Entertainment

એકસ્ટ્રામાંથી એકસ્ટ્રા ઓર્ડીનરી નિર્માતા-દિગ્દર્શક

મહેબૂબ ખાનને આપણે આપણા ગૌરવ માટે ગુજરાતી તરીકે ઓળખાવીએ છીએ પણ તેઓ મુંબઇ અને હિન્દી ફિલ્મોદ્યોગનું સંતાન હતા. જેમ વિજય ભટ્ટ, ચંદુલાલ શાહ, ચીમનલાલ દેસાઇ (સાગર મુવીટોનવાળા) યા નાનાભાઇ ભટ્ટ કે સોહરાબ મોદી, મનમોહન દેસાઇ, મહેશ ભટ્ટ સુધીના સહુને મર્યાદિત અર્થમાં જ ગુજરાતી ગણી શકાય એવું મહેબૂબ ખાન વિશે કહેવું જોઇએ. સંજીવકુમાર કે નિરુપારોય યા આશા પારેખ, બિન્દુ પણ ગુજરાતી માતા પિતા હોવાને કારણે ગુજરાતી છે, બાકી નથી. મહેબૂબ ખાનનો ફિલ્મ સાથે પહેલો પરિચય 1929માં થયો જયારે અરદેશર ઇરાનીના ઇમ્પિરિયલ સ્ટૂડિયોની ફિલ્મ ‘શીરીં ખૂરરુ’ના શૂટિંગ માટે દિગ્દર્શક આર.એસ.ચૌધરી ધરમપુર આવ્યા હતા.

ધરમપુરના રાજા ફિલ્મના માધ્યમથી આકર્ષાયેલા હતા અને શૂટિંગ માટે તેઓ પોતાના રાજમહેલનું ગ્રાઉન્ડ, ઘોડા વગેરે આપતા. આર.એસ.ચૌધરી એક એવા ઘોડેસવારને શોધી રહ્યા હતા જે સારી રીતે ઘોડેસવારી કરી શકે. તેમણે એકસ્ટ્રા તરીકે કામ કરવા ઊભેલા જુવાનીયાઓ તરફ નજર કરી અને તેમાં એક બરાબર લાગતા બૂમ લગાડી, ‘એ લડકે તેરા નામ કયા હે?’ પેલો જુવાન બોલ્યો, ‘મહેબૂબ’, ‘તુમ યે ઘોડે કી સવારી કર સકેગા?’ ‘બિલકુલ કરેગા’ અને તે કુદીને ઘોડા પર બેસી ગયો અને દિગ્દર્શકે ‘સ્ટાર્ટ… કેમેરા… એકશન!’ કહ્યું. ઘોડો ઝડપભેર કેમેરા તરફ દોડયો અને એકદમ નજીક આવી ગયો. ‘કટ… કટ’ની બૂમ પડી.

આ દૃશ્ય મુંબઇમાં જયારે અરદેશર ઇરાની જોતા હતા ત્યારે અચાનક પૂછયું, ‘કૌન છે આ છોકરો?’ આર.એસ.ચૌધરી બોલ્યા, ‘એ મહેબૂબ છે. આપનો દોસ્ત ઇસ્માઇલભાઇ કે જે રેલવેનો ગાર્ડ છે તે આપણી પાસે આને લઇને આવ્યો હતો.’ આ વાત ગુજરાતીમાં જ ચાલી હતી. ઇરાની બોલ્યા, ‘એને બોલાવો’ અને મહેબૂબ ખાન હાજર થયા. ‘સલામ, શેઠજી!’ ઇરાનીએ ચૌધરી તરફ જોઇને પૂછયું, ‘આપણે આને કેટલા રૂપિયા આપીએ છીએ?’ ‘30 “ શેઠજી’. ‘આ મહિનાથી તેમના 10 “ વધારી દો.’

