ગઈકાલે હું અહીં જ તમારા બાંકડે ચા પીતો હતો, સાંજે ચાર વાગ્યે. મારા મોબાઈલ પરથી આ ‘એક્સક્યુઝ મી’ વાળી જાહેરાત મેં ઠેકઠેકાણે મૂકી અને તમને વાત કરવા જ આવતો હતો કે તમારા ચાના બાંકડે હું એક ખૂણામાં બેસીશ, ચા પીશ, મને મળવા આવતા લોકોને ચા પીવડાવીશ. મફતમાં નહીં બેસું અને ઉપરથી તમને કમિશન આપીશ. તમને વાત કરવા હજી બાંકડા પરથી ઊભો થાઉં એટલામાં વાઈફનો ફોન આવ્યો કે પપ્પાને હોસ્પિટલમાં એડમીટ કર્યા છે એટલે હું ગભરાયો. હોસ્પિટલમાં ગયો તો ખબર પડી કે પપ્પાને કોરોના થયો છે. હવે એમને ક્વોરન્ટીન કરવા એક ફ્લેટની વ્યવસ્થા કરવી પડે એમ હતું. મારી મમ્મીની પણ ઉંમર સાઈઠ ઉપર છે…ઘરે સાળી પ્રસૂતિ માટે આવી છે…આ બધામાં એવો અટવાયો કે માંડ રાતના દસ વાગ્યે પરવારીને મેં શ્વાસ લીધો. ત્યારે તો તમારો આ ચાનો બાંકડો બંધ થઇ ગયો હોય ને!’ ‘હા રાતે આઠ વાગ્યે તો હું બાંકડો વધાવી લઉં છું.’ ‘એટલે જ મને થયું સવારે તમારી જોડે વાત કરું. આ જુઓ સવાર પડી નથી કે હું હાજર થઇ ગયો.’ હું વિચારમાં પડ્યો. એ માણસનું નામ જયેન્દ્ર મહેતા હતું. એની પાસે એક કાળી સુટકેસ હતી જેના પર મોટા સફેદ અક્ષરોમાં ‘એક્સક્યુઝ મી’ લખ્યું હતું. અને આ જયેન્દ્ર મહેતા મારા બાંકડા પર એનું સલાહ કેન્દ્ર ખોલવા માંગતો હતો!
વાત એમ હતી કે આજના સમયમાં લોકો એટલા બધા અટવાયેલા હોય છે કે ક્યાંક ને ક્યાંક કોઈક ન કોઈક કારણોસર મોડા પડતા હોય છે. મોડા પડવાનાં કારણો ટ્રાફિક જામ, પત્ની સાથે જીભાજોડી કે બાળકને અચાનક સ્કૂલે મૂકવા જવું પડ્યું હોય એવા રોજિંદા અને સરેરાશ જ હોય પણ એ કહેવું કઠણ થઇ પડે. ઓફિસની અગત્યની મીટિંગ હોય અને તમે કહો કે ટ્રાફિક જામને કારણે મોડા પડ્યા તો ભલે એ સાચું હોય પણ તમે જાણે જુઠ્ઠું બોલતા અઠંગ આળસુ હો એવી નજરોએ તમને બોસ જુએ અથવા સાળાના દીકરાના જન્મદિવસની પાર્ટીમાં અચાનક બોસે સોંપેલા કામને કારણે તમે બે કલાક મોડા પડો તો ભલે તમારી પાસે મોડા પડવાનું વ્યવસ્થિત કારણ હોય તો પણ ‘આને તો સાસરિયાંઓની કંઈ કીંમત જ નથી–’ એવી છાપ પડે અને એમાં તમે કંઈ કરી ન શકો. આ બધું મને આ જયેન્દ્ર મહેતાએ સમજાવ્યું. એણે કહ્યું ‘આજે એવો સમય આવી ગયો છે કે તમે મોડા પડવાનાં જે કારણો આપો છો એમાંથી સામેવાળો વિશ્વાસ ખોઈ બેઠો છે એટલે જરૂર છે નવાં, અસરદાર અને ગળે ઊતરે એવા એક્સક્યુઝની…કારણોની – અને એ આપવાનું કામ હું કરું છું.’ ‘અને એના લોકો તમને પૈસા ચૂકવે?’ ‘કેમ ન ચૂકવે? આ પણ એક પ્રકારની કન્સલ્ટન્સી છે.’
