સુરત : પેટ્રોલમાં ઇથેનોલ ભેળવેલનો પ્રયોગ નિષ્ફળ રહેતા પેટ્રોલપંપ સંચાલક એસોસિએશને ફેરવિચારણા કરવા માંગ કરી છે. સાઉથ ગુજરાત પેટ્રોલપંપ એસોસિએશને વાહનો અને પંપ સંચાલકોને લાખોનું નુકસાન થતું હોવાની ફરિયાદ પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીને પત્ર લખી કરી છે. લેખિત ફરિયાદમાં એસોસિએશને જણાવ્યું છે કે, ઇથેનોલ છૂટું પડી ટાંકામાં તળિયે બેસી જાય છે, આ પ્રકારનું ફ્યૂઅલ ચોમાસાના ચાર મહિના બંધ રાખવામાં આવે.
- ઇથેનોલ છૂટું પડી ટાંકામાં તળિયે બેસી જાય છે : સુરેશભાઇ દેસાઇ
- પેટ્રોલ પંપ સંચાલક એસોસિયેશનની ફેરવિચારણા કરવા માંગ
ઇથેનોલ ભેળવીને પેટ્રોલ વેચવાના નિર્ણયનો વિરોધ અત્યાર સુધી વાહન ચાલકો અને ઓટો મોબાઈલ કંપનીઓ, ઓટો મોબાઇલ ડીલર એસો.કરતા હતાં. હવે એમાં પેટ્રોલ પંપ સંચાલકો પણ જોડાયા છે.
સાઉથ ગુજરાત પેટ્રોલપંપ ડીલર એસોસિએશને સરકારને પત્ર લખીને દાવો કર્યો છે કે ઇથેનોલ મિક્સ કરેલા પેટ્રોલને કારણે અમને લાખો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે, કારણકે દરિયાઈ પટ્ટાના વિસ્તારોમાં પેટ્રોલના ટાંકામાં કેમિકલ પ્રક્રિયા થઈને પેટ્રોલ અને ઇથેનોલ અલગ થઈ જાય છે.
સરકારે E20 પોલિસી હેઠળ આખા દેશમાં વેચાતા પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલ ભેળવવાનો નિયમ બનાવ્યો છે, એટલે કે એક લિટર પેટ્રોલમાં પાંચમાં ભાગનું ઇથેનોલ મિક્સ કરવું. આ નિયમની અમલવારી ગયા એપ્રિલ મહિનાથી થઈ હતી. એના સારા પરિણામ મળ્યા નથી.
સાઉથ ગુજરાત પેટ્રોલપંપ ડિલર એસોસિએશનના પ્રમુખ સુરેશ દેસાઈ (બચુભાઈ) એ જણાવ્યું હતું કે, જો કંપનીઓ અલગ ટાંકી રાખીને પાવર પેટ્રોલ વેચવાનું કહે છે, તો તેમને ઈથેનોલ મિશ્રણ વગરના પેટ્રોલ ખરીદવાનો પણ ગ્રાહકને વિકલ્પ આપવો જ જોઈએ. વાહન પ્રદૂષણ ઓછું કરવાના ઉદ્દેશ સાથે સરકારે ઇથેનોલ ભેળવેલું પેટ્રોલ વેચવાનો નિર્ણય લીધો હતો.
નીતિ આયોગની ભલામણ મુજબ પેટ્રોલમાં 10% જ ઇથેનોલ મિશ્રણ કરવાની પરવાનગી છે છતાં પણ 20% કરવામાં આવી રહ્યું છે. આવનારા સમયમાં પેટ્રોલમાં 30% ઇથેનોલ ભેળવવાની વાત ચાલી રહી છે, પરંતુ જો આવું થશે તો વાહનોમાં પેટ્રોલ ભરાવનાર ગ્રાહકોને તો નુકસાન છે જ, એની સાથે સાથે પેટ્રોલ પંપના ડીલરોને પણ લાખો રૂપિયાનું નુકસાન થશે.