1 જાન્યુઆરી 1906માં વડોદરાના (કાશીપુરા) સરારમાં જન્મેલા મહેબૂબ ત્યારે માંડ 23 વર્ષના હતા. ઘોડાના સવાર તરીકે શરૂઆત કરનારા મહેબૂબ પછી ખરા અર્થમાં ઘોડા પરથી ઊતર્યા નથી. હકીકતે તેઓ 16મા વર્ષે જ મુંબઇ ભાગી આવેલા પણ કુંટુંબવાળા તેમને પાછા લઇ ગયેલા. મહેબૂબ ખાનના દાદા જમાદાર ને પિતાજી પોલીસ હતા અને વડોદરા રાજયમાં નોકરી કરતા હતા. મહેબૂબ મુંબઇ આવી ઇમ્પિરિયલના દરવાજે અંદર ઘૂસવા વિનંતી કરતા તો ત્યાંનો બહેરામશાહ નામનો પઠાણ વોચમેન કહેતો, ‘જાઓ બાબા, કાઇકો હૈરાન કરતા હે હમકો? યે ફિલમ કંપની હે. ઇધર છોકરા લોગ નહીં મંગતા, છોકરી લોગ મંગતા હે’ પણ પેલા ઇસ્માઇલભાઇએ એક દિવસ શેઠ અરદેશર ઇરાની સામે આ છોકરાને ઊભો કરી દીધો. ઇરાની શેઠે મહબૂબને રાખ્યા પણ પાંચ મહિના સુધી કોઇ કામ ન આપ્યું.

એ સમયે મહેબૂબ ખાન પેલા ઇસ્માઇલભાઇના રેલવે કવાર્ટરમાં રહેતા. 1927થી 1929 સુધી તેઓ એકસ્ટ્રા તરીકે કામ કરતા રહ્યા. કયારેક લોંગ શોટમાં ઊભા રાખી દેવાતા એટલું જ. પગાર-બગાર કાંઇ નહીં મળે. પેલા ઇસ્માઇલભાઇ ફરી ઇરાની શેઠ સામે મહેબૂબ ખાનને લઇ ગયા પછી પગાર ચાલુ થયો. તેમને પહેલીવાર કામ મળ્યું. ‘અલી બાબા ઔર ચાલીસ ચોર’માં. જેમાં સુલોચના, જિલ્લો, જમશેદજી, એલીઝર, બાબુરાવ સંસરે ને વકીલ હતા. મહેબૂબ ખાન પેલા ચાલીસ ચોરમાંના એક હતા. કલોઝઅપમાં આવવાનું જ નહીં.

1929ની ‘શીરીં ખુશરુ’માં ઘોડાવાળા દૃશ્યમાં પહેલીવાર કલોઝઅપમાં દેખાયા. 1931માં તેઓ સાગર મુવીટોનમાં ચાલી ગયા જે ચીમનલાલ બી. દેસાઇ અને ડો. અંબાલાલ પટેલની માલિકીમાં હતો. અહીં તેઓ પહેલીવાર ‘મેરી જાન’ ફિલ્મ દરમ્યાન મિડ શોટમાં દેખાયા. 1933ની ‘પ્રેમી પાગલ’માં તેમને પહેલીવાર ખલનાયકની ભૂમિકા મળી અને પગાર થયો 60 “ આ સાગર મુવીટોનમાં જ તેઓ ચીફ આસીસ્ટન્ટ ચીમનલાલ દેસાઇના જીવનભરના દોસ્ત બન્યા. 1931માં અરદેશર ઇરાનીએ ‘આલમઆરા’ બનાવી ત્યારે મહેબૂબ જો ઇમ્પિરિયલમાં જ હોત તો કદાચ વિઠ્ઠલવાળી ભૂમિકા મેળવી શકયા હોત.