હું જયેન્દ્ર મહેતાને તાકી રહ્યો. ખરેખર આવું કામ હોઈ શકે? એની પાસે આ કામ માટે કોઈ પોતાની ઓફિસ નહોતી. પહેલાં કોઈ મિત્રને ત્યાં એની ઓફિસમાં એક ખૂણામાં ટેબલખુરશી નાખી પોતાનું કામ કરતો હતો પણ મિત્રને ધંધામાં ખોટ જતા એ ઓફિસ ખાલી કરવી પડી. હવે એણે સલાહ આપવા બેસવાની જગ્યા જોઈતી હતી અને યોગ્ય જગ્યાની વ્યવસ્થા થાય ત્યાં સુધી એ મારા ચાના બાંકડે એક ખૂણે બેસી પોતાનું કામ કરવા માંગો હતો. આ વિષે એણે ફેસબુક અને બીજી જગ્યાએ જાહેરાત પણ મૂકી દીધી હતી કે એ આ ‘એક્સક્યુઝ મી’ની સલાહો આપવા હવે મારા ચાના બાંકડે મળશે અને આ વાત મને અત્યારે કરી રહ્યો હતો. મેં પૂછ્યું કે આવું હોય તો મને પહેલાં વાત તો કરવી જોઈએ? ત્યારે એણે સસરાને ક્વોરન્ટીન કરવા માટેની દોડાદોડીમાં કઈ રીતે મારી સાથે વાત કરવાનું રહી ગયું એ કહ્યું. આમ તો મને કોઈ વાંધો નહોતો પણ મારા બાંકડે મારી જાણ બહાર કશું ગેરકાયદે કામ ન થવું જોઈએ નહીં તો મારે જ મારો ધંધો બંધ કરવાનો વારો આવે. જયેન્દ્રનું કામ વિચિત્ર લાગ્યું પણ કશુંય ગેરકાયદે તો નહોતું લાગતું આથી મેં એને પરવાનગી આપી પણ આવું કામ હોઈ શકે એ મને ગળે નહોતું ઊતરતું.
પછી તો હું ઘરાકોને ચા આપવામાં વ્યસ્ત થઇ ગયો અને થોડી વાર માટે જયેન્દ્ર ભુલાઈ ગયો હતો પણ અચાનક મારા બાંકડા પાસે એક મોટી કાર ઊભી રહી અને ‘કેવી કેવી જગ્યાએ બોલાવો છો યાર તમે પણ…’ એવું બોલતાં એક દેખીતી રીતે અમીર માણસ જ્યારે ખૂણામાં બેઠેલા જયેન્દ્ર પાસે ગયો ત્યારે મને થયું કે આ જયેન્દ્રને ગંભીરતાથી લેવો પડશે. ચા બનાવતા અને ચા આપતા મને જે સંભળાયું એ આમ હતું : એ અમીર માણસનું નામ સૂર્યકાંત હતું અને એના બનેવીના ભાઈની સગાઇ હતી આવતી કાલે અને એમાં સૂર્યકાંત નહોતો જવા માંગતો કેમ કે બનેવીના થનારા વેવાઈ જોડે સૂર્યકાંતને અનબન હતી. હવે સૂર્યકાંત શું બહાનું કાઢી આવતી કાલની સગાઈમાં ન જાય તો બનેવીને ખરાબ પણ ન લાગે એ સલાહ જયેન્દ્ર આપવાનો હતો!
‘બનેવીને થોડું ટેન્શન થાય તો ચાલે?’ જયેન્દ્રે પૂછ્યું. ‘થોડું એટલે કેટલું?’ ‘મામૂલી…’ કહી જયેન્દ્રે ઉમેર્યું ‘સગાઈનું મુહૂર્ત બપોરે સાડા બારનું છે ને? તમે સવારે સાડા નવ વાગ્યે કોઈ અજાણ્યા ફોન પરથી તમારા બનેવીને ફોન કરીને કહો કે તમને તમારા કોન્ટેક્ટ તરફથી ઇન્કમ ટેક્સની ટીપ મળી છે – તમારા ઘરે રેડ પડવાની છે માટે તમે બધું સગેવગે કરવામાં અટવાયેલા છો..ફોન મૂકતા બનેવીને કહેજો કે તમારી પાસે પણ કંઇક વાંધાજનક સંપત્તિ હોય તો સગેવગે કરી નાખે અને ફોન કાપી નાખજો.’ કારવાળો ખુશ થતો ઊભો થતાં બોલ્યો ‘થેન્ક યુ જયુભાઈ…તમારી ફી ટ્રાન્સફર કરી દઉં છું…’ અને ચાલ્યો ગયો. જયેન્દ્રે મારી સામે જોઈ આંખ મીચકારી.
***
પછી તો બે કલાકમાં ઘણા અવનવા મુદ્દા મને સાંભળવા મળ્યા. એક છોકરીએ આવીને જયેન્દ્રને પૂછ્યું : મારા બોયફ્રેન્ડની બહેનનો જન્મદિવસ છે. મારે એની પાર્ટીમાં જવું પડશે નહીં તો બોયફ્રેન્ડને ખરાબ લાગશે પણ મારે એની બહેન માટે કોઈ ગિફ્ટ પણ નથી લેવી કેમ કે એ બહુ અભિમાની છે. મને નથી ફાવતું એની સાથે. તો શું કરું?’ તરત જયેન્દ્રે કહ્યું ‘સો રૂપિયમાં તમને આઈફોનનું નકલી બિલ મળી જશે. એ સાથે રાખો. પાર્ટીમાં જાઓ અને જતાંની સાથે બોયફ્રેન્ડ અને એની બહેનને સાઈડમાં લઇ જઈ કહો કે પાર્ટીમાં આવતા રિક્ષામાં મૂકેલું ગિફટ પેકેટ સિગ્નલ ખૂલતા બાઈક પર બેઠેલા ચોર પડાવીને ભાગી ગયા.
