નડિયાદ : ખેડા જિલ્લામાં ચાલી મતદાર યાદી સુધારણા કાર્યક્રમ સંદર્ભે ગાંધીનગર સ્ટેમ્પ મહાનિરીક્ષક અને ખેડા જિલ્લા મતદારયાદી ઓબ્ઝર્વર જેનુ દેવનના અધ્યક્ષસ્થાને મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત બેઠક યોજાઈ હતી. જેમાં ઉનાળુ વેકેશન દરમિયાન જિલ્લાની બહાર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વતન પરત આવે ત્યારે ખાસ ડ્રાઈવ યોજવા સુચન કર્યું હતું.
કેન્દ્રના ચૂંટણીપંચ દ્વારા 1લી એપ્રિલ, 2023ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-2023 જાહેર કરવામાં આવ્યો છે.
આ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ 5મી એપ્રિલ, 2023થી 23મી એપ્રિલ, 2023 સુધી ચલાવવામાં આવશે. આ ઉપરાંત આગામી 23મી એપ્રિલ, 2023ને રવિવારના રોજ જિલ્લામાં ખાસ ઝુંબેશ યોજાશે. ગાંધીનગર સ્ટેમ્પ મહાનિરીક્ષક અને ખેડા જિલ્લા મતદારયાદી ઓબ્ઝર્વર જેનુ દેવનના અધ્યક્ષસ્થાને મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ઓબ્ઝર્વર જેનુ દેવને જિલ્લાના તમામ પ્રાંત અધિકારીશ્રીઓ સાથે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ એસએસઆર 2023 અંતર્ગત જિલ્લામાં થયેલી કામગીરી અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. હાલમાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત માતર, નડિયાદ , મહેમદાવાદ , મહુધા, ઠાસરા, કપડવંજ વિધાનસભા મતવિસ્તારમાં નવા મતદારોની નોંધણી પ્રક્રિયા આગળ વધી રહી છે.
જે અંતર્ગત જિલ્લામાં તારીખ 16મી એપ્રિલ સુધી કુલ 9394 ફોર્મ ભરવામાં આવ્યાં હતાં. જિલ્લાની બહાર અભ્યાસ કરતાં અને 18 વર્ષ પૂર્ણ થયાં હોય તેવા વિદ્યાર્થીઓ ઉનાળું વેકેશનમાં વતન પરત આવતા હોય છે. આથી, મતદાર યાદી નોંધણી માટે ખાસ ડ્રાઈવ યોજવા ઉપરાંત વિશેષ પ્રયાસો કરવા માટે જિલ્લા ઓબ્ઝર્વર જેનુ દેવને તમામ પ્રાંત અધિકારીઓને સૂચના આપી હતી. ઉલ્લેખનીય છે કે, જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તાર સહિત કુલ 1744 મતદાન મથકો છે. આ તમામ મતદાન મથકો ખાતે મતદાર યાદી નોંધણી પ્રક્રિયા શરુ છે. 18-19 વયજૂથના નવા મતદારોની નોંધણીને લઈ વિશેષ કામગીરી થઇ શકે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિશેષ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આ બેઠકમાં કલેક્ટર કે.એલ.બચાણી, અધિક નિવાસી કલેક્ટર બી.એસ.પટેલ, નાયબ ચૂંટણી અધિકારી ધર્મેન્દ્રસિંહ ચૌહાણ, જિલ્લાના પ્રાંત અધિકારીઓ હાજર રહ્યાં હતાં.