ખેર! જયારે કનૈયાલાલ મુનશીની નવલકથા પરથી સર્વોત્તમ બદામીના દિગ્દર્શનમાં ફિલ્મ બનવી શરૂ થઇ તો તેમાં જાલ મરચન્ટ અને સવિતા દેવી હતા. પણ હીરોના પિતાની ભૂમિકા કરનાર બહુ નબળો અભિનેતા હતો. પેલા ચીમનકાંત દેસાઇએ કહ્યું, મહેબૂબને આ ભૂમિકા આપો. અને બાપની એ ભૂમિકા પછી સાગરની 9 ફિલ્મોમાં મહેબૂબે કામ કર્યું. આ દરમ્યાન કેમેરામેન ફરેદૂન ઇરાની સાથે દોસ્તી થઇ. એકવાર ફરેદૂનને તેમણે ફિલ્મ માટે વાર્તા સંભળાવી. ફરેદૂન તો ખુશ થઇ ગયા ને સાગરના એક માલિક ડો. પટેલને કહ્યું કે ‘મહેબૂબની આ વાર્તા છે. એને દિગ્દર્શન સોંપો.’ ડો. પટેલ કહે, ‘વાર્તા સારી છે પણ એમ કાંઇ દિગ્દર્શન ન સોંપાય.’ પણ ફરેદૂનજી કહે ‘તમે ત્રણ દિવસ માટે મહેબૂબને દૃશ્યો ફિલ્માવવા દો. હું કેમેરામેન તરીકે શૂટ કરીશ. બસ, ત્રણ જ દિવસ આપો, શેઠજી!’

ડો. પટેલ કહે, ‘પણ ત્રણ દિવસ પછી જો અમને ન ગમ્યું, ચીમનલાલ શેઠને ન ગમ્યું તો?’ ફરેદૂન ઇરાની કહે ‘બધી જવાબદારી મારી. એ દૃશ્યો ન ગમ્યા તે કાઢી નાંખજો. જે નુકશાન જશે તેના પૈસા હું ચૂકવી દઇશ.’ ડો. પટેલ કહે, ‘તો ભલે આપ્યા ત્રણ દિવસ.’ 1935નું વર્ષ અને ફિલ્મ હતી ‘અલ હિલાલ’ કુમાર, ઇન્દિરા, યાકુબ, સિતારા, અઝુરી વગેરેવાળી એ વેશભૂષા સભર ફિલ્મ હતી. મહેબૂબ ખાને સિતારા પર મુહૂર્ત દૃશ્ય ફિલ્માવ્યું ને કેમેરામેન હતા ફરેદૂન ઇરાની. ચીમનકાંત ગાંધીએ આસીસ્ટન્ટ તરીકે કામ કર્યું. ડો. પટેલે જોયું કે શૂટિંગ દરમ્યાન મહેબૂબ તો ખાવાપીવાનું ય ભુલી જતા હતા.  હા, દિવસની પાંચ વારની નમાજ કયારેય ન ચૂકે અને ત્રણ દિવસ પછી બધાએ સાગર મુવીટોનમાં એ દૃશ્યો જોયા તો બધાની આંખમાં ચમક હતી.

બસ, પછી તો ‘ડેકકન કવિન’, ‘મનમોહન’, ‘જાગીરદાર’, ‘હમ તુમ ઔર વો’, ‘વતન’, ‘એક હી રાસ્તા’, ‘અલી બાબા’ જેવી ફિલ્મોનું અહીં દિગ્દર્શન કર્યું અને પછી નેશનલ સ્ટૂડિયો માટે નિર્માતા-દિગ્દર્શક તરીકે ‘ઔરત’, ‘બહેન’, ‘રોટી’ બનાવી. આ બધી જ ફિલ્મોના કેમેરામેન પેલા ફરેદૂન ઇરાની અને આસસીસ્ટન્ટ ચીમનકાંત ગાંધી. 1943માં ‘મહેબૂબ પ્રોડકશન’ શરૂ કર્યું અને શરૂ થઇ નવી સફર. ‘નજમા’, ‘તકદીર’, ‘હુમાયુ’, ‘અનમોલ ઘડી’, ‘એલાન’, ‘અનોખી અદા’, ‘અંદાજ’, ‘આન’, ‘આવાઝ’, ‘પૈસા હી પૈસા’ ‘મધર ઇન્ડિયા’ અને ‘સન ઓફ ઇન્ડિયા’. ગ્રેટ મહેબૂબ ખાનની એ સફર હતી. લગભગ અભણ કહી શકાય એવા મહેબૂબ સાહેબ ભારતીય સિનેમાના ઇતિહાસનું ન ભુલાઇ તેવું પ્રકરણ બની ગયા (તેમના વિશે બીજી વાતો હવે પછી)

Most Popular

To Top