૧લી, માર્ચની રવિવારીય પૂર્તિમાં પ્રસિદ્ધ એક લેખ ‘ ખોવાઈ છે અલ્પવિરામવાળી જિંદગી ! ‘ વાંચ્યો. આ લેખ વાંચનાર દરેકે કદાચ મારી જેમ મહેસુસ કર્યું જ હશે કે લેખકે કહેલી વાત સર્વથા યોગ્ય છે.જિંદગીમાં અલ્પવિરામ લેવાનો એટલે જીવન સફરમાં વચ્ચે થોડું અટકીને શાંતિ લેવી .આજે આપણે કેટલી ફાસ્ટ લાઇફ જીવીએ છીએ !
બધું જ અતિશય ! અતિશય ઉધામા, અતિશય ખરીદી ,અતિશય સોશ્યલ મીડિયાનો ઉપયોગ અને અતિશય વ્યસ્તતા. આપણે.એ ભૂલી ગયા છીએ કે ‘ અતિ સર્વત્ર વર્જયતે ‘. આ ફાસ્ટ લાઇફમાં ઘડિયાળના કાંટાની સાથે સતત કંઈક મેળવવાની લ્હાયમાં આંધળી દોટે દોડી જ રહ્યા છીએ. કોઈનેય જાણે કે પાછું વળીને જોવાનો અવકાશ જ નથી !
જો તે દોડે નહિ તો જિંદગીની રેસ હારી જશે અને જિંદગીમાં પૂર્ણવિરામ મૂકાઇ જશે એવા ડરથી અલ્પવિરામ કેવો ? એમ વિચારીને ભોગવાદી સંસ્કૃત્તિનો હાથો બનીને બસ ભાગ્ય જ કરે છે. આ ફાસ્ટ લાઇફનું પરિણામ એટલે જ માનસિક તણાવ , હાઈ બ્લડપ્રેશર જેવા અસાધ્ય રોગો કે જે આપણી જિંદગીને ફાસ્ટ પૂર્ણવિરામ તરફ ધકેલી રહ્યા છે.
દરેકે વિચારવું જોઈએ કે છેલ્લે ક્યારે અને કેટલો સમય આકાશને અનિમેષ નજરે જોયું હતું ? ઊગતા સૂરજને અને ઢળતા સૂરજની સુંદરતાને પેટ ભરી ને માણી હતી ?અરે, વિચારવાનો સમય જ ક્યાં છે ? લેખકે ખૂબ સારી રીતે સમજાવ્યું છે કે ઝડપ નહિ એનો મતલબ ગોકળગાયની ગતિથી કામ કરવું એવો નથી ,પરંતુ ધીમી ગતિથી કામ કરવું એટલે કોઈ પણ કામની મજા લઇ તેની ગુણવત્તા પર ભાર આપવો તે છે.
જિંદગીની ખરી મજા ઝડપથી દોડવા કરતા તેને માણવામાં છે માટે જરૂરી છે જિંદગી માં વચ્ચે જરૂરી અલ્પવિરામ લેવાનો.
સુરત -ભાવના વિમલ ઉપાધ્યાય – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.