જાલૌન: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) 16 જુલાઈના રોજ જાલૌનના કૈથેરી ગામમાંથી સમગ્ર દેશને બુંદેલખંડ એક્સપ્રેસ વેની (Express Way) ભેટ આપી હતી. પરંતુ એક્સપ્રેસ વે પરનો રસ્તો ખુલ્લો મુકાયાના પહેલા અઠવાડિયામાં જ તૂટી ગયો છે. રોડ પર બે ફૂટ ઊંડો ખાડો પડી ગયો હતો. આ વિશાળકાય ખાડામાં બુધવારે એક કાર ફસાઈ ગઈ હતી અને કારને નુકસાન થયું હતું. ક્ષતિગ્રસ્ત રોડને (Road) રિપેર કરવા માટે જેસીબી મશીન મંગાવવામાં આવ્યું હતું. જોકે, આ ઘટના બાદ તંત્રમાં ખળભળાટ મચી ગયો છે, અધિકારીઓએ તપાસના આદેશ આપ્યા છે. લોકો સોશિયલ મીડિયા પર એક્સપ્રેસ વેની ગુણવત્તા પર પણ સવાલ ઉઠાવી રહ્યા છે.
- પાંચ દિવસ પહેલાં જ પીએમ મોદીએ ખુલ્લો મૂકેલો બુંદેલખંડ એક્સપ્રેસ વે તૂટી ગયો
- ભારે વરસાદમાં એક્સપ્રેસ વેનો કેટલોક રસ્તો તૂટી પડ્યો
- ભ્રષ્ટાચારના કારણે કરોડો રૂપિયાનું ધોવાણ, તપાસના આદેશ
- બ્રિજ ખુલ્લો મુકાયાના 5 જ દિવસમાં 4 લોકોનાં મોત
વડાપ્રધાન મોદી દ્વારા ઉદ્ઘાટનના 5 દિવસ જ દિવસ બાદ જાલૌન તાલુકા વિસ્તારના છિરિયા સલેમપુર પાસે બુંદેલખંડ એક્સપ્રેસ વેનો રસ્તો તૂટી ગયો હતો. બુંદેલખંડ એક્સપ્રેસ વેના 195 કિલોમીટરના પોલ પાસે બુધવારે રાત્રે ભારે વરસાદમાં એક્સપ્રેસ વેનો કેટલોક રસ્તો તૂટી પડ્યો હતો. જેને કારણે UPEIDAના અધિકારીઓએ તાબડતોડ રસ્તાનું રિપેરિંગ શરૂ કરી દીધું હતું. જણાવી દઈએ કે આ બ્રિજ ખુલ્લો મુકાયાના 5 જ દિવસમાં આ એક્સપ્રેસ વે પર 4 લોકોનાં અકસ્માતમાં મોત પણ થઈ ચૂક્યાં છે. બુધવારે રાત્રે એક કાર અને બાઇકનો પણ અકસ્માત થયો હતો. લોકોએ તેનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. આ પછી UPEIDAના વહીવટી અધિકારીઓમાં હડકંપ મચી ગયો હતો અને જાલૌનના ડીએમએ તપાસના આદેશ આપ્યા છે.
મોડી રાત્રે એક્સપ્રેસ વેનો રોડ તૂટી જતાં સોશિયલ મીડિયા પર ચર્ચાનું બજાર ગરમાયું હતું. લોકોનું કહેવું છે કે, સરકારના ડ્રીમ પ્રોજેક્ટમાં સામેલ બુંદેલખંડ એક્સપ્રેસ-વેનું ઉદ્ઘાટન ખુદ દેશના વડા પ્રધાને કર્યું હતું, પરંતુ ભ્રષ્ટાચારના કારણે ભારે વરસાદમાં કરોડો રૂપિયાનું ધોવાણ થયું હતું. આનાથી સ્પષ્ટ થાય છે કે, એક્સપ્રેસ વેમાં હલકી ગુણવત્તાનો સામાન વાપરવામાં આવ્યો છે. પાંચ જ દિવસમાં રોડ તૂટી પડતા જાલૌન ડીએમએ તપાસના આદેશ આપ્યા છે.