Columns

ભારતમાં કોમી ધિક્કાર ફેલાવવામાં ફેસબુકે સક્રિય ભૂમિકા ભજવી હતી

ફેસબુક, વ્હોટ્સ એપ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર જેવા સોશ્યલ મીડિયા હવે બહુ ઝડપથી એન્ટી સોશ્યલ મીડિયા બની રહ્યાં છે. દુનિયાનાં કરોડો લોકો આ મીડિયા પર પોતાના અબજો કલાકો ગાળે છે. તેને કારણે જનતાના વિચારો ઘડવામાં આ માધ્યમો મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. સોશ્યલ મીડિયામાં સારા વિચારોનો ધોધ વહે છે તેમ ખરાબ વિચારો પણ પદ્ધતિસર રીતે ફેલાવવામાં આવે છે. તેમાં સેક્સ અને હિંસાના ઘોડાપૂર હોય છે. સોશ્યલ મીડિયામાં ઘણા ઓપરેટરો પોર્નોગ્રાફીનો પ્રચાર કરે છે તો કેટલાક લોકો કોમી લાગણીને ઉશ્કેરીને સમાજમાં ભાગલા પાડવાનું કામ કરે છે.

કટ્ટર મુસ્લિમ કે કટ્ટર હિન્દુ વિચારધારાનો પ્રચાર કરનારા અનેક નેટવર્ક સોશ્યલ મીડિયામાં અસ્તિત્વ ધરાવે છે. સમાજમાં ધિક્કારનો પ્રચાર કરતાં આવાં કોઈ પણ નેટવર્કને પ્રતિબંધિત કરવાની નીતિ અને યંત્રણા સોશ્યલ મીડિયા દ્વારા ઘડવામાં આવી છે, પણ તેનો ઉપયોગ ચાલાકીથી કરવામાં આવે છે. દાખલા તરીકે ભારતમાં સત્તાધારી પક્ષની નજીક રહેલાં લોકો મુસ્લિમો માટે ધિક્કાર ફેલાવતાં હોય તો તેમના પ્રત્યે આંખ આડા કાન કરવામાં આવે છે, કારણ કે તેમના થકી ભારતમાં કરોડો રૂપિયાની કમાણી થાય છે. ફેસબુકમાં જ કામ કરતાં કેટલાક ભૂતપૂર્વ કર્મચારીઓએ ફેસબુકની આ નીતિનો પર્દાફાશ કરતાં સનસનાટી મચી ગઈ છે.

ફ્રાન્સિસ હુગેન નામની મહિલા બે વર્ષ માટે ફેસબુકમાં પ્રોડક્ટ મેનેજર તરીકે નોકરી કરતી હતી. ૨૦૧૯ માં તે ફેસબુકની સિવિક ઇન્ટિગ્રિટી ટીમમાં જોડાઇ હતી, જેનું કામ દુનિયાભરમાં થતી ચૂંટણીઓમાં સોશ્યલ મીડિયાના હસ્તક્ષેપ પર નજર રાખવાનું હતું. ૨૦૨૦ માં અમેરિકાના પ્રમુખની ચૂંટણી પછી આ ટીમને જ વિખેરી કાઢવામાં આવી હતી. ફ્રાન્સિસ હુગેને ફેસબુકના કેટલાક ગુપ્ત દસ્તાવેજો પ્રગટ કર્યા છે, જેના પરથી ખ્યાલ આવે છે કે ફેસબુક જાહેર શાંતિ કરતાં નફાને વધુ પસંદ કરે છે. ફ્રાન્સિસે અમેરિકાની સંસદ સમક્ષની જુબાનીમાં ઘણી સ્ફોટક વાતો કરી છે.

ફ્રાન્સિસ હુગેને અમેરિકાની સેનેટ સમક્ષ જે જુબાની આપી તેમાં ભારતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેના કહેવા મુજબ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ભારતમાં મુસ્લિમો માટે ધિક્કાર અને તિરસ્કાર પેદા કરવા માટે અનેક જૂથો અને નેટવર્કો બનાવવામાં આવ્યાં હતાં. ફેસબુકને તેની બરાબર ખબર હતી, પણ મુસ્લિમવિરોધી જૂથો ભારતના શાસક પક્ષની નજીક હોવાથી તેના પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો નહોતો. ફેસબુકના એક ગુપ્ત દસ્તાવેજમાં કહેવામાં આવ્યું હતું કે કેટલાક કટ્ટર હિન્દુત્વવાદી જૂથો મુસ્લિમોની સરખામણી ડુક્કર અને કૂતરા સાથે કરતા હતા. તેઓ એવો પ્રચાર કરતા હતા કે કુરાનમાં મુસ્લિમોને તેમનાં ઘરનાં સ્ત્રી સભ્યો પર બળાત્કાર કરવાનો ઉપદેશ આપવામાં આવ્યો છે.

દસ્તાવેજમાં જણાવ્યા મુજબ આવો ધિક્કાર ફેલાવતાં જૂથો સામે કોઈ પગલાં લેવામાં આવ્યાં નહોતાં, કારણ કે ફેસબુક પાસે હિન્દી અને બંગાળી ભાષામાં હેટ સ્પીચને ઓળખી શકે તેવું અલ્ગોરિધમ  જ નહોતું. ફ્રાન્સિસ હુગેને તેના વકીલની મદદથી યુએસ સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ કમિશન સમક્ષ ઓછામાં ઓછી આઠ ફરિયાદો દાખલ કરી છે. તેમાંની ચાર ફરિયાદો ભારતને લગતી છે. તેણે ફેસબુકની નોકરી છોડતાં પહેલાં તેના હજારો ગુપ્ત દસ્તાવેજોની નકલ કરી લીધી હતી. હુગેનના જણાવ્યા મુજબ ફેસબુકે ભારતને ટાયર-૦ જૂથમાં રાખ્યું છે. તેનો અર્થ થાય છે કે ચૂંટણી દરમિયાન ભારતને સર્વોચ્ચ પ્રાધાન્ય આપવામાં આવશે. ભારત ઉપરાંત કેવળ અમેરિકાનો અને બ્રાઝિલ જેવા દેશોનો જ સમાવેશ ટાયર-૦ જૂથમાં કરવામાં આવ્યો છે.

ભારતમાં ૨૦૧૯ ના ડિસેમ્બરમાં સીએએ સામેના વિરોધ પ્રદર્શનો જોરમાં ચાલી રહ્યાં હતાં ત્યારે ફેસબુક પર મુસ્લિમવિરોધી પ્રચાર પણ જોરમાં ચાલી રહ્યો હતો. ભારતની કોમી શાંતિને ખતમ કરવામાં આ સંદેશાઓએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ૨૦૧૯ ના ડિસેમ્બર પછી ફેસબુક પર મુસ્લિમવિરોધી હેટ સ્પીચમાં ૩૦૦ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. તેને કારણે દેશમાં કોમી ધિક્કારનું વાતાવરણ પેદા થયું હતું અને દિલ્હીમાં રમખાણો પણ થયાં હતાં. તેને પગલે દિલ્હી વિધાનસભાની શાંતિ સમિતિ દ્વારા ફેસબુકના મેનેજિંગ ડાયરેક્ટર અજિત મોહનને સમન્સ પાઠવવામાં આવ્યા હતા, પણ તેઓ હાજર થયા નહોતા. સમિતિને સહકાર આપવાને બદલે ફેસબુકે તેના સમન્સને અદાલતમાં પડકાર્યું હતું. તેણે દાવો કર્યો હતો કે સમિતિને ફેસબુકના ટોચના અધિકારી પાસેથી ખુલાસો માગવાનો કોઈ અધિકાર નથી. તાજેતરમાં સુપ્રિમ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે સમિતિ તેમને બોલાવી શકે છે, પણ તમામ જવાબો આપવા મજબૂર કરી શકતી નથી.

વોલ સ્ટ્રીટ જર્નલના હેવાલ મુજબ ફેસબુક ઇન્ડિયાના પબ્લિક પોલિસી વિભાગના વડા અંખી દાસ પર આક્ષેપ કરવામાં આવ્યો હતો કે તેઓ ધિક્કારપ્રેરક સંદેશાઓ ફેલાવતાં જૂથોનો બચાવ કરે છે. ફેસબુકે ત્યારે તે આક્ષેપોને નકારી કાઢ્યા હતા, પણ થોડા સમય પછી અંખી દાસને પોતાના હોદ્દા પરથી રાજીનામું આપવાની ફરજ પાડવામાં આવી હતી. ફેસબુકના ભૂતપૂર્વ પ્રોડક્ટ મેનેજર ફ્રાન્સિસ હુગેનના કહેવા મુજબ ફેસબુકના માલિક માર્ક ઝુકરબર્ગને આ બધી બાબતોની જાણ છે. કોઈ વાત તેમના ધ્યાન બહાર નથી, પણ તેઓ કોઈને જવાબ આપવા બંધાયેલા નથી.

ફ્રાન્સિસ હુગેન પછી હવે ફેસબુકમાં ડેટા એનાલિસ્ટ તરીકે નોકરી કરનારી ભૂતપૂર્વ મહિલા કર્મચારી સોફી ઝાંગ પણ ફેસબુકનો ભાંડો ફોડવા મેદાનમાં આવી ગઈ છે. તેના કહેવા મુજબ ૨૦૨૦ ની દિલ્હી વિધાનસભાની ચૂંટણી દરમિયાન ફેસબુકના ધ્યાન પર ચાર નકલી ખાતાંઓ આવ્યાં હતાં, જેમાંના બે કોંગ્રેસ સાથે જોડાયેલાં હતાં અને બે ભાજપ સાથે જોડાયેલાં હતાં. સોફીએ તાત્કાલિન કોંગ્રેસ સાથે જોડાયેલાં બે ખાતાંઓ અને ભાજપ સાથે જોડાયેલું એક ખાતું બંધ કરી દીધું હતું.

તે ચોથું ખાતું પણ બંધ કરવા જતી હતી, પણ તેને રોકવામાં આવી હતી. તેને પાછળથી ખબર પડી હતી કે તે ચોથું ખાતું ભાજપના એક સંસદસભ્યનું હતું. ફેસબુક ભારતના શાસક પક્ષને ખુશ રાખવા માગતું હતું, માટે ભાજપ સાથે સંબંધ ધરાવતું ખાતું ચાલુ રાખવામાં આવ્યું હતું. સોફીના કહેવા મુજબ પાંચમું ખાતું આમ આદમી પાર્ટી સાથે જોડાયેલું હતું. તેમાં હજારો લોકો જોડાયેલાં હોવાથી તેને બંધ કરી દેવામાં આવ્યું હતું. સોફી ઝાંગ કહે છે કે જો કંપની દ્વારા શાસક પક્ષ માટે એક નિયમ હોય અને વિરોધ પક્ષ માટે બીજો નિયમ હોય તો દેશમાં લોકશાહી બચી શકતી નથી.

ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ, ટ્વિટર જેવી કંપનીઓ કંઈ લોકોની સેવા કરવા માટે કામ નથી કરી રહી, પણ ધંધાદારી કંપનીઓ છે. જો કોમી લાગણી ભડકાવતા કે બિભત્સતા ફેલાવતા સંદેશાઓ દ્વારા તેમનો ટી.આર.પી. વધતો હોય તો તેને કારણે તેમની કમાણી પણ વધે છે. તેની સામે સમાજની સ્વસ્થતા પર કુઠરાઘાત થતો હોય તો તેમને કોઈ ફરક પડતો નથી. તેમને સમાજના હિતની નહીં, પણ પોતાના નફાની પડી છે. સોશ્યલ મીડિયા કંપનીઓ એવી પાવરફુલ બની ગઈ છે કે દેશની સરકારોને પણ ગણકારતી નથી. અમેરિકાની ચૂંટણી દરમિયાન ટ્વિટરે તત્કાલીન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું અકાઉન્ટ પણ બ્લોક કરી દીધું હતું. આ કંપનીઓ દેશની સુરક્ષા માટે પણ જોખમી છે. ભારતમાં સોશ્યલ મીડિયા શાસક પક્ષની તરફેણમાં હોવાથી તેને મોકળું મેદાન મળી ગયું છે.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top