SURAT

સાયબર ઠગોની ગુપ્ત ‘ગાદલા ગેંગ’નો પર્દાફાશ

!સુરત પોલીસની MPમાં રેડ, 19 કરોડની ડિજિટલ લૂંટનો મોટો ભાંડો ફૂટ્યો

સુરત સાયબર ક્રાઈમ પોલીસએ મધ્યપ્રદેશના રીવા શહેરમાં દરોડો પાડી દેશવ્યાપી સાયબર ઠગાઈ ચલાવતી એક હાઈટેક ગેંગનો ભંડાફોડ કર્યો છે. શિલ્પી ઉપવન વિસ્તારમાં ભાડાના ફ્લેટમાં ચાલી રહેલા આ રેકેટનું દૃશ્ય પોલીસ માટે પણ ખુબજ આશ્ચર્યજનક હતું. એક નાનકડા રૂમમાં જમીન પર ગાદલા પાથરીને નવ જેટલા યુવાનો લેપટોપ અને મોબાઈલ સાથે આખા દેશને નિશાન બનાવી ઠગાઈ ચલાવતા હતા. પોલીસ પહોંચતા જ બે આરોપી નિરાંતે ઊંઘતા હતા જ્યારે અન્ય લોકો મોબાઈલ અને લેપટોપ પર કામમાં વ્યસ્ત હતા.

આ ગેંગે સુરતના નિવૃત્ત રેલવે અધિકારીને નિશાન બનાવી તેમની જીવનભરની બચતમાંથી 8 લાખથી વધુ રકમ ઉડાવી લીધી હતી. નિવૃત્તિ બાદ મળેલા પૈસામાંથી 20 લાખ રૂપિયા એફડીમાં મુક્યા હતા અને 8 લાખ રૂપિયા ખાતામાં રાખ્યા હતા. પરંતુ ગઠિયાઓએ પોતાને રેલવે અધિકારી તરીકે ઓળખાવી “પેન્શન એક્ટિવેશન”ના નામે ફોન કર્યો અને એક ફેક લિંક મોકલી. લિંક પર ક્લિક કરતા જ મોબાઈલનો રિમોટ એક્સેસ મેળવી OTP સુધી વાંચી ખાતામાંથી 8.12 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી લીધા.

પોલીસ તપાસમાં ચોંકાવનારી વાત એ સામે આવી કે આ ગેંગના મોટાભાગના સભ્યો બહુ ઓછું ભણેલા હતા. કોઈ ડીજે ઓપરેટર તો કોઈ હેર કટિંગ કે વેલ્ડિંગનું કામ કરતો હતો, છતાં ટેકનોલોજીના ઉપયોગથી તેઓ કરોડોની સાયબર ઠગાઈ ચલાવતા હતા.

આ આરોપીઓ BetBook247 નામની ગેમિંગ વેબસાઈટ સાથે પણ જોડાયેલા હતા અને ફ્રોડથી મેળવેલા નાણાં ગેમિંગ ટ્રાન્ઝેક્શન દ્વારા ફેરવી ‘વ્હાઈટ’ કરતા હતા.હાલ પોલીસને 391 જેટલા બેંક ખાતાઓની માહિતી મળી છે, જેમાંથી દેશભરમાં 19 કરોડથી વધુનું સાયબર ફ્રોડ થયાનું સામે આવ્યું છે.

દરોડા દરમિયાન પોલીસે 27 મોબાઈલ, 3 લેપટોપ, અનેક ડેબિટ કાર્ડ, સિમ કાર્ડ અને પાસબુક જપ્ત કરી છે. મુખ્ય આરોપી સહિત નવેયને ઝડપી લેવામાં આવ્યા છે અને વધુ તપાસ ચાલુ છે.

Most Popular

To Top