કાલોલ: કાલોલ વિસ્તારમાં આવેલા ડેરોલ સ્ટેશનથી દેલોલ સુધી બાયપાસ રસ્તામાં આવતા શામળદેવી ગામના તળાવની કિનારા પર કોઈએ જાહેરમાં ફેંકી દીધેલો મેડિકલ વેસ્ટ જોવા મળ્યો હતો. જે અંગે કાલોલ તાલુકા હેલ્થ ઓફિસરને જાણ કરતા આરોગ્ય વિભાગે તાત્કાલિક સ્થળ પર પહોંચી મેડિકલ સામગ્રી અંગે તપાસ કરતા અમુક વર્ષ ૨૦૧૮ની એકસપાયરી ડેટ ધરાવતી દવાની બોટલો, ગોળીઓ અને વપરાયેલા ઈંજેક્શનોનો જથ્થો હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.
જોકે આ મેડિકલ જથ્થો આ જાહેર જગ્યાએ કોણ ફેંકી ગયું હશે એ ચર્ચા અને તપાસનો વિષય બન્યો છે. અત્યારે ચાલી રહેલી કોરોના મહામારીમાં આ રીતે જાહેરમાં મેડિકલ વેસ્ટ ફેંકી દેવો એ કોઈ સરકારી કે ખાનગી ક્ષેત્રની આરોગ્ય વિભાગની ઘોર બેદરકારી જોવા મળી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે સરકારી હોય કે ખાનગી ક્ષેત્રની મેડિકલ ગાઈડલાઈન મુજબ વપરાયેલ અને એક્સપાયર થયેલ મેડિકલ વેસ્ટનો બાયોમેડીકલ વેસ્ટમાં નિકાલ કરવાનો હોય છે.
તેમ છતાં કોઈએ મેડિકલ વેસ્ટ જાહેરમાં ફેંકી દીધો હોવાનું જોવા મળતાં કાલોલ આરોગ્ય વિભાગ સામે અનેક સવાલો ઉભા થયાં છે. તદ્ઉપરાંત શામળદેવી ગામનો આ તળાવ આસપાસમાં ગોચર જમીન હોવાથી ગામના પશુઓ પણ મોટા પ્રમાણમાં ચરવા અને પાણી પીવા માટે આવતા હોવાથી કોઈ નિર્દોષ પશુઓના મોંમાં ઈજેક્સનો જતાં કોઇ જાનહાની થઈ હોત તો તેના માટે કોણ જવાબદાર એવો ગામલોકોએ રોષ વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનિય છે કે આ મેડિકલ વેસ્ટની લાપરવાહી સામે તાલુકા હેલ્થ ઓફિસર દ્ધારા સ્થાનિક આરોગ્ય વિભાગના કર્મચારીઓની પુછ-પરછ કર્યા પછી કોઈ સરકારી દ્વારા આ જથ્થો ફેંકવામાં આવ્યો નથી તેવો બચાવ કર્યો હતો. તેમ છતાં મહામારી દરમિયાન આ રીતે જાહેરમાં મેડિકલ વેસ્ટ ફેંકનાર સામે સઘન તપાસ કરી અસરકારક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.