પછી તો ગુસ્સો બહુ કરતા મોટા કાકા, શક કરતી સાસુ, વહેમીલા પાડોશી, પૈસાનો તકાજો કરતા લેણદાર, જૂની ઉધારી માંગતા મિત્રો, એક્સ ગર્લફ્રેન્ડ સાથે જોઈ ગયેલી પત્ની…. વગેરે કિસમ કિસમના લોચા અને એના કીસમ કિસમના એક્સક્યુઝ સાંભળી હું છક થઇ ગયો અને મને વિશ્વાસ થઇ ગયો કે ખરેખર આવો પણ ધંધો હોઈ શકે! લોકો એક્સક્યુઝ માંગવા આવતાં હતાં. જયેન્દ્ર એક્સક્યુઝ આપતો હતો અને ફી વસૂલતો હતો!
મેં કહ્યું ‘આ જબરી લાઈન શોધી કાઢી તમે તો!’ ‘હવે મારે પણ એક જબરી લાઈન શોધવી પડશે’ મેં નવાઈ પામી એની સામે જોયું. ‘ધંધાની લાઈન નહિ – જવાબ આપવા માટેની લાઈન.’ ‘શેનો જવાબ!’ ‘સવાલ પૂછનાર જુઓ આવે છે તે.’ કહી જયેન્દ્રે ઈશારો કર્યો. એના ઈશારા કરેલ દિશામાં મેં જોયું તો બાજુમાં વડાંપાંઉનો સ્ટોલ ચલાવતી રૂપા મારા ચાના બાંકડા તરફ આવી રહી હતી. મેં કહ્યું ‘એ તો મારી ઓળખાણમાં છે આમ જ કોઈ વાર આવે અહીં, જરૂરી નથી કે કોઈ સવાલ પૂછે.’ ‘હા અહીં આવે છે એ મને ખબર છે, કાલે એ આવેલાં ત્યારે હું અહીં જ હતો પણ અત્યારે એમના રંગઢંગ પરથી લાગે છે કે એમના મનમાં કોઈ સવાલ છે.’
મેં રૂપા તરફ જોયું. એ રીસમાં દેખાઈ રહી હતી એમ મને પણ લાગ્યું. શું વાત હશે? મને યાદ આવ્યું કે ગઈકાલે એ બાવાજીને ત્યાં પોતાનો હાથરૂમાલ ભૂલી આવેલી અને બાવાજીએ મને આપેલો અને હું રૂપાને આપી નહોતો શક્યો. એ હાથરૂમાલ આપતા કોઈ ભળતો જ લેડીઝ હાથરૂમાલ મેં એને આપી દીધેલો. એ હાથરૂમાલ વિષે એણે પૂછેલું કે ‘એ હાથરૂમાલ કોનો છે?’ હું જવાબ આપું એ પહેલાં એણે પોતાના સ્ટોલ પર જવું પડેલું. એ વાત હશે? પણ આટલી મામૂલી વાત માટે કોઈ રીસે ભરાય? અને મારી પાસે કોઈનો લેડીઝ હાથરૂમાલ હોય તો તેનાથી રૂપાને શું! – એવા વિચાર કરતો હતો એટલામાં રૂપા નજીક આવી ગઈ અને મને પૂછવા માંડી ‘ગઈ કાલે…’
પણ એ વાક્ય પૂરું કરે એની પહેલાં ફોન પર વાત કરતો જયેન્દ્ર અમારી નજીક આવી ગયો અને ફોન પર મોટેથી બોલ્યો ‘હા.હા. હવે એક રૂમાલ માટે કકળાટ નહિ કર. હું આ ચાવાળાને પૂછું છું. ખમ ઘડીક.’ અને ફોન પર હાથ રાખી મને પૂછ્યું ‘ભાઈ ગઈ કાલે કોઈ લેડીઝ હાથરૂમાલ અહીં તમને મળેલો કે? મારી વાઈફનો હાથરૂમાલ જડતો નથી.. કાલે અમે અહીં આવેલાં…’
‘હા એક રૂમાલ મળેલો…’ એટલું બોલતાં જ રૂપા જવા માંડી. મેં કહ્યું ‘તમે કંઈ પૂછતાં હતાં?’
‘કંઈ ની…’ કહી એ ચાલી ગઈ. જયેન્દ્રે સ્મિત કરી મને કહ્યું ‘મેં કહ્યું ને – કાલે હું અહીં જ હતો!’
આ જયેન્દ્ર પણ પહોંચેલી માયા નીકળ્યો!