ઇથેનોલની કિંમત પેટ્રોલ કરતાં ઘણી ઓછી હોય છે. લગભગ 65 રૂપિયા પ્રતિ લિટરની આસપાસ એકલું ઇથેનોલ વેચાય છે. જો 20 ટકા ઇથેનોલ પેટ્રોલમાં ભેળવવામાં આવે તો પેટ્રોલના ભાવમાં ઘટાડો થવો જોઈએ, જોકે આવો ઘટાડો કરવામાં ન આવ્યો એટલે લોકોમાં નારાજગી જોવા મળી હતી.
ઇથેનોલ મિશ્રિત પેટ્રોલથી જૂનાં વાહનોને નુકસાન
આટલું જ નહીં, ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ જૂનાં વાહનોને નુકસાન કરી રહ્યું હોવાના એક્સપર્ટ અભિપ્રાય આપી રહ્યાં છે. પેટ્રોલમાં ઇથેનોલ ભેળવ્યું હોય એ BS6 પ્રકારનાં વાહનોના એન્જિન માટે યોગ્ય ગણવામાં આવ્યું છે, પરંતુ BS6 પ્રકારના એન્જિન મોટે ભાગે 2018 પછી મેન્યુફેક્ચર થયેલાં વાહનોમાં જ આવે છે, જ્યારે આ પહેલાં બનેલાં વાહનોમાં E20 ફ્યૂઅલ વાપરવામાં આવે તો વાહનના એન્જિનને નુકસાન થવાની સંભાવના રહેલી છે. આ ઉપરાંત વાહનની માઇલેજ પણ ઓછી થાય છે.
ઇથેનોલ પેટ્રોલની ટાંકીમાં નીચે બેસી જાય છે
સુરેશ દેસાઈએ વધુમાં જણાવ્યું હતું કે, વાતાવરણમાં સહેજ પણ ભેજ વધી જાય, ચોમાસામાં પેટ્રોલ પંપની ટાંકીમાં સહેજ પણ પાણી આવી જાય તો ઇથેનોલ અને પેટ્રોલ રાસાયણિક પ્રક્રિયા થઈ છૂટા પડી જાય છે. આ સૌથી મોટી સમસ્યા છે. પંપ ચાલકોનો ખર્ચ વધી રહ્યો છે ઇથેનોલ પેટ્રોલની ટાંકીમાં નીચે બેસી જાય છે. પેટ્રોલ પંપમાંથી પંપ મારફત પેટ્રોલ ખેંચવામાં આવે ત્યારે મોટેભાગે નીચેથી ખેંચાય છે, એટલે ગ્રાહકને ઇથેનોલ વધુ અને પેટ્રોલ ઓછું મળે છે. કેટલીક વખત જો વધારે પ્રમાણમાં પેટ્રોલ છૂટું પડી જાય તો પંપ માલિકને ફેંકી દેવું પડે છે.
આ સમસ્યાના ઉકેલ તરીકે પેટ્રોલિયમ કંપનીઓએ પંપ ચાલકોને જુદી જુદી બે ટાંકી આપવી જોઈએ. દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં ભેજનું પ્રમાણ વધારે હોવાથી આ વિસ્તારોના પેટ્રોલ પંપમાં ઇથેનોલ અલગ થઈ જવાની સમસ્યાઓ વધી રહી છે. પેટ્રોલ પંપના માલિકોના નુકસાન વિશે તેઓ કહે છે કે દરેક પેટ્રોલ પંપ પર 20 હજાર લિટર પેટ્રોલની ટાંકી હોય છે. આ ટાંકીમાં 2 હજારથી લઈને 20 હજાર લિટર સુધી પેટ્રોલ ભરેલું હોય છે. જ્યારે પેટ્રોલ પંપની આ ટાંકીમાં પાણી ઘૂસી જાય ત્યારે એ કુલ માત્રાના 20% ઇથેનોલને છૂટું પાડી દે છે.