રવિવારે આરએસએસના મુખ્યાલયની મુલાકાત બાદથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નિવૃત્તિની ચર્ચા ઉઠી છે. આજે સોમવારે સવારે ઉદ્ધવ ઠાકરેની શિવસેના જૂથના નેતા સંજય રાઉતના નિવેદન બાદ રાજકારણ ગરમાયું છે. સંજય રાઉતે કહ્યું કે, મોદીનો રિટાયરમેન્ટ પ્લાન તૈયાર થઈ ગયો છે. જોકે, હવે રાઉતના નિવેદન પર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જવાબ આપ્યો છે.
શિવસેના (ઉબાથા) ના નેતા સંજય રાઉતે દાવો કર્યો હતો કે મોદી રવિવારે નાગપુર ગયા હતા જેથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના વડા મોહન ભાગવતને સંદેશ આપી શકે કે તેઓ નિવૃત્ત થઈ રહ્યા છે. સોમવારે પત્રકારો સાથે વાત કરતા રાઉતે દાવો કર્યો હતો કે RSS દેશમાં રાજકીય નેતૃત્વમાં પરિવર્તન ઇચ્છે છે. રાઉતે કહ્યું હતું કે મોદીના ઉત્તરાધિકારી મહારાષ્ટ્રમાંથી આવશે.
આ અંગે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું, આપણી સંસ્કૃતિમાં જ્યારે પિતા જીવિત હોય છે, ત્યારે ઉત્તરાધિકાર વિશે વાત કરવી અયોગ્ય માનવામાં આવે છે. તે (આપણે જેની વાત કરી રહ્યા છીએ) મુઘલ સંસ્કૃતિ છે. તેની ચર્ચા કરવાનો હજુ સમય આવ્યો નથી. ફડણવીસે પત્રકારોને કહ્યું, આગામી ચૂંટણી (2029) માં પણ આપણે મોદીને ફરીથી વડા પ્રધાન તરીકે જોઈશું.
ફડણવીસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ઉત્તરાધિકારી અંગેની અટકળોને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે મોદી આવનારા ઘણા વર્ષો સુધી દેશનું નેતૃત્વ કરતા રહેશે. મુખ્યમંત્રી ફડણવીસ શિવસેનાના દિગ્ગજ નેતા સંજય રાઉતના દાવા પર વળતો પ્રહાર કરતાં કહ્યું કે વડા પ્રધાન (જે 17 સપ્ટેમ્બરે 75 વર્ષના થશે) આ વર્ષે રાજીનામું આપશે કારણ કે શાસક પક્ષના અઘોષિત નિયમ મુજબ તેમનાથી મોટી ઉંમરના પક્ષના નેતાઓ મંત્રી પદ સંભાળી શકતા નથી.

પાર્ટી કહે છે કે આવો કોઈ નિયમ અસ્તિત્વમાં નથી અને કેન્દ્રીય મંત્રીમંડળમાં ઓછામાં ઓછો એક સભ્ય એવો છે જે આ વય મર્યાદાથી ઉપર છે. બિહારના નેતા 80 વર્ષીય જીતન રામ માંઝી સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રી છે. પીએમ મોદી સહિત કેટલાક અન્ય નેતાઓ પણ 75 વર્ષના થવાના છે.
નાગપુરમાં પત્રકારો સાથે વાત કરતી વખતે RSS ના વરિષ્ઠ નેતા સુરેશ ભૈયાજી જોશીએ પણ કહ્યું કે તેમને વડા પ્રધાનના નિવૃત્તિ લેવા અંગે કોઈ ચર્ચાની જાણ નથી. ફડણવીસે કહ્યું તેમના ઉત્તરાધિકારીની શોધ કરવાની કોઈ જરૂર નથી. તેઓ (મોદી) અમારા નેતા છે અને પદ પર રહેશે. મુખ્યમંત્રીએ કહ્યું કે ભારતીય સંસ્કૃતિમાં નેતા સક્રિય હોય ત્યારે ઉત્તરાધિકારની ચર્ચા કરવી અયોગ્ય છે.
ફડણવીસે શું કહ્યું?
ના, આવો કોઈ પ્રશ્ન જ નથી. તેમના (વડા પ્રધાન નરેન્દ્ર મોદીના) ઉત્તરાધિકારીને શોધવાની કોઈ જરૂર નથી. તેઓ અમારા નેતા છે અને વડા પ્રધાન પદ પર રહેશે.
