવીને  બેઠો હોય, એમાં ઝૂરવાનું કે મૂંઝાવાનું આવે જ ક્યાંથી..? 

જેમાં રંગ છે, વ્યંગ છે, મસ્તી છે, બહાર છે, ને પ્રીયાંસ-પ્રિયંકાના ઉમળકા છે. પ્રેમઘેલાઓ કાગને બદલે કોયલ-ડોળે રાહ જોતી હોય, એ ફાગણ સામાન્ય થોડો હોય..? અસામાન્ય જ હોય..!  આધ્યાત્મિક ભાવ સાથે જોડાયેલો ફાગણ બેસે, એટલે પૂનમની સાક્ષીમાં હોળી પ્રગટે,  ને બીજા દિવસે ધૂળેટી..!  પ્રણયગીતો વાતાવરણને મઘમઘતા કરવા જ માંડે કે, ” રંગી સારી ગુલાબી ચુનરિયા રે, મોહે મારે નજરિયા સાંવરિયા રે…!” ધૂળેટી આવે, ને રંગ પંચમી સુધી રંગોત્સવ મનાવીને શરીરનું કલરકામ કરી નાંખે. જેમણે વર્ષો પહેલાં લગનની કંઠી બાંધી હશે, એમને ખ્યાલ હશે કે, પરણીને જાન પાછી વળે ત્યારે, નવવધૂ સાથે એક કુરેલી આવતી. કેમ આવતી, એનો શાસ્ત્રોક્ત મહિમા તો મારો રતનજી જાણે..! પણ મોકલતા ખરા. ભલે વરરાજાને કબાબમાં હડ્ડી જેવું લાગતું..! આ તો ગમ્મત કરું કે, આ ધૂળેટી પણ હોળી સાથે આવેલી કુરેલી જેવી છે..! ધૂળેટી એટલે મસ્તીનો તહેવાર..!

એકબીજાનું કલરકામ કામ કરવાનો તહેવાર..!  આનંદ અને ઉન્માદમાં એવાં રંગાય જાય કે, પોતાનું ફરજંદ પોતાના માલિકને નહિ ઓળખાય. બધાં ચૂંટણી-કાર્ડમાં છપાતા ફોટા જેવાં જ લાગે..! એવાં કાળીયા ભૂત જેવાં થઇ જાય કે, ‘કાળા-ગોરા’ નો ભેદ જાણે નાબુદ થઇ ગયો હોય એવું લાગે. દેવોના દેવ મહાદેવની જાનમાં બધાં મ્હાલતા હોય એવાં ભૂતનાથ બનીને જ ફરતા હોય. સોળેક છોકરાને નવડાવીએ ત્યારે માંડ પોતાનું કલેળુ ઓળખવા મળે, તે પણ શરીર ઉપરથી તો નહિ જ, પહેરેલી ચડ્ડી ઉપરથી ઓળખાય..! પોતાનું જ પાર્સલ પોતાનાથી નહિ ઓળખાય, એનું નામ ધૂળેટી..! રંગારો હોય કે, કે રંગારી  હોય, ધુળેટી તહેવાર જ એવો કે, રંગાઈને બધાં જ  ‘ચકાચક’  થઇ જાય..! મન મૂકીને વરસવાની તક મળે પછી કંઈ કસર રાખે..? રંગાયેલાને જુઓ તો  માણસ તો દેખાય જ નહિ, ડામરના પીપળા જ લાગે. અમુકની તો આંખ જ પપલે..! અંધારામાં આગિયા પપલતા હોય એવું લાગે..!

વિચાર કરો કે આવી હાલતમાં રાતે સામે મળે તો, ભલભલાની કબજીયાત મટી જાય..! એમાં ચમનિયાનું ચોંચું એટલે ભારે હુલ્લડી, દોસ્ત..!  સુતેલાનાં કાનમાં પિચકારી મારી આવે તેવું .! કોઈને ઠેકાણે પાડવો હોય તો લોકો એને ભાડે કરી જાય.!  જાણીને આંચકો આવશે કે, આખું ગામ એની સાથે ભણી ગયેલું. કોઈ આળસુ હોય તો જ બાકી રહેલો હશે. સૌથી વધારે ભણેલાની યાદીમાં એનું નામ આજે પણ મોખરે છે. કોઈ ધોરણ એવું નહિ હોય કે, જેમાં બબ્બે-ત્રણ-ત્રણ વર્ષ કાઢ્યા ના હોય..! નહિ તો એ ધોરણનો પીછો મુકે, ક્યાં તો ધોરણ એનો પીછો નહિ મૂકે..! આવાં ધંતુરાના હાથમાં ‘ધુળેટી’ ની પિચકારી આવે પછી કંઈ બાકી રહે..?  લોકોના ઓટલે મુકેલા બાંકડા પણ હોળીની રાતે જીવતા નહિ રહે,  સ્વાહા થઇ જાય. આજુબાજુવાળા તો અગમચેતી વાપરીને વગર વરસાદે ધુળેટીના દિવસે રેઈનકોટ ચઢાવીને બેસે. એની ચીચયારી પણ ભારી, ને એની પિચકારી પણ ભારી..! ફાગણની તો વાત જ નોખી..!

ચમનીયો હજી સંશોધન કરે છે કે, મારા લગન હોળી-ધુળેટીમાં નહિ થયેલા હોવાં છતાં, મારું જ ‘ચોંચું’ આવું કેમ.? ‘મને કહે, “ રમેશીયા….! લોકોને તો બાર મહીને એક હોળી આવે, મારે તો બારેય દિવસની હોળી છે બોલ્લો..! પાદરની સળગતી હોળી પોષાય, પણ ચોંચું જેવાં હોળીધર નહિ પોષાય..! મારી માફક આવી તો ઘર-ઘર ઘર ઘર હોળી સળગતી હશે. પણ આપણી જ શાંત ના પડતી હોય તો બીજાની જોવા ક્યાંથી જઈએ..?

લાસ્ટ ધ બોલ
કહેવાય છે કે,  લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખ્યા મરતા નથી. શ્રીશ્રી ભગાએ બદામ વેચવાનો ધંધો ‘સ્ટાર્ટ’ કર્યો.
એક ભાઈએ પૂછ્યું કે, આ બદામ ખાવાથી ફાયદો શું થાય..?
મગજ તેજ બને.
કેવી રીતે
શ્રીશ્રી ભગો કહે સમજાવું. ૧ કિલો ચોખામાં, ચોખાના દાણા કેટલાં આવે..? ખબર નહિ..!
તો તારે બદામ ખાવાની ખાસ જરૂર છે. લે આ પાંચ બદામ ખાય જા. હવે બોલ, ૧ ડઝન કેળામાં કુલ કેટલાં કેળાં આવે?
બાર..! જોયું..? પાંચ બદામ ખાધી એમાં ફાયદો પડ્યો ને..?
હા, યાર..! ચાલ, બે કિલો બદામ બાંધી જ  દે..!
એના કપાળમાં કાંદા ફોડું…!
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top