Charchapatra

રોડ અકસ્માત પ્રત્યે જાગૃતિ ફેલાવવા ઉ.પ્રદેશની શાળાઓએ લીધેલા અનુકરણીય પગલાં

કિશોર અવસ્થાના વિદ્યાર્થીઓ કે વિદ્યાર્થીનીઓ માટે ટુ વ્હીલર કે ફોર વ્હીલર લઈ શાળાએ આવવું-જવુ પોતાના માટે જ નહીં બલકે અન્યોને માટે પણ જોખમકારક હોય છે. તાજેતરમાં ઉત્તર પ્રદેશની સરકારી અને ખાનગી શાળાઓમાં ટુ વ્હીલર કે ફોર વ્હીલર વાહનો લાવનારા વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો છે. શાળાઓમાં એક વિદ્યાર્થીને રોડ સેફ્ટી કેપ્ટન બનાવવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે.

પ્રત્યેક વર્ગમાં આવી વરણી સડક સુરક્ષા અર્થે જાગૃતિ ફેલાવવા માટે કરવામાં આવશે. ઉપરાંત શાળાઓમાં રોડ સેફ્ટી ક્લબ પણ બનાવવામાં આવશે. દરેક અઠવાડિયામાં ઓછામાં ઓછા એક પીરિયડ વિદ્યાર્થીઓને માર્ગ અકસ્માત પ્રત્યે જાગૃત કરવામાં આવશે. આ ઉપરાંત દરેક શાળામાં નોડલ શિક્ષક પણ બનાવવામાં આવશે અને પરિવહન વિભાગના સહયોગથી તેમને તાલીમ પણ આપવામાં આવશે. માધ્યમિક શિક્ષણના ડાયરેક્ટરના જણાવ્યા અનુસાર 899 રઈન્ટર કોલેજોને રોડ સેફ્ટી ક્લબ બનાવવા માટે 50-50 હજાર રૂપિયાની રકમ આપવામાં આવશે.

આ ઉપરાંત 2373 સરકારી માધ્યમિક શાળાઓને 500-500 રૂપિયા દિવાલો પર ટ્રાફિકના નિયમો લખવા માટે આપવામાં આવ્યા છે. શાળાના મેનેજમેન્ટ સાથે મળીને ટ્રાન્સપોર્ટ વિભાગ વિશેષ અભિયાન ચલાવશે. અને જે વિદ્યાર્થીઓ નિયમ વિરુધ્ધ શાળાઓમાં વાહન લઈને આવશો તો તેમને દંડ ભરવો પડશે. દર ત્રણ મહિને શાળા પરિવહન સુરક્ષા સમિતીની બેઠક મળશે.

જ્યારે જિલ્લાધિકારીની અધ્યક્ષતામાં દર વર્ષે જાન્યુઆરી અને જુલાઈમાં તમામ શાળાઓની બેઠક યોજવામાં આવશે. વાહન અકસ્માતો રોકવા અર્થે અને વાહન અકસ્માત પ્રત્યે જાગૃતિ ફેલાવવા અર્થે ઉત્તરપ્રદેશની શાળાઓમાં જે પગલાં આજે લેવામાં આવ્યા છે તે સ્તુત્ય અને આવકારદાયક છે. દેશની તમામ શાળાઓમાં આવા પગલાંઓ ભરવાની અને આવા આયોજન કરવાની તાતી જરૂર છે. જેથી વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને સડક અકસ્માતો પ્રત્યે નાનપણથી જ જાગૃત કરી શકાય.
પાલનપુર          – મહેશ વી.વ્યાસ